પીવી હોય તો ઇન્ડોનેશિયા પહોંચી જાઓ
અપસાઇડ ડાઉન કૉફી
પીવી હોય તો ઇન્ડોનેશિયા પહોંચી જાઓ. અહીં કુપી ખોપ નામની કૉફી સર્વ થાય છે, જેમાં કૉફીનો ગ્લાસ પ્લેટમાં ઊંધો કરીને સર્વ કરવામાં આવે છે. આમ જુઓ તો આ કૉફી આપણી ટિપિકલ કૉફી જેવી નથી. એમાં રૉબસ્ટ કૉફીના બીન્સ અધકચરા વાટીને શેકેલા હોય એવા આખેઆખા નાખવામાં આવે છે. જો બ્લૅક કૉફી હોય તો ખાંડ અને ગરમ કરેલું પાણી અલગથી ઉમેરવામાં આવે. દૂધવાળી કોલ્ડ કૉફી હોય તો એમાં પણ અધકચરા ખાંડેલા કૉફી-બીન્સમાં દૂધ અને આઇસ ઉમેરવામાં આવે છે. ગરમાગરમ હોય કે ચિલ્ડ કૉફી, એના ગ્લાસ પર પ્લેટ ગોઠવીને વૅક્યુમ ક્રીએટ કરવામાં આવે અને પછી પ્લેટ પર ગ્લાસ ઊંધો પાડી દઈને સર્વ કરવામાં આવે. પ્લેટમાં સાઇડમાં લીક થયેલી કૉફી તમારે સ્ટ્રૉથી પીવાની.
ઇન્ડોનેશિયામાં તમને ઘણી કૉફી-શૉપમાં કુપી ખોપ મળશે. આજકાલ ઇનોવેશનના નામે ઘણાં ગિમિક્સ ચાલે છે, આ પણ એમાંનું એક છે એવું માનવા જેવું નથી. આ અપસાઇડ ડાઉન કૉફી સર્વ કરવાની પદ્ધતિ સદીઓથી અહીં વપરાય છે અને એને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. આ પ્રકારે કૉફી બનાવવા અને સર્વ કરવાની પદ્ધતિ અહીંના માછીમારોમાં બહુ ફેમસ છે. આ પ્રકારે કૉફી મૂકવાથી એ લાંબો સમય ગરમ રહે છે. એટલું જ નહીં, લાંબો સમય મૂકી રાખવા છતાં એમાં કંઈ કચરો કે ધૂળ પડતી નથી. આ જ કારણસર સદીઓ પહેલાં માછીમારો કૉફી આ રીતે પીતા હતા.