ટ્રેડિશનલ પહેરવું છે પણ એકદમ પરંપરાગત લુક નથી જોઈતો, બહેનજી નહીં પણ ફૅશન દિવા દેખાવું છે તો ટ્રેડિશનલ સ્ટાઇલ સાથે ઍડ કરો મૉડર્ન તડકા અને મેળવો હટકે લુક
પ્રતીકાત્મક તસવીર
જ્યાં ટ્રેડિશનલ સ્ટાઇલ અને મૉડર્ન સ્ટાઇલનું મિલન થાય ત્યાં એકદમ યુનિક, આઉટસ્ટૅન્ડિંગ લુક મળે છે. ઘણી સેલિબ્રિટીઝના સ્ટાઇલિસ્ટ આવા સ્ટાઇલિંગ આઇડિયા ટ્રાય કરતા રહે છે. આજે આવા જ થોડા લુકની વાતો કરીએ જે તમે પણ સ્ટાઇલ કરી તમારા સ્ટાઇલિંગને એક સ્ટેપ ઉપર લઈ જઈ શકશો.
ડિસ્ટ્રેસ્ડ જીન્સ વિથ લૉન્ગ કુરતી
ADVERTISEMENT
આ સ્ટાઇલમાં જહાનવી કપૂર, દીપિકા પાદુકોણ, અદિતિ રાવ હૈદરી, આલિયા ભટ્ટ વગેરે ઘણા સ્ટાર્સ સ્પૉટ થયા છે. ડિસ્ટ્રેસ્ડ જીન્સ સાથે લૉન્ગ કુરતી બહુ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક આપે છે. દરેક ફૅશન ફૉલોઅર જીન્સ પહેરતી યુવતીએ આ સ્ટાઇલ એક વાર તો અચૂક ટ્રાય કરવી જોઈએ. કોઈ પણ નવું શૉપિંગ કર્યા વિના આ સ્ટાઇલને વૉર્ડરોબમાં રહેલા જીન્સ અને કુરતીને પેર-અપ કરીને પહેરી શકાય છે. બ્લૅક, બ્લુ, વાઇટ કે કોઈ પણ રંગનું હેવીલી ડિસ્ટ્રેસ્ડ જીન્સ અને એની ઉપર કોઈ પણ ટ્રેડિશનલ સ્ટાઇલ, મટીરિયલ અને રંગની લૉન્ગ કુરતી બહુ સરસ ફૅન્સી લુક આપે છે. આ કુરતીની પૅટર્નમાં સાઇડ કટ કે ફ્રન્ટ કટ જરૂરી છે. ફ્રન્ટ અને સાઇડ કટવાળી કે કમર સુધીના હાઈ સ્લિટવાળી કુરતી પણ જામે છે.
આ સ્ટાઇલ મૉડર્ન ડિસ્ટ્રેસ્ડ જીન્સ સાથે ટ્રેડિશનલ લૉન્ગ કુરતીનું સુંદર કૉમ્બિનેશન છે જે પહેરનારને ફૅન્સી અને ટ્રેન્ડી લુક આપે છે. આ એક કૅઝ્યુઅલ સ્ટાઇલ કે સેમી-કૅઝ્યુઅલ સ્ટાઇલ છે જે તમે રોજબરોજ કૉલેજમાં, ઑફિસમાં, કિટી પાર્ટીમાં, શૉપિંગમાં, ઍરપોર્ટ પર પહેરી શકો છો. થોડી હેવી કુરતી સાથે આ સ્ટાઇલ ઈવનિંગ ફંક્શન, ડિનર-ડેટ કે ગેટ-ટુગેધર પાર્ટીમાં પણ પહેરી શકાય છે. આ એક એવી વર્સેટાઇલ સ્ટાઇલ છે જેમાં નો જ્વેલરી, સિમ્પલ જ્વેલરી કે ફૅન્સી જ્વેલરી તમારી પસંદ અને ફંક્શન અનુસાર પહેરી શકાય છે. ફુટવેઅરમાં પણ કોલ્હાપુરી ચંપલથી લઈને ઍન્કલ હાઈ શૂઝ કે હિલવાળાં સૅન્ડલ્સ બધું જ સૂટ થાય છે.
પૅન્ટ સાડી
રેખાથી લઈને શ્રદ્ધા કપૂર સુધી ઘણી સેલિબ્રિટીઝ આ મૉડર્ન પૅન્ટ અને ટ્રેડિશનલ સાડીનું કૉમ્બિનેશન જુદી-જુદી સ્ટાઇલથી કરીને આકર્ષક લુક મેળવે છે. પરંપરાગત સાડીને પૅન્ટ અને ક્રૉપ ટૉપ, લૉન્ગ જૅકેટ સ્ટાઇલ ટૉપ, બ્લાઉઝ કે ટી-શર્ટ સાથે મૅચિંગ કરીને જુદી-જુદી યુનિક રીતે ડ્રેપ કરવામાં આવે છે. અડધું પૅન્ટ દેખાય એ રીતે એક બાજુથી સાડીને પાટલી વાળીને ખોસવામાં આવે છે અને પછી એને પાછળથી બીજી બાજુના ખભા પર ગુજરાતીની જેમ આગળ લેવામાં આવે છે અથવા પાછળથી આગળ લઈ ડાબા પર ઊલટા પલ્લુ સ્ટાઇલથી પાછળ પલ્લુ નાખવામાં આવે છે. પૅન્ટ પર લૉન્ગ ટૉપ કે પેપ્લમ ટૉપ પહેરી ખડા દુપટ્ટા સ્ટાઇલથી સાડી પહેરવામાં આવે છે. એક ખભા પર આગળ લૉન્ગ પલ્લુ, પછી પાછળથી સાડી આગળ લાવી એ જ ખભા પર પાછળ લૉન્ગ પલ્લુ નાખવામાં આવે છે. આ સ્ટાઇલ ઈવનિંગ ફૉર્મલ પાર્ટી, સંગીત, કૉકટેલ, વગેરેમાં સારી લાગે છે. સિલ્ક કે લિનન પૅન્ટ સાથે આ સ્ટાઇલ સરસ શોભે છે. સાડી પ્લેન કે ફૅન્સી મૉડર્ન પ્રિન્ટેડ બૉર્ડરવાળી ક્રેપ કે શિફોનથી લઈને બનારસી, કાંજીવરમ સિલ્ક સુધી બધી જ પહેરી શકાય છે. આ સ્ટાઇલ સાથે ફૉર્મલ ફૅન્સી સૅન્ડલ્સ અને હીલ્સ સરસ લાગે છે. જ્વેલરી થોડી મૉડર્ન ટચની વધારે જામે છે.
બ્લેઝર વિથ લેહંગા
આ યુનિક વેડિંગ સ્ટાઇલ છે. લગ્ન જેવા પ્રસંગમાં બધા જ સરસ એક-એકથી ચડિયાતા આઉટફિટમાં તૈયાર થઈને આવ્યા હોય ત્યારે બધાથી હટકે દેખાવું હોય તો આ સ્ટાઇલ ટ્રાય કરવા જેવી છે. આ સ્ટાઇલ પહેરવા પહેલાં કૉન્ફિડન્સની જરૂર છે, કારણ કે જે ફંક્શનમાં આ સ્ટાઇલ પહેરીને જશો બધા તમને જોશે, આ યુનિક સ્ટાઇલમાં એકદમ હેવી એમ્બ્રૉઇડરી વર્ક કે બનારસી મટીરિયલ કે શાઇનિંગ ટિશ્યુ મટીરિયલનો લેહંગો પહેરવામાં આવે છે અને એની સાથે બ્લાઉઝ કે ક્રૉપ ટૉપના સ્થાને વેલ્વેટ, સિલ્ક, ખાદી સિલ્ક, બનારસી બ્રૉકેડ કે અન્ય હેવી મટીરિયલનું પર્ફેક્ટ બ્લેઝર પહેરવામાં આવે છે. આ બ્લેઝર પ્લેન કે વર્કવાળાં હોય છે. દુપટ્ટાની જરૂર રહેતી નથી અને સાથે ઍડ કરવો જ હોય તો પાછળથી બે હાથમાં કૅરી કરી શકાય છે. આ સ્ટાઇલમાં મિનિમલ જ્વેલરી લુક અને હેવી સ્ટેટમેન્ટ નેકલેસ લુક બન્ને સરસ લાગે છે. સ્નીકર્સ કે સૅન્ડલ ફુટવેઅરમાં મૅચ થશે. આ મૅરેજ સીઝનમાં તમે આ સ્ટાઇલ ટ્રાય કરી શકો છો.
ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી વિથ જીન્સ
જીન્સ, ટી-શર્ટ કે શર્ટ કે જૅકેટ સાથે નવરાત્રિમાં ચણિયાચાળી સાથે પહેરાતી ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી ઑડ કૉમ્બિનેશન નથી પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહી છે. જેનિલિયા ડિસોઝા, કરિશ્મા તન્ના જેવા અનેક સ્ટાર આ સ્ટાઇલ કૅરી કરતાં જોવા મળ્યાં છે. બ્લૅક, બ્લુ, વાઇટ રંગના ડિસ્ટ્રેસ્ડ કે સિમ્પલ જીન્સ જોડે બ્લૅક ટી-શર્ટ કે શર્ટ સાથે, વાઇટ શર્ટ કે ટી-શર્ટ સાથે, કોઈ પણ પળે કે પ્રિન્ટેડ ક્રૉપ ટૉપ સાથે કે સ્પગેટી અને જીન્સના જૅકેટ સાથે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીનું કૉમ્બિનેશન બહુ સરસ લાગે છે. ગળામાં ઑક્સિડાઇઝ્ડ નેકલેસ, બેત્રણ નાના નેકલેસ કે પછી એક સ્ટેટમેન્ટ નેકલેસ કે એક લૉન્ગ પેન્ડન્ટ પીસ બહુ સરસ લાગે છે. હાથમાં ઘણીબધી બૅન્ગલ્સ કે બ્રેસલેટ પહેરવાં, વીંટીના શોખીનો બધી આંગળીઓમાં વીંટી પહેરે કે કોઈ એક સ્ટેટમેન્ટ રિંગ, બન્ને સરસ લાગે છે. કાનમાં સ્ટડ્સ વધારે સારાં લાગે છે પણ લૉન્ગ ફૅન્સી ઇઅરરિંગ્સ પણ પહેરી શકાય. ફુટવેઅર સ્નીકર્સ કે કોઈ પણ કૅઝ્યુઅલ વેઅર સરસ લાગે છે. આ સ્ટાઇલ ઍનીટાઇમ વેઅર છે, ક્યાંય પણ હટકે તૈયાર થઈને જવાનું મન થાય ત્યારે આ સ્ટાઇલ સરસ લાગશે.
સ્ટાઇલિંગ આઇડિયાને ફૉલો કરવા માટેની ટિપ્સ
સૌથી પહેલાં જે પણ સ્ટાઇલ કરો, એકદમ કૉન્ફિડન્સ સાથે કરો.
દરેક સ્ટાઇલમાં બૅલૅન્સ જાળવો. કોઈ પણ વસ્તુનો અતિરેક સારો લાગતો નથી.
સ્ટાઇલિંગ આઇડિયાને ફૉલો કરવા પહેલાં એ તમારી પર્સનાલિટીને સૂટ થશે કે નહીં એ વિચારો.
ફંક્શન અનુસાર સ્ટાઇલિંગ કરો.