લગ્નમાં કમ્ફર્ટ અને સ્ટાઇલનો સમન્વય થાય એવાં સુંદર વર્કવાળાં સ્પોર્ટ્સ શૂઝનો ટ્રેન્ડ શરૂ થયો છે
શૂઝ ફૅશનમાં એક નવી ડિઝાઇનર રેન્જ શરૂ થઈ છે બ્રાઇડલ સ્નીકર્સ
ટ્રેડિશનલ ડ્રેસ, સાડી અને ચણિયા-ચોળી કે લેહંગા સાથે તો ફૅન્સી ચંપલ અને હાઈ હીલ્સ જ શોભે એ હવે જૂનો ફૅશન ફન્ડા થઈ ગયો છે. અત્યારનું નવું ફૅશન સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે લેહંગા-ચોલી સાથે સ્પોર્ટ્સ શૂઝ, એક એવું અનોખું કૉમ્બિનેશન જે હેવી લેહંગાને કૅરી કરવા જરૂરી કમ્ફર્ટ આપે છે. આ સ્ટાઇલમાં એક ડિફરન્ટ બોલ્ડ ફૅશન અને સાથે-સાથે કમ્ફર્ટ પણ છે અને હવે લગ્ન હોય કે રિસેપ્શન કે સંગીત, નવવધૂ અને તેની સખી, સહેલી, સિસ્ટર્સ વગેરે હેવી લેહંગા-ચોલી સાથે શૂઝ પહેરવાનું પસંદ કરે છે. આ નવા ચેન્જિંગ ટ્રેન્ડને લીધે શૂઝ ફૅશનમાં એક નવી ડિઝાઇનર રેન્જ શરૂ થઈ છે બ્રાઇડલ સ્નીકર્સ; જે બ્લિંગ કે ગ્લિટર, વેજ સ્ટાઇલ, ફુલ વર્ક, ફુલ બીડ્સ, આગળ કે પાછળના ભાગમાં કે સાઇડમાં ડિઝાઇનર વર્ક વિથ મેસેજ જેવી નૉર્મલ શૂઝમાં ન હોય એવી વિશેષ સ્ટાઇલ હોય છે.
સ્નીકર્સમાં ચમકતા વાઇબ્રન્ટ રંગો
ADVERTISEMENT
બ્રાઇડલ સ્નીકર્સમાં રેડ, ગ્રીન જેવા વાઇબ્રન્ટ રંગ, ગોલ્ડન અને સિલ્વર રંગોના બધામાં મૅચિંગ થાય એવાં શૂઝ અને સફેદ રંગનાં શૂઝ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. હટકે રંગ પહેરનાર બ્રાઇડ લેહંગા પ્રમાણે બ્લુ, પિન્ક, યલો જેવાં શૂઝ પસંદ કરે છે.
ગોલ્ડન અને સ્લિવર ટચ ઇઝ મસ્ટ
બ્રાઇડ માટેનાં શૂઝ હોય એટલે હેવી લુક માટે ગોલ્ડન અને સિલ્વર ટચ હોવો તો જરૂરી જ છે. કોઈ પણ રંગના બેઝ પર ગોલ્ડ એમ્બ્રૉઇડરી, ગોલ્ડન સિલ્વર રેન્જમાં ગોલ્ડન ગ્લિટર જરીવાળાં, ગોલ્ડન–સિલ્વર ડ્યુઅલ ટોન, ગોલ્ડન ટીકીવર્કવાળાં, ગોલ્ડન લેસ અને એમ્બેલિશમેન્ટવાળાં શૂઝ પહેલી પસંદ બને છે. કોઈ વર્ક વિના માત્ર ગોલ્ડન અને સિલ્વર મટીરિયલનાં શૂઝ પણ સરસ લાગે છે. ઘણી શૂઝ બ્રૅન્ડ વિવિધ ડિઝાઇનમાં ગોલ્ડન બૉર્ડર ઍડ કરી બ્રાઇડલ લુક આપે છે.
ફૅન્સી વર્ક આૅન શૂઝ
બ્રાઇડલ સ્નીકર્સમાં જુદા-જુદા પ્રકારનાં હેવી વર્ક અને એમ્બ્રૉઇડરી કરેલાં શૂઝ એકદમ ઇનથિંગ છે. સ્ટોન એમ્બેલિશમેન્ટ, મલ્ટિ-કલર વર્ક,
મલ્ટિ-લેસ વર્ક, મોતીવર્કવાળાં, વાઇટ શૂઝ પર સિલ્વર મોતીકામ, ગોલ્ડન શૂઝ પર કુંદનવર્ક, માત્ર આગળના ભાગમાં મિનિમલ વર્કવાળાં, ફુલ જરદોસી એમ્બ્રૉઇડરી કરેલાં, ટોટલ ટચ ટુ ટચ મોતીવર્ક જેવાં જુદાં-જુદાં વર્ક કરવામાં આવે છે.
હૅન્ડપેઇન્ટિંગ
ચમકતી સ્ટાઇલ સિવાયના ઑપ્શન તરીકે સરસ હૅન્ડપેઇન્ટિંગ કરેલાં શૂઝ પણ બ્રાઇડ પહેરે છે. એમાં મેસેજ લખીને, નામ લખીને, થીમ બેઝ્ડ હૅન્ડપેઇન્ટિંગ પણ કરવામાં આવે છે. આ કલરફુલ લુક આપતાં શૂઝ પણ અનોખું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બને છે જેની ખાસ ફોટોગ્રાફી પણ કરવામાં આવે છે.
હટકે ડિઝાઇનર ટચ
હૅન્ડપેઇન્ટિંગમાં મસ્તી કે પ્રેમભર્યો મેસેજ, રેડ હાર્ટ પૅચવર્ક, સ્ટાર ડિઝાઇન, મિરર, ફુલ લેસમાંથી બનાવેલાં, નેટની ફ્રિલ ઍડ કરેલાં અને મેસેજ ‘હિયર કમ્સ બ્રાઇડ’ લખેલાં, 3D ફ્લાવર એમ્બ્રૉઇડરીવાળાં હટકે ડિઝાઇનર ટચવાળાં બ્રાઇડલ સ્નીકર્સ પણ હિટ છે.
પર્સનલાઇઝ્ડ ફીલ
ખાસ બ્રાઇડ માટે કસ્ટમાઇઝેશન કરેલાં એકદમ પર્સનલાઇઝ્ડ ફીલ આપતાં સ્નીકર્સ પણ ડિઝાઇન કરવામાં આવે છે. બ્રાઇડના લેહંગા જેવા જ રંગ અને વર્કવાળાં ડિઝાઇનર શૂઝ, બ્રાઇડનું નામ લખેલાં, બ્રાઇડ કે દુલ્હનિયા લખેલાં, આઇ લવ યુ કે ઓન્લી યૉર્સ જેવા મેસેજ લખેલાં શૂઝ એકદમ સ્પેશ્યલ ફીલ આપે છે.
સ્નીકર્સમાં હીલ્સ
બ્રાઇડલ સ્નીકર્સના સ્ટાઇલિંગમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે એની હિલ્સ પર. સિમ્પલ શૂઝ સ્ટાઇલ, બૉક્સ હીલ્સ, વેજ-સ્ટાઇલ હીલ્સ, પ્લૅટફૉર્મ હીલ્સ સાથેનાં શૂઝ હોય છે અને હીલ્સના સીડ પરત પર પણ વર્ક કરવામાં આવે છે.
દોરી પણ સ્ટાઇલિશ
બ્રાઇડલ સ્નીકર્સના સ્ટાઇલિંગમાં એને બાંધવાની દોરીમાં પણ ખાસ ડિઝાઇનિંગ કરવામાં આવે છે. મોસ્ટ્લી બધાં શૂઝમાં ગોલ્ડન દોરી, ગોલ્ડન લેસ સાથે એન્ડમાં સરસ હેવી લટકણ, ટૅસલ્સ, ગોલ્ડ સૅટિન રિબન વધુ વપરાય છે. સફેદ અને સિલ્વર શૂઝ સાથે ઑર્ગેન્ઝા, નેટની સફેદ રિબન બહુ ડેલિકેટ લુક આપે છે. સફેદ શૂઝ સાથે રેડ સૅટિન રિબન, રેડ શૂઝ સાથે ગોલ્ડ રિબન જેવું કૉન્ટ્રાસ્ટ કલર મૅચિંગ કે કલરફુલ રિબન પણ શૂઝની શૂલેસ તરીકે યુઝ થાય છે અને બહુ સરસ લુક આપે છે.
હટકે સ્ટાઇલ હિટ
આ એકદમ હટકે સ્ટાઇલ એમાં મળતી કમ્ફર્ટને કારણે એટલી હિટ થઈ ગઈ છે કે બધાં ઑનલાઇન પ્લૅટફૉર્મ પર બ્રાઇડલ સ્નીકર્સની રેન્જ મળે છે. માત્ર બ્રાઇડ નહીં પણ લગ્નપ્રસંગે હેવી ડ્રેસિંગ કરતી યુવતીઓ આ ફૅશન અપનાવી રહી છે. બ્રાઇડની બધી ફ્રેન્ડ્સ ‘ટીમ બ્રાઇડ’ લખેલાં શૂઝ કે વરપક્ષની યંગ ગર્લ્સ ‘ટીમ ગ્રૂમ’ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જેવા મેસેજ લખેલાં શૂઝ પહેરે છે.