સાદગી વ્યક્તિની સુંદરતાને વધારે છે એવું માનનારી બ્રાઇડ માટે બૉલીવુડની અભિનેત્રીઓ પ્રેરણારૂપ બની રહી છે.
આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી
સાદગી વ્યક્તિની સુંદરતાને વધારે છે એવું માનનારી બ્રાઇડ માટે બૉલીવુડની અભિનેત્રીઓ પ્રેરણારૂપ બની રહી છે. આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા પછી અદિતિ રાવ હૈદરીએ પણ મિનિમલિસ્ટ બ્રાઇડ બનીને લગ્નમાં ભારેખમ ઘરચોળું, લેહંગા પહેરવાને બદલે સિમ્પલ બટ એલિગન્ટ ટ્રેન્ડને આગળ વધાર્યો છે
હેવી વર્કવાળા વજનદાર લેહંગા અને આભૂષણોને કૅરી કરીને અનકમ્ફર્ટેબલ ફીલ કરવાને બદલે બૉલીવુડની અભિનેત્રીઓએ તેમનાં લગ્નમાં સાડી પહેરીને મિનિમલિસ્ટ બ્રાઇડનો ટ્રેન્ડ સેટ કર્યો છે અને યુવતીઓ પણ આ ટ્રેન્ડને અનુસરી રહી છે. અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, દિયા મિર્ઝા, યામી ગૌતમ અને આલિયા ભટ્ટ પોતાનાં લગ્નમાં સાડી પહેરીને મિનિમલિસ્ટ બ્રાઇડ બની હતી. સાડી અને ચૂંદડી સાથે સિમ્પલ આભૂષણો, હેરસ્ટાઇલ અને મેકઅપ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં એમ કહેવું ખોટું નથી. હેવી વેડિંગ લેહંગાને બદલે બ્રાઇડ જો સાડી પહેરવાનું પસંદ કરે તો તેણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સાડી શા માટે બ્રાઇડ માટે પર્ફેક્ટ માનવામાં આવે છે એ વિશે એક્સપર્ટ ઓપિનિયન લઈએ.
ADVERTISEMENT
ટાઇમલેસ લુક આપશે
બ્રાઇડલ ફૅશનમાં ફરી એક વાર એલિગન્ટ સાડીનો દબદબો જોવા મળી રહ્યો છે. સાડીના ટ્રેન્ડ વિશે મુલુંડમાં રહેતાં બ્રાઇડલ ફૅશનમાં ૮ વર્ષનો અનુભવ ધરાવતાં સ્નેહા જેઠવા જણાવે છે, ‘સાડી સાથે આપણાં સાંસ્કૃતિક મૂલ્યો જોડાયેલાં હોવાથી એ કોઈ પણ ફંક્શનમાં પહેરશો તો સારું જ લાગશે. સાડીની પૅટર્ન અને સ્ટાઇલની ફૅશન ચેન્જ થતી રહે છે છતાં એ ટાઇમલેસ હોય છે. ગમે ત્યારે પહેરો તો સારો જ લુક આપશે. વાત બ્રાઇડલ ફૅશનની કરીએ તો શિફોન અને સિલ્કની સાડી એવરગ્રીન છે. જેમ સાડી ટ્રેડિશનલ લુક આપે છે એમ વેડિંગ લેહંગા ટ્રેડિશનલની સાથે થોડો મૉડર્ન લુક આપે છે. પહેલાં તો બધી દુલ્હન સાડી પહેરીને જ પરણતી હતી, પણ લેહંગાની ફૅશન આવી તો બ્રાઇડ સાડીને બદલે લેહંગા પસંદ કરવા માંડી, કારણ કે લેહંગા ઈઝી ટુ વેઅર છે. ૬ મીટરની સાડી ઘણી યુવતીઓ માટે કમ્ફર્ટેબલ ન હોવાથી તેઓ લેહંગાની પસંદગી કરે છે અને એમાં ખોટું નથી, પણ એ ફરી કોઈ બીજાં ફંક્શન્સમાં પહેરી શકાય એમ નથી હોતો. લેહંગાની ડિઝાઇન છાશવારે અપડેટ થતી રહે છે તો થોડા સમય બાદ એ આઉટડેટેડ પણ થઈ જાય છે. જોકે સાડી ટાઇમલેસ છે. આલિયા ભટ્ટે તેની વેડિંગ સાડીને નૅશનલ અવૉર્ડ્સના ફંક્શનમાં પહેરી હતી એ રીતે એને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરીને નાનાં-મોટાં ફંક્શન્સમાં ગમે ત્યારે પહેરી શકાય છે. સાડી ફૅશનમાંથી ક્યારેય નહીં જાય. થોડા સમય સુધી ગાયબ જરૂર રહેશે, પણ એ ફૅશનમાં તો પાછી આવશે જ. બીજું, હેવી લુક બ્રાઇડને કમ્ફર્ટ નથી આપતું, પરિણામે તે પોતાના જ ફંક્શનને મન મૂકીને એન્જૉય નથી કરી શકતી.’
લેહંગા કરતાં સાડી બેસ્ટ
મિનિમલિઝમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે હેવી બ્રાઇડલ લેહંગાને બદલે સાડીને બેસ્ટ બ્રાઇડલ આઉટફિટ ગણવામાં આવી છે. એનું કારણ જણાવતાં ૧૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતી પ્રોફેશનલ સાડી ડ્રૅપર મયૂરી બિયાણી જણાવે છે, ‘આમ તો સાડી પહેરવી કે લહેંગા એ બ્રાઇડનો પોતાનો નિર્ણય છે, પણ જો બ્રાઇડ કમ્ફર્ટ ઇચ્છે છે તો સાડી બેસ્ટ ઑપ્શન છે. લેહંગાને સાચવવાનું ભારે પડી જાય છે. એ જગ્યા રોકે છે અને સાથે પૈસા પણ. આ મામલે સાડી તમારા કબાટમાં જગ્યા રોકતી નથી અને એનું મેઇન્ટેનન્સ પણ વધુ નથી હોતું. બીજો પ્લસ પૉઇન્ટ એ પણ છે કે સાડી તમારા બજેટના હિસાબે મળી જાય છે. મન થાય ત્યારે એને કોઈ બીજા નાના ફંક્શનમાં અલગ રીતે સ્ટાઇલ કરીને પહેરી શકાય છે. વેડિંગમાં લેહંગા પહેરવાની ઇચ્છા ધરાવતી બ્રાઇડ્સ પોતાના રિસેપ્શનમાં બનારસી અથવા ઑર્ગન્ઝા સાડી પહેરી શકે છે. એકનો એક લહેંગો પહેરીને બોર થઈ શકાય છે, પણ સાડીમાં એવું નથી. એને અલગ રીતે સ્ટાઇલ કરીને પહેરવાથી ફ્રેશ લુક મળે છે. સાડીને સાચવી રાખ્યા બાદ એને ફ્યુચર જનરેશનને પાસ પણ કરી શકો છો.’
આઇવરી હૉટ ફેવરિટ
બ્રાઇડલ સાડીના કલર-ટ્રેન્ડ વિશે વાત કરતાં ટોચનાં ફૅશન-ડિઝાઇનર્સ સાથે કામ કરી રહેલાં મયૂરી બિયાણી કહે છે, ‘રેડ ઍન્ડ ગોલ્ડનનું કૉમ્બિનેશન આમ તો ક્લાસિક માનવામાં આવે છે, પણ હાલમાં આઇવરી કલરનો દબદબો છે. આઇવરી અને ગોલ્ડન કલરનું કૉમ્બિનેશન પણ બેસ્ટ માનવામાં આવે છે. ગુજરાતી બ્રાઇડ્સ પણ આઇવરી કલર પસંદ કરી રહી પછે. આ ઉપરાંત પેસ્ટલ કલર્સ તો બધે જ છવાયેલા છે અને એ સારા પણ લાગે છે. અહીં પણ દુલ્હનને કેવા કલર્સ પહેરવા છે એના પર આધાર રાખે છે. ટ્રેન્ડ બદલાય છે એમ ચૉઇસ પણ બદલાય છે. લગ્નમાં બ્રાઇડલ રેડ અને પિન્ક કલર પહેરી શકાય, પણ રિસેપ્શનમાં પણ સાડી પહેરવી હોય તો લાઇટ શેડના કલર્સ પસંદ કરી શકાય. જો શિયાળામાં લગ્ન હોય તો દુલ્હન પર બોલ્ડ કલર્સ વધુ સારા લાગશે અને ફૅબ્રિકની વાત કરીએ તો સિલ્ક અથવા કોઈ પણ જાડું ફૅબ્રિક સારું લાગશે.’
બ્રાઇડલ ફૅશનમાં સૌથી વધારે કમ્ફર્ટ હોવું જોઈએ એવું માનતાં મયૂરી કહે છે, ‘લેહંગા કરતાં સાડીમાં વધુ કમ્ફર્ટ હોય છે એ વાતને કોઈ નકારી ન શકે. લેહંગાનો વજન અને એનું હેવી વર્ક બ્રાઇડને અનકમ્ફર્ટેબલ બનાવે છે, પણ સાડી હેવી હોય તો પણ એને સારી રીતે ડ્રૅપ કરવામાં આવે તો આખો દિવસ એ એવી જ રહે છે.’