લેખકનું કબાટ છે રંગબેરંગી કુર્તાઓથી ભરપૂર : વૉર્ડરૉબ ગોઠવી આપે છે પત્ની સોનલ
રામ મોરી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
લેખક રામ મોરી (Raam Mori)ન નામ આગળ જેટલા વિશેષણો લગાડીએ તેટલા ઓછા છે. રામની વાર્તા હોય કે ફેશન તેમાં હંમેશા કંઈક જુદું અને વિશેષ જોવા મળે છે. રામ મોરી આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
ADVERTISEMENT
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું અમદાવાદમાં નવજીવન ક્વાર્ટરમાં રહું છું. જે ૭૩વર્ષ જૂની સોસાયટી છે, ઑલ્ડ હાઉસમાં હજી પણ ઘણી વસ્તુઓ જે પરંપરાગત છે. મારું કબાટ પણ એમાનું જ એક છે. હું આજની તારીખમાં પણ લાકડાનું પરંપરાગત કબાટ વાપરું છું.
આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : કલરફુલ અને પ્રિન્ટેડ કપડાં. જે કબાટમાં ભડકીલા અને રંગીન કપડાં એ વૉર્ડરૉબ મારું. મારા વૉર્ડરૉબમાં તમને લાલ, ગુલાબી, કેસરી દરેક રંગના કપડાં જોવા મળશે. કારણકે હું એવું માનું છે કે, ‘પ્લેઇન ઇઝ બોરિંગ’.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : મારું વૉર્ડરૉબ હું નહીં પણ મારી પત્ની સોનલ ગોઠવે છે. મારા કબાટનું ધ્યાન રાખવાનું હોય કે કબાટમાં શું રહેશે તે નક્કી કરવાનું હોય એ બધો જ પ્લાન સોનલ કરે છે અને કહેવું પડે કે, તે મારું વૉર્ડરૉબ બહુ સરસ રીતે મેનેજ કરે છે.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મેં હમણાં કહ્યું એમ, મારી વાઈફ સોનલ મારું કબાટ ગોઠવે છે. કારણકે મારું તો સાવ ગાંડુ ખાતું છે આ બાબતમાં. એ મારા કબાટમાં એટલી સુંદર રીતે ગોઠવણી કરે છે કે બધુ નજર સામે વ્યવસ્થિત દેખાય. તેમ છતાંય મારે સોનલને પુછવું જ પડે કે, સોનલ પેલો કુર્તો ક્યાં મુક્યો છે? ને પછી સોનલ કહે કે આ બાજુ આ થપ્પીમાં હશે અને ખરેખર ત્યાંથી જ નીકળે. મારી આંખ સામે હોય તો પણ મને ન દેખાય. સોનલ દેખાડે ત્યારે જ મળે. એટલે સોનલ મને હંમેશા કહે, ‘કુર્તા ઇઝ વોચિંગ યુ ઓનલી.’
આ પણ વાંચો – વૉર્ડરૉબ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિ ઇમોશનલી કેટલી સ્ટ્રૉન્ગ છે : વિરાફ પટેલ
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : સોનલ મારા કપડાં હંમેશા પ્રસંગ પ્રમાણે ગોઠવીને મુકે છે. એન્કરિંગ કરવાનું હોય ત્યારે પહેરવાના કપડાં જુદા, ફિલ્મના નરેશન માટે જવાનું હોય ત્યારના કપડાંની જુદી થપ્પી, પ્રિમિયરમાં પહેરી જવાય તેવા કુર્તા એક બાજુએ, રવિવારે ઘરમાં હોઉં ત્યારે પહેરવાના નાઈટ ડ્રેસ અલગ એમ ગોઠવણી કરી રાખે. એટલે જ તો હું હંમેશા કહું છું કે, સોનલને મારા જીવનમાં કાઢી નાખો તો હું પાયમાલ થઈ જાઉં.
કબાટ ગોઠવવાનું હોય કે કબાટમાં કલેક્શન કરવાનું હોય મોટે ભાગે સોનલ જ કરે છે. મારે ખાલી એટલું કહેવાનું હોય કે સોનલ મને આ પ્રકારનો કુર્તો જોઈએ છે, એટલે સોનલ ખરીદી કરી લાવે. તે પોતે ભલે સાદા રંગ પસંદ કરતી હોય પણ મારી માટે તો મારી પસંદના ભડકીલાં રંગોના જ કપડાં લઈ આવે. તેને મારી ચોઈસ ખબર જ છે અને જરુરિયાત હું કહી દઉં એટલે બસ કામ થઈ જાય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : એક મિનિટ, સોનલને પુછીને કહું…(ખડખડાટ હસે છે).
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના જરાય નહીં.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : આમ ચોક્કસપણે તો નથી ગણ્યું. પણ જેટલાં છે એટલા માટે મારું એક કબાટ ઓછું પડે છે. એટલે અમે હવે બીજું કબાટ લઈ રહ્યાં છીએ. બહુ જલ્દી નવું કબાટ આવશે એટલે જગ્યાની અછત નહીં રહે એવી અપેક્ષા છે સોનલને.
જો મોટો-મોટો અંદાજ લગાડું તો મારી પાસે ૨૦-૨૨ કુર્તાઓ છે. ૧૨-૧૩ શોર્ટ શર્ટ સ્ટાઇલ કુર્તાઓ છે અને ૯-૧૦ હેરમ છે. છતાંય મારે જ્યારે ક્યાંક જવાનું હોય ત્યારે મારી પાસે કપડાં નથી એવું જ લાગે મને. પણ જેવો હું કહું કે, ‘મારી પાસે તો કપડાં જ નથી’. એટલે સોનલ હંમેશા કહે કે, ‘તું ૧૬ વર્ષની સોનમ કપૂર છે.`
શૂઝ-ચપ્પલની વાત છે તો, શૂઝ તો હું પહેરતો જ નથી. કારણકે એમાં મને બંધિયાર લાગે. હું પગના અંગૂઠાથી પણ શ્વાસ લેતો હોઉં છું. એટલે જો શૂઝ પહેરું તો જાણે મારો શ્વાસ રોકાઈ ગયો હોય તેવું લાગે. હું કોલ્હાપુરી ચપ્પલ પહેરું છું. એટલે મારી પાસે તે ૭-૮ જોડી છે. જેવી એકાદ જોડ જૂની થાય એટલે સોનલ બીજા બે-ત્રણ જોડી નવા લાવીને મુકી જ દે.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : હું એકવાર ફરવા ગયો હતો ત્યાંથી મેં કુર્તા માટે ૮૦૦૦ રુપિયાનું કપડું લીધું હતું. પછી મેં ડિઝાઈનરને એ સિવવા આપ્યું એટલે લગભગ ૧૦,૦૦૦ રુપિયામાં એ કુર્તો તૈયાર થયો હતો. પણ એમાં થયું એવું કે, એ કુર્તો ડિઝાઇનરે એવો સિવ્યો કે મારું ગળું બહુ વિચિત્ર લાગતું. એક તો આટલી મોંઘી ખરીદી મેં પહેલીવાર કરી અને એમાંય પાછું આવું થયું. જ્યારે કુર્તો પહેરવો હોય ત્યારે ગળાની આસપાસ એ રીતે શૉલ વીંટાળવી પડે કે ગળું ખરાબ કે વિચિત્ર ન દેખાય. એટલે માત્ર ઠંડીની ઋતુમાં જ કુર્તો પહેરી શકાતો હતો. ત્રણ વર્ષમાં માત્ર મેં બે જ વાર એ કુર્તો પહેર્યો અને એને નિવૃત્તિ આપી દીધી.
બાકી મને શોપિંગ કરવાની એટલી ભાન નથી પડતી અને ભાવ-તાલમાં પણ ખબર ઓછી પડે. માત્ર કલકત્તા જાઉં ત્યારે હું બહુ કુર્તા લઈ આવું છું. સોનલ માટે કોટનની સાડીઓની પણ ખરીદી ત્યારે કરું. ને હા સસ્તું કે મોંધું એ તો ખબર નથી પણ મેં બનારસની સાડીઓ અને કુર્તાઓ વિશે બહુ સાંભળ્યું છે એટલે ત્યાંથી ખરીદી કરવાની બહુ ઈચ્છા છે.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : મારા કબાટમાં જમણી બાજુએ એક બોક્સ છે જેમાં બોડી-સ્પ્રે, કાંસકો, મોશ્ચરાઇઝરને એવું બધું મુકેલું છે. આ બૉક્સમાં હંમેશા બધું વ્યવ્સ્થિત જ હોય. તમે હાથ નાંખો એટલે મળી જ જાય. બારણું ખોલું ને સામે દેખાય આ બોક્સ, જે મારો ગમતો ખૂણો છે.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : પૂજામાં પહેરી શકાય તેવા ટ્રેડિશનલ બંગાળી ધોતી અને કુર્તો હોવાં જ જોઈએ. બીજું કમર્ફ્ટેબલ નાઈટ ડ્રેસ, કે જે પહેરો તો પીંછા જેવું હળવું લાગે. ત્રીજું એક એકદમ કમર્ફ્ટેબલ હેરમ. ચોથું એક ચિકન વર્કનો ડાર્ક કલરનો અથવા તો બ્લેક કલરનો કુર્તો હોવો જોઈએ, જે રૉયલ ફિલ આપે. પાંચમુ એ જે મારી ઇચ્છા છે કે, મારા કબાટમાં હોય તે છે ટક્સિડો.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : હું તો મારા કમ્ફર્ટમાં છે એવી જ સ્ટાઇલ કરું છું એમ કહું તો કંઈ ખોટું નથી. મને શૂઝમાં બંધિયારપણું લાગે છે એટલે હું શૂઝ નથી પહેરતો. જીન્સ મને ફાવતા નથી એટલે હું હૅરમ પહેરું છું. હું માનું છું કે, તમારા કપડાં તમારા વિચારોને અભિવ્યક્ત કરે છે. હું બોલકો છું એટલે મને કલરફુલ કપડાં ગમે જ છે.
કલર અને કપડાંને મામલે એક બહુ મોટી મારી ઈન્સ્પીરેશન ફોટોગ્રાફર લેખક વિવેક દેસાઈ પણ છે. એમની કપડાં પહેરવાની ચોઈસ, રંગોની પસંદગી અને એક્સપેરીમેન્ટ્સ જોઈને મને શેર લોહી ચડે છે. હું એમને ઘણીવાર હસતા હસતા કહી દઉં કે “કપડાં બાબતે હું તમારા રંગોનો વારસદાર છું!” એ પણ મારી જેમ રંગોની અભિવ્યક્તિ બિન્દાસ જીવી જાણે છે.
આ પણ વાંચો – હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સમાં એવો કોઈ વિશેષ રસ નથી હોતો મને. મારી સ્ટાઇલની વાત કરું તો એ ટ્રેડિશનલ અને ઍથનિકનું કૉમ્બિનેશન છે. કુર્તાને પાયજામાં સાથે ગળામાં દોડી, હાથમાં સિલ્વર કડું, વિંધેલા કાનમાં બુટ્ટી પહેરું છું જેમાંથી ગુજરાતીપણું છલકે છે. મારે મારી સંસ્કૃતિને સાથે લઈને ચાલવું છે, એવું મેં નક્કી કર્યું છે. મારી આ સ્ટાઇલ મને રીચ ફિલ આપે છે. હું આમ ભણસાલીનો શેઠ હોઉં એવું લાગે.
જોકે મારા કુર્તા પહેરવા પણ ઘણા લોકો એવું પણ કહે છે કે, રામ તું શું અંકલ થઈ ગયો છે કે હંમેશા કુર્તા જ પહેરે છે. તો મારે આવું વિચારતા લોકોની માન્યતા બદલવી છે કે, માત્ર અંકલ જ કુર્તા ન પહેરે. કે ન તો માત્ર પ્રસંગમાં જ કુર્તા પહેરાય. કુર્તા તમારી ડે-ટુ-ડે સ્ટાઇલનો પણ ભાગ બની શકે.
બીજી એક વાત મારે કહેવી છે કે, બહુ જલ્દી હું તમને ધોતીમાં દેખાઈશ. કારણકે કે મેં નક્કી કર્યું છે કે, મારી બાની જૂની સાડીઓને હું ધોતીની જેમ પહેરીશ. મારા બાના પાનેતરની મારે ધોતી બનાવવીને પહેરવી છે અને બહુ જલ્દી હું આ પ્રયોગ કરીશ. જૂની સાડીઓની ધોતી અને પ્લેઇન કુર્તા સાથે પૅર કરીશ. હું ગુરુકુલમાં ભણ્યો છું એટલે મને વિવિધ સ્ટાઇલમાં ધોતી પહેરતા પણ આવડે છે.
હું મારી સ્ટાઇલમાં મારી સંસ્કૃતિનો ટચ હંમેશા રાખવા માંગું છું.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : ના એવું કંઈ ખાસ નહીં.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે એક્સપ્રેશન. તમારો પહેરવેશ તમારી અભિવ્યક્તિ છે. તમારા કપડાં વિચારોને અને વ્યક્તિત્વને રિફ્લેક્ટ કરે છે.