અભિનેતા સ્નિકર્સ લવર છે અને તેને માટે વૉર્ડરૉબમાં અલાયદી જગ્યા પણ રાખી છે
તત્સત મુનશી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ADVERTISEMENT
અત્યારે થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેતા તત્સત મુનશી આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું મૉર્ડન સ્ટાઇલનું વૉર્ડરૉબ વાપરું છું અને નોર્મલ વૉર્ડરૉબ જેવી જ તેની ડિઝાઇન છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : બે બાબતને મારા વૉર્ડરૉબનો યુએસપી કહી શકાય. પહેલું એ કે, મારા વૉર્ડરૉબમાં અનેક રેઅર કલેક્શન જોવા મળશે. પછી એ સુપરહીરોની પ્રિન્ટમાં કંઈક હોય કે જૅકેટ્સ હોય. તે સિવાય અનેક કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સ પણ મારા કલેક્શનમાં છે. સુપરહીરોની પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી મારું વૉર્ડરૉબ ભરપુર છે.
બીજું દરેક સાઇઝની વ્યક્તિને ફીટ થઈ રહે તેવા કપડાં મારા વૉર્ડરૉબમાં છે. પહેલા હું ૯૫ કિલોનો હતો. પછી મારી ડેબ્યૂ ફિલ્મ ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ માટે મે બે મહિનામાં ૧૮ કિલો વજન ઉતાર્યું હતું. એટલે હું જાડો હતો ત્યારના કપડાં પણ મારી પાસે છે. પછી એકદમ જ સ્કિની ફીટ કપડાં અને મિડિયમ સાઇઝના કપડાં પણ મારા વૉર્ડરૉબમાં છે. મારી બૉડી ટાયપ એવી છે કે, જો હું જીમ અને વર્કઆઉટ ન કરું તો મારું શરીર વધતું જ જાય. એટલે જ્યારે પણ શરીર વધ-ઘટ થાય ત્યારે આ કપડાં કામમાં આવી જાય.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : જ્યાં સુધી મમ્મી કહે નહીં ત્યાં સુધી (ખડખડાટ હસે છે).
આ પણ વાંચો - હું ભાગ્યશાળી છું કે મને એવા મિત્રો મળ્યા, જે વૉર્ડરૉબ ગોઠવી આપે છે : જીનલ બેલાણી
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : વૉર્ડરૉબમાં કપડાં ગોઠવવાના બે જ મોટિવેશન છે. પહેલું મમ્મીનો ગુસ્સો. એટલે મમ્મી કહે કે, ‘તત્સત આ જો તારું કબાટ કેટલું વેર-વિખેર થઈ ગયું છે’ બસ ત્યારે વૉર્ડરૉબ ગોઠવવા બેસવું જ પડે. અને બીજું મને જ્યારે લાગે કે હવે ઇટ્સ હાઇ ટાઇમ વૉર્ડરૉબમાં કોઈ વસ્તુ મળતી નથી અને બધુ મેસી-મેસી લાગે છે એટલે તરત જ વૉર્ડરૉબ ગોઠવવા મંડી પડું.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : હું મારા વૉર્ડરૉબમાં સેક્શન મુજબ કપડાં ગોઠવીને રાખું છું. સ્પોર્ટ્સ લવર છું એટલે સ્પોર્ટ્સ વેરનું અલગ સેક્શન, જીમ વગર ચાલે નહીં એટલે જીમ વેરનું અલગ સેક્શન એમ સેક્શન મુજબ કપડાં ગોઠવું.
આ સિવાય મેં એક અલગ સેક્શન પણ રાખ્યું છે જેમાં મેં ફિલ્મમાં પહેરેલા કોસ્ચ્યુમ છે. આ કોસ્ચ્યુમ હું ક્યારેય પહેરીશ નહીં પણ હંમેશા સાચવીને મારા વૉર્ડરૉબમાં મુકીશ.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : હું હંમેશા વૉર્ડરૉબ ગોઠવવાનું શરુ કરું ત્યારે સૌથી પહેલા માઇન્ડમાં એક પ્લાન ઑફ એક્શન બનાવી લઉં કે કયા કપડાં કઈ બાજુ ગોઠવવા છે. પછી મ્યુઝિક ઑન કરીને મંડી પડવાનું ગોઠવવા. આવી ટ્રિક જો કોઈને ટ્રાય કરવી હોય તો કરી શકાય.
આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : હા મારા નજીકના લોકો સાથે મને શૅર કરવામાં કોઈ જ વાંધો નથી. જો સામે વાળી વ્યક્તિ મારા કપડાંને બરાબર રીતે સાચવે ત્યાં સુધી મને શૅર કરવામાં કોઈ જ વાંધો નથી. શૂટિંગના સેટ પર પણ જો કોઈ કૉ-એક્ટરને કૉસ્ચ્યૂમની જરુર પડે તો હું આપવામાં જરાક પણ ખચકાવ નહીં.
બન્યું એવું કે, હમણા થોડાક દિવસ પહેલા જ હું એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મારું વાઇટ જૅકેટ મેં એક કૉ-સ્ટારને આપ્યું હતું અને તે એકદમ રફ યુઝ કરતો હતો ત્યારે મારો જીવ ઊંચો થઈ ગયો હતો. બાકી આમ મારા ગમતા અને નજીકના લોકો સાથે વૉર્ડરૉબ શૅર કરવું ગમે છે.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : મને સ્નિકર્સનો બહુ જ ગાંડો શોખ છે. વૉર્ડરૉબમાં સ્નિકર્સનું આખું એક અલગ સેક્શન છે. કેનસાવથી માંડીને સ્ટાઇલિશ એમ બધા પ્રકારના સ્નિકર્સ છે મારી પાસે. ૧૮થી ૨૦ જોડી તો અત્યારે હું યુઝ કરું છું. બાકી પહેલાના છે એ તો બધા જુદા જ.
જૅકેટ્સનો શોખ છે એટલે ૨૦થી ૨૨ જૅકેટ્સ પણ છે જ અને બીજા તો મેં ક્યારેય કાઉન્ટ નથી કર્યા. પણ હા, ગણતરી કરવાની ઇચ્છા ખરી.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : મારા વૉર્ડરૉબમાં સૌથી મોંધા સ્નિકર્સ છે. એ ચોક્કસ બ્રાન્ડના સ્નિકર્સ મને જોઈતા જ હતા એટલે તે સમયે મેં થોડીક વધારે મહેનત કરીને તે વસાવ્યા હતા.
બાકી સસ્તામાં તો ૨૦૦નું ટી-શર્ટ પણ છે અને ૯૦૦ના કેનવાસના શૂઝ પણ છે.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : અફકોર્સ સ્નિકર્સનું સેક્શન.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : ડાર્ક બ્લૂ અને બ્લેક જીન્સ; બ્રાઉન અને બ્લેક લેધર જૅકેટ અને ડેનિમ જૅકેટ; વાઇટ અને ગ્રે ટી-શર્ટ; બે પ્લેન શર્ટ હોય એટલે ભયોભયો.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટને. અરે… કેટલીક વાર તો હું એટલા કમ્ફર્ટેબલ કપડાં પહેરું કે પ્રસંગ કયો છે એનું પણ ધ્યાન ન હોય. ત્યારે મારી મમ્મી કહે કે, ‘આ શું પહેર્યું છે! જરાક પ્રસંગને ધ્યાનમાં રાખીને કપડાં પહેરતો જા.’
આ પણ વાંચો – વૉક-ઇન વૉર્ડરૉબ મારી વિશલિસ્ટમાં છે : અંજલી બારોટ
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સમાં મને ખબર જ ઓછી પડે. હું મારા કમ્ફર્ટની બહાર નીકળવાનું ઓછું પસંદ કરું. આમ મારી સ્ટાઇલ તો કૅઝયુલ છે.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : ફેશન ફોપા તો અનેક વાર થયું હશે. મારા કર્મ્ફટ કપડાંમાં ગમે ત્યારે બહાર નીકળી જાવને ત્યારે આવી નાની મોટી બાબતો થતી રહે. કેટલીકવાર હું ફ્લોરલ પ્રિન્ટના શર્ટ પહેરું ત્યારે મારા મિત્રો કહે જ કે, ‘શું આ મણિનગર છાપ શર્ટ પહેર્યા છે!’. પણ મને એ ગમે એટલે વાંધો નહીં.
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારી માટે ફેશન એટલે બીજો વ્યક્તિ શું વિચારશે એ વિચાર્યા વગર તમને જે ગમે છે અને તમે જેમાં કર્મ્ફટેબલ છો એવા કપડાં પહેરો.