અભિનેત્રીએ એક બહુ જ સરસ શરુઆત કરી છે, તેણે પોતાનું ૭૫ ટકા વૉર્ડરૉબ ખાલી કરીને જરુરિયાતમંદને આપવાનું નક્કી કર્યું છે
જીનલ બેલાણી શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ADVERTISEMENT
‘પોલમ પોલ’ ફૅમ અભિનેત્રી જીનલ બેલાણી (Jhinal Belani) અનેક હિન્દી સિરિયલ, ગુજારતી ફિલ્મો અને વૅબ સિરીઝમાં પોતાની ક્યૂટનેસનો જાદૂ ફેલાવી ચૂકી છે. જીનલ બેલાણી આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : હું ડબલ ડૉરનું સ્લાઇડિંગ વાળું મોર્ડન સ્ટાઇલ વૉર્ડરૉબ વાપરું છું. પણ હા, વૉક-ઇન વૉર્ડરૉબ મારી ઇચ્છા છે અને તે બહુ જલ્દી પુર્ણ થાય તેવી આશા છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : બધા કપડાં ઉલટા-સુલટા પડ્યાં હોય એ વૉર્ડરૉબ એટલે જીનલ બેલાણીનું.
આ પણ વાંચો - મારું વૉર્ડરૉબ હું જાતે જ ડિઝાઇન કરું છું છતા કપડાં માટે જગ્યા ઓછી પડે છે : રોનક કામદાર
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : સાચું કહું ને તો, મને વૉર્ડરૉબ ગોઠવવાનો બહુ જ કંટાળો આવે. પણ હું લકી છું કે મારી લાઇફમાં એવા કેટલાક મિત્રો છે જે ઘણીવાર મને વૉર્ડરૉબ ગોઠવી આપે અથવા તો પછી ગોઠવવામાં મદદ કરે છે.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : અહીંયા હું તમારી સાથે એક વાત શૅર કરવા માગું છું. મેં તાજેતરમાં જ મારા વૉર્ડરૉબને ૭૫ ટકા ખાલી કરી દીધું છે. વર્ષોથી હાથ પણ ન લગાડ્યા હોય તેવા કપડાંને જુદા પાડીને તેની મેં જમ્બો બેગ્સ ભરીને રાખી છે. જ્યારે સમય મળે ત્યારે હું એક-એક બેગ લઈને સ્ટેશનની આસપાસ બેસતી છોકરીઓ, જરુરિયાતમંદ છોકરીઓ બધાને વહેંચી દઉં છું. તેથી જ અત્યારે મારું વૉર્ડરૉબ મોટાભાગે ખાલી છે, એટલે કે હંમેશા વપરાશમાં આવતી વસ્તુઓ જ પડી છે.
બાકી, હું જ્યારે વૉર્ડરૉબ ગોઠવું ત્યારે સેક્શન મુજબ કપડાં ગોઠવું છું. ટ્રેડિશનલ, ઇન્ડિયન, જીમ વૅર એ રીતે સેક્શન કરીને ગોઠવું. તે સિવાય હું એસ્ટ્રોલોજીમાં માનું છું એટલે સોમવારે વાઇટ, મંગળવારે રેડ એ રીતે કપડાં પહેરવા હોય તો એ રીતે ગોઠવણી કરવાનું પસંદ કરું.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : વૉર્ડરૉબમાં અસ્તવ્યસ્ત થઈ ગયેલા કપડાને સરખા સેક્શન મુજબ ગોઠવવા એને યુએસપી ગણો તો મને વાંધો નથી. (ખડખડાટ હસે છે)
આ પણ વાંચો - વૉક-ઇન વૉર્ડરૉબ મારી વિશલિસ્ટમાં છે : અંજલી બારોટ
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : આમ તો મારે બધા પાસેથી ટિપ્સ લેવી જોઈએ કે, દરરોજ વૉર્ડરૉબમાં કપડાં અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે શું કરવું! બાકી તો, વર્ષોથી લોકો જેમ કહેતા આવ્યા છે અને કરતા આવ્યા છે તેમ વ્યવસ્થિત રીતે સેક્શન મુજબ કપડાં ગોઠવવા જોઈએ.
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : નાનપણથી હું મારી મોટી બહેન સાથે વૉર્ડરૉબ શૅર કરતી આવી છું. હમણા પાંચ વર્ષ પહેલા તેના લગ્ન થયા ત્યારથી જ મારું વૉર્ડરૉબ ઇન્ડિપેન્ડન્ટલિ મારું છે. અમે વૉર્ડરૉબ શૅર કરતા એ મારા માટે બહુ સારું હતું. કારણકે એની સ્ટાઇલ અને ફેશન સેન્સ મને અનેકવાર ઉપયોગી થઈ છે.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : છેલ્લા ઘણા વર્ષોમાં તો આવી ગણતરી ક્યારેય નથી કરી. પણ હા, લગભગ કોલેજમાં હોઈશ ત્યારે ગણતરી કરી હતી ત્યારે મારી પાસે ૨૭ જોડી ફુટવેર હતા.
આ પણ વાંચો - નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સૌથી મોંઘી મારા વૉર્ડરૉબમાં ૮૫,૦૦૦ રુપિયાની રાડોની ઘડિયાળ છે. બાકી સૌથી સસ્તાંમાં સ્ટ્રિટ પરથી લીધેલી ઇઅરરિંગ્સ, ટૉપ એવી અનેક વસ્તુઓ વૉર્ડરૉબમાં છે.
હમણા થોડાક દિવસ પહેલા જ અમારા માતાજીના દર્શન કરવા માટે હું અને મારી મમ્મી વિલેપાર્લા લોકલ ટ્રેનમાં ગતા હતા. ત્યારે પાર્લા સ્ટેશન પાસેની સ્ટ્રિટ પરથી મેં ૪૦૦ રુપિયાનું એક ટૉપ ખરીદ્યું હતું. જે મારી સસ્તી વસ્તુઓમાનું એક કહી શકાય.
બાકી તો, મને શોપિંગનો પણ એટલો શોખ નથી. હું મિનિમલિસ્ટિકમાં માનું છું. એટલે જોઈતા હોય તેના કરતા વધુ કપડાંની ખરીદી નથી કરતી.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : જીમના કપડાંનું સેક્શન. મને જીમ વૅરનું ઘેલું લાગ્યું છે. હું નવા-નવા પ્રકારના મોજાં ખરીદું છું, ફિટનેસ આઉટફિટનું મારું કલેક્શન વધારી રહી રહું છે.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : લિટલ બ્લેક ડ્રેસ, વાઇટ ટી-શર્ટ અને જીન્સ, એક સાડી અથવા તો કુર્તી, મિટિંગ માટે એક ફોર્મલ કુર્તી અને સ્માર્ટ જીમ વૅરની જોડી.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટને જ વધુ મહત્તવ આપું. કમ્ફર્ટ મારા માટે એટલી હદ સુધી મહત્તવનું છે કે, મારા ફુટવૅર પણ કર્મ્ફટેબલ જ હોવા જોઈએ.
આ પણ વાંચો - હું વૉર્ડરૉબ ગોઠવવાનો કૉન્ટ્રેક્ટ લઇ શકું છું : ઈશા કંસારા
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : લૅટેસ્ટ ટ્રેન્ડ ફૉલૉ કરવા અને ફેશનેબલ દેખાવવા તમારે સમય આપવો પડે. તૈયાર થવા સમય કાઢવો અને એ ટ્રેન્ડ્સને ફૉલૉ કરવા બહુ મુશ્કેલ છે. ફેશન એ ફુલ ટાઇમ જોબ છે. જ્યાં તમારે સતત અપડેટેડ રહેવું પડે છે. જ્યારે હું થોડીક લેઝી છું એટલે એટલા બધા ટ્રેન્ડ્સ ફૉલૉ જ નથી કરતી.
જીન્સ અને ટી-શર્ટ એટલે કે કેઝ્યુલ એ મારી સ્ટાઇલ.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : હું કૉલેજમાં હતી ત્યારે એકવાર એવું બન્યું હતું કે, એક દિવસ કૉલેજ જતી વખતે મારું જીન્સ સાઇડમાંથી સિલાઇમાંથી ફાટ્યું હશે. પણ આ બાબતે મારું ધ્યાન ગયું જ નહીં. મારી એક ફ્રેન્ડે મને કીધું કે સિલાઇ નીકળી ગઈ છે. ત્યારે વરસાદની ઋતુ હતી એટલે મારી પાસે વિનશિટર હતું તો મેં વિનશિટરથી જીન્સનો એ ભાગ ઢાંકી લીધો હતો.
ફોપા જેવો કોઈ બનાવ બનવાનો સવાલ નથી. કારણકે, કપડાંને મામલે હું થોડીક વધારે પર્ટિક્યુલર છું. હું કોઈપણ જગ્યાએ જવાની હોવ તે પહેલા કૉસ્ટચ્યૂમ બાબતે વધારે કાળજી રાખું છું. પાંચ-છ વખત ચૅક કરી લીધું હોય કે કંઈ અડચણ તો નહીં આવેને. એટલે ફોપા જેવું આઉટકમ હજી સુધી આવ્યું નથી.
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે તમે કમ્ફર્ટેબલ હોવ અને સાથે જ એકદમ ગ્રેસફુલ પણ દેખાવ. બાકી ઉંમર સાથે ફેશનની પરિભાષા બદલાતી રહે છે. જેમ કે, કૉલેજમાં હતી ત્યારે અટેન્શન મળે તેવા રૅડી થવું એ જ પરિભાષા હતી ફેશનની. જ્યારે અત્યારે ફેશનની પરિભાષા કમ્ફર્ટ છે.