અભિનેતાનું વૉર્ડરૉબ હોય છે એકદમ ચોખ્ખું ચણાક
કુલદીપ ગોર શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ADVERTISEMENT
ગુજરાતી નાટક ‘ચાણક્ય’ ફૅમ યુવા એક્ટર કુલદીપ ગોર (Kuldeep Gor)ને તમે નાટકો, ગુજરાતી તેમ જ હિન્દી ટીવી સિરિયલ, વૅબ સિરીઝ અને ફિલ્મોમાં જોયા છે. પરંતુ શું તમે તેમના વૉર્ડરૉબ સિક્રેટ્સ જાણો છો! કુલદીપ ગોર આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : અત્યારે તો હું સામાન્ય વુડન સ્ટાઇલ વૉર્ડરૉબ વાપરું છું. બાકી, ટૂંક સમયમાં અમે નવા ઘરમાં રહેવા જવાના છીએ અને ત્યાં મારી ઇચ્છા સ્લાઇડિંગ ડૉરવાળા વૉર્ડરૉબ બનાવવાની છે. કારણકે, મને હવે ખ્યાલ આવ્યો છે કે સ્લાઇડિંગ ડૉરવાળા વૉર્ડરૉબ રોજિંદા જીવનમાં ઉપયોગ માટે સરળ હોય છે.
જોકે, આજે પણ મારા ઘરે જૂનું લોખંડનું કબાટ છે જેને અમે સાચવીને રાખ્યું છે. એમાં નાની-મોટી વસ્તુઓ મુકીએ છે. આ કબાટ આજે પણ ન કાઢવા પાછળ બે કારણ છે, પહેલું મારા પપ્પા નથી કાઢવા દેતા એ જૂનું કબાટ અને બીજું એ મારા પપ્પાના દાદાના સમયથી છે એટલે લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : વ્યવસ્થિત ગોઠવેલું કબાટ હોય એ મારું જ હોય. જે વૉર્ડરૉબમાં ઘણા બધા કપડાં હોય છતાંય બરાબર ગળી વાળીને એની જગ્યાએ મુકેલા હોય અને પછી પણ વૉર્ડરૉબમાં થોડીક જગ્યા તો હોય જ એ મારું વૉર્ડરૉબ.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : ખરેખર કહું ને તો, મારે વૉર્ડરૉબની ગોઠવણી માટે સ્પેશ્યલ સમય ફાળવવો નથી પડતો. કારણકે હું વૉર્ડરૉબમાંથી કપડાં લેતા સમયે બહુ ચીવટ રાખું છું. એકદમ શિસ્તથી કપડાં લેવા-મૂકવાનું રાખું છું. હું એક શર્ટ એવી રીતે શાંતિથી અને સંભાળીને કાઢું કે બીજા કપડાં અસ્તવ્યસ્ત ન થઈ જાય. એટલે વૉર્ડરૉબ સાફ કે ઑર્ગેનાઇઝ કરવાનો વારો બહુ ઓછો આવે.
આ પણ વાંચો – વૉર્ડરૉબના એક-એક કપડાં સાથે મારા ઇમોશન્સ જોડાયેલા હોય છે : આરોહી પટેલ
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મેં હમણાં જ કહ્યું એમ, હું ચીવટથી વૉર્ડરૉબમાંથી એક-એક કપડું બહાર કાઢું એટલે એકસાથે બધું ખરાબ થાય એવું ભાગ્યે જ બને. મારા વૉર્ડરૉબમાં બધું આડું-અવળું પડ્યું હોય એવું વન્સ ઇન અ બ્લૂ મૂન બને અને મારે વૉર્ડરૉબને ઑર્ગેનાઇઝ કરવા સમય ફાળવવો પડે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : હું કપડાં અને કપડાંનાં રંગો બાબતે બહુ ચૂઝી છું. મારા વૉર્ડરૉબમાં તમને મોટેભાગે બ્લેક, વાઇટ, બ્લૂ અને ગ્રીન શૅડ્સમાં જ કપડાં જોવા મળશે. જો આમ અમુક રંગના કપડાં હોય ને એટલે ગોઠવવામાં પણ સરળતા પડે જે. બાકી હું રંગ મુજબ અને પ્રસંગ પ્રમાણે કપડાંની થપ્પી કરીને વૉર્ડરૉબમાં ગોઠવણી કરું છું. ઉદાહરણ તરીકે, વાઈટ ફોર્મલ શર્ટ્સ જુદા, ફ્લૉરલ શર્ટ્સની થપ્પી જુદી, પ્રસંગમાં પહેરવાના કુર્તા જુદા, કોટનના શોર્ટ કુર્તાની થપ્પી જુદી… બસ આ જ રીતે ગોઠવું છું. મારું વૉર્ડરૉબ કે પછી મારાં કપડાં ભલે મારી વાઈફે ડિઝાઈન કર્યા હોય પણ એની ગોઠવણી તો મારી કરેલી ડિઝાઈન પ્રમાણે જ રહે.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : એક બહુ જ સરસ ટ્રિક શૅર કરવા માગીશ તમારી સાથે, વૉર્ડરૉબમાં તમે જ્યારે શર્ટ્સની થપ્પી મુકોને ત્યારે બહારની બાજુ એટલે કે જે બાજુ તમને દેખાતી હોય તે બાજુએ શર્ટ્સના કૉલરનો ભાગ રાખવાને બદલે ગળી વાળેલો ભાગ રાખોને તો તમને કયો શર્ટ જોઈએ છે તે સિલેક્ટ કરવામાં સરળતા રહે છે.
આ પણ વાંચો – મારું વૉર્ડરૉબ સુપરહીરો પ્રિન્ટ અને કસ્ટમાઇઝ્ડ જૅકેટ્સથી છલોછલ છે : તત્સત મુનશી
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના જરાય નહીં. મને મારા કપડાં કોઈ પહેરવા માગે એ ગમે જ નહીં. એમાંય પ્રસંગમાં પહેરવા માટેનું કે વેડિંગ કલેક્શન તો શૅર કરવું સહેજ પણ ન ગમે. મારા પોતાના લગ્નમાં મેં મારી વાઇફ ઐશ્વર્યા પાસે સ્પેશ્યલિ મારા કપડાં ડિઝાઇન કરાવ્યા હતા. મારા વૉર્ડરૉબમાં અડધા કરતાં વધારે કપડાં મારી વાઇફે ડિઝાઇન કરેલા છે અને સ્પેશ્યલી મારા માટે જ હોય તો હું કઈ રીતે કોઈની સાથે શૅર કરી શકું! મારું માનવું છે કે, મારા કપડાં કે મારા આઉટફિટ એ મારી ઓળખ છે. મારા કપડાં મારી પર્સનાલિટીને રિફ્લેક્ટ કરે એટલે જો કોઈ બીજા એ પહેરે એ બાબત મને જરાક ઓછી પચે. પણ હા, ક્યારેક આમ મને કે કમને મિત્રોને અને કઝિન્સને આપવા પડતાં હોય છે.
જો વૉર્ડરૉબ સ્પેસની વાત કરું તો મને એ સ્પેસ શૅર કરવી પણ નથી ગમતી. મારા વૉર્ડરૉબમાં જગ્યા હોય તો પણ હું મારી વાઇફ સાથે પણ એ શૅર નથી કરતો. ઐશ્વર્યાએ જો કોઈ વાર મારી જાણબહાર એની વસ્તુ મારા વૉર્ડરૉબમાં મને દેખાય નહીં એમ મુકી હોય ને તો પણ મને ખબર પડી જ જાય અણે હું ચિડાઈ જાઉં. હું દ્રઢપણે માનું છું કે, જે વ્યક્તિ મારી સાથે વૉર્ડરૉબ સ્પેસ શૅર કરતું હોય એ પોતાની રીતે ગોઠવણી કરે અને પછી વપરાશ પણ એ જ રીતે કરે. સામાન્ય બાબત છે કે, મારી રીત અને બીજી વ્યક્તિની રીત એકસરખી તો નથી હોવાની. એટલે એ વ્યક્તિ એની રીતે મારું વૉર્ડરૉબ વાપરે એ મને જરાય ન ફાવે.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : એમ તો ખાસ ગણતરી નથી કરી. પણ હા મારી પાસે શોર્ટ કોટન કુર્તાનું બહુ કલેક્શન છે. હવે તમે પુછ્યું ત્યારે એમ થાય છે કે, હા યાર ગણતરી કરવી જોઈતી હતી.
શૂઝ-ચપ્પલની વાત કરું તો… એ પહેલાં એક વાત તમારી સાથે શૅર કરું કે મને શૂઝ, પરફ્યુમ અને ઘડિયાળનું બહુ જ ઑબ્સેશન છે. મારી પાસે આ ત્રણેયનું બહોળું કલેક્શન છે. હા તો, શૂઝ-ચપ્પલમાં મારી પાસે સાત જોડી કેઝ્યુલ શૂઝ, ત્રણ જોડી સ્પોર્ટ્સ શૂઝ, ત્રણ જોડી ફોર્મલ શૂઝ અને બે જોડી સ્લિપઑન અત્યારે છે. તે સિવાય કોલ્હાપુરી ચપ્પલ એ મારું ફૅવરેટ અને કમ્ફર્ટ ઝોન છે. લાઈક હું જીન્સ હોય કે શોર્ટ્સ કોઈની પણ સાથે કોલ્હાપુરી ચપ્પલ બિન્દાસ પહેરી લઉં છું. એટલે મારા કલેક્શનમાં છ જોડી કોલ્હાપુરી ચપ્પલ છે. જે બધા જ ખાસ કોલ્હાપુરમાં અમારા એક મિત્ર પાસે બનાવડાવ્યા છે. મારા બધા જ કોલ્હાપુરી ચપ્પલ ત્યાંથી બનીને જ આવે છે.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : આમ તો હું ખરીદી કરતા પહેલાં હંમેશા થોડો વિચાર કરતો હોવ છું કે, આટલા પૈસા ખર્ચીશ તો કેટલી વાર અને ક્યાં પહેરીશ એ કપડું, એ કપડાંને કઈ રીતે વસુલ કરીશ બધું જ વિચારીને પછી લઉં. ક્યારેય જ એવું બને કે, હું સાવ વિચાર્યા વગર જે ગમે એ કપડાં ખરીદી લઉં. એવા જ એક દિવસે આમ જ મૉલમાં ફરતા-ફરતા મેં લુઇસ ફિલિપનો ૧૨,૫૦૦ રુપિયાનો કોટ ખરીદ્યો હતો. જે મેં હજી સુધી ઓડિશનને બાદ કરતાં ભાગ્યે જ ક્યાંક પહેર્યો હશે! એટલે લગ્નના કપડાં સિવાય જો કોઈ મોંઘી ખરીદી હોય તો એ આ છે. સસ્તી શોપિંગની વાત કરું તો લગભગ છ મહિના પહેલાં જ આમ લિકિંગ રોડ પરથી મેં ૧૫૦ રુપિયાનું એક ટી-શર્ટ લીધું હતું, એ કોઈ સારી બ્રાન્ડનું જ હતું. પરંતુ એમાં થોડીક ડિફેક્ટ હતી એટલે એ સસ્તાંમાં મળ્યું હતું.
આ પણ વાંચો – વૉર્ડરૉબ અરેન્જ કરવામાં મને મમ્મીની મદદ તો જોઈએ જ: જાનકી બોડીવાલા
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : કુર્તાનું સેક્શન મારું મનપસંદ કોર્નર છે.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : બ્લેક અને ડાર્ક બ્લૂ ડેનિમ, બ્લેક અને વાઈટ શર્ટ, પોલો ટી-શર્ટ, કોટન કુર્તો અને કૉટન ફ્લૉરર શર્ટ.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : મારે માટે કમ્ફર્ટનું જ મહત્તવ છે. મારા કમ્ફર્ટમાં જ સ્ટાઇલ પણ હોય એનું ધ્યાન રાખવા માટે તો ઐશ્વર્યા છે જ.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ સાથે મને કોઈ સંબંધ જ નથી. આજથી લગભગ આઠ-દસ વર્ષ પહેલાં શોર્ટ કુર્તા ટ્રેન્ડમાં પણ નહોતા ત્યારે હું તેને શોર્ટ્સ સાથે પૅર કરીને પહેરતો હતો. તે સિવાય હું ડેનિમ શર્ટ સાથે કોલ્હાપુરી ચપ્પલ પહેરતો હોઉં છું… હવે તમે જ વિચારો મારે અને ટ્રેન્ડ્સને કંઈ લાગે-વળગે ખરાં!!
જો મારી સ્ટાઇલની વાત કરું તો તે ક્લાસિક, કેઝ્યુલ અને વિન્ટેજનું કોમ્બિનેશન કહી શકાય.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : એક સરસ કિસ્સો શૅર કરું, મારા ભાઈના લગ્નના સંગીતમાં મેં કૉટન-સિલ્કનો ચુડીદાર અને ઝભ્ભો પહેર્યો હતો. ફંક્શન શરુ થયાના થોડાક સમયમાં જ મારું ચુડીદાર ફાટી ગયું હતું, પણ મને એનો ખ્યાલ જ નહીં. ડાન્સ પર્ફોમન્સ માટે સ્ટેજ પર જતો હતો ત્યારે અચાનક ધ્યાન ગયું એટલે હું ગભરાઈ ગયો. પછી ડાન્સના સમયે જેમ-તેમ કરીને મેનેજ કર્યું, બેસવાના સ્ટેપમાં હું બેસું પણ નહીં. એક જ સ્થિતિમાં ઉભા-ઉભા ડાન્સ પતાવ્યો. કઝિન્સ બધા પર્ફોમન્સ ટાઈમે એમ સમજ્યા કે હું સ્ટેપ્સ ભુલી ગયો છું પણ એમને સમજાવું કઈ રીતે કે ભુલ્યો નથી પરિસ્થિતિ જુદી છે. માંડ-માંડ ડાન્સ પતાવીને સ્ટેજ પરથી ઉતર્યો પછી ઐશ્વર્યાને વાત કરી તો એણે તરત જ તેના પાકીટમાંથી સોઈ-દોરો કાઢીને સીવી આપ્યું અને પછી તો પ્રોબલેમ સોલ્વ. ત્યારબાદ હું સંગીતમાં ખુબ નાચ્યો સાથે જ મને તે દિવસે સમજાય ગયું કે ફેશન ડિઝાઈનર વાઈફ હોવાના કેટલા બધા ફાયદા છે.
આ પણ વાંચો – રામ મોરીનું વૉડરૉબ હોય કે સ્ટાઇલ દરેકમાં જોવા મળશે સંસ્કૃતિની છાંટ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે એક્સપ્રેસિંગ યૉર કૅરેક્ટર. તમે શું છો એ તમારો પહેરવેશ કહી દેશે. તમે શું છો એ તમારી ફેશન કહી જશે.