તાજેતરમાં તેમના હેરસ્ટાઇલિસ્ટે વાળને ધોયા વિના જ ઑઇલ-ફ્રી અને ફ્રેશ બનાવવા માટે આરારૂટમાંથી બનાવેલા ડ્રાય શૅમ્પૂનો નુસખો શૅર કર્યો છે જે વાઇરલ થયો છે. જાણીએ નિષ્ણાત પાસેથી કે આ નુસખો અસરકારક છે ખરો?
ડ્રાય શૅમ્પૂ
લગ્નપ્રસંગ હોય, કૉર્પોરેટ ઇવેન્ટ હોય કે IPLની મૅચ; નીતા અંબાણી હંમેશાં પર્ફેક્ટ લુકમાં હોય છે. આ લુક માટે તેઓ પણ ક્યારેક હૅક્સ અપનાવતાં હશે. તાજેતરમાં તેમના હેરસ્ટાઇલિસ્ટે વાળને ધોયા વિના જ ઑઇલ-ફ્રી અને ફ્રેશ બનાવવા માટે આરારૂટમાંથી બનાવેલા ડ્રાય શૅમ્પૂનો નુસખો શૅર કર્યો છે જે વાઇરલ થયો છે. જાણીએ નિષ્ણાત પાસેથી કે આ નુસખો અસરકારક છે ખરો?
હમણાં નીતા અંબાણીના હેરસ્ટાઇલિસ્ટ અમિત ઠાકુરે શૅર કરેલી હોમમેડ ડ્રાય શૅમ્પૂ બનાવવાની રીલ ખૂબ વાઇરલ થઈ રહી છે. એ રીલમાં તેણે આરારૂટ પાઉડરથી બનતા ડ્રાય શૅમ્પૂની વાત કરી છે. વાળ જો થોડા સ્ટિકી થઈ ગયા હોય અને વૉશ કરવાનો સમય ન હોય તો આ ડ્રાય શૅમ્પૂ ટ્રાય કરવું. વાળમાં આ ડ્રાય શૅમ્પૂ સ્પ્રે કરવાથી એ એકદમ એવા કોરા થઈ જાય જાણે હમણાં હેરવૉશ કર્યું હોય. કિંગ્સ સર્કલ રહેતાં અને બ્યુટીના ફીલ્ડમાં ૨૦ વર્ષનો અનુભવ ધરાવતાં નિશા ભણસાલી આ વિશે કહે છે, ‘આ વાત એકદમ સાચી છે. આરારૂટ સ્વેટ શોષી લે અને વાળ કોરા થઈ જાય. પહેલાં દાદીઓ અને નાનીઓ આવા ઘરગથ્થુ ઉપાયો જ કરતી. આ ડસ્ટ પાઉડર ને એ બધું તો હવે નીકળ્યું છે. અગાઉ કોઈની હેરસ્ટાઇલ કરવાની હોય ને એના માથામાં સ્વેટ હોય તો ટૅલ્કમ પાઉડરમાં દાંતિયો બોળીને વાળમાં ફેરવતા. ટૅલ્કમ પાઉડરને કારણે વાળ કોરા લાગવા માંડતા. આમ લૉજિકથી સમજવા જઈએ તોય સમજાશે. ક્યારેક પૅટીસ બનાવવી હોય અને પૂરણ વધુ ઢીલું લાગે તો આપણે આરારૂટ નાખવાનો ઉપાય કરીએ. આરારૂટ એ પૂરણમાંથી મૉઇશ્ચર શોષી લે અને પૅટીસ વ્યવસ્થિત બને. મૉઇશ્ચર શોષી લેવું એ આરારૂટનો મૂળભૂત ગુણધર્મ છે. એ વાળમાં સ્પ્રે કરીએ તો એ વાળમાંનું મૉઇશ્ચર પણ સોસી લે છે. આપણે સૌથી સારી કંપનીની કોઈ વસ્તુ ખરીદીશું તો પણ એમાં થોડુંઘણું કેમિકલ તો હોવાનું જ. હોમ રેમેડીઝમાં કોઈ જ પ્રકારનું કેમિકલ નથી હોતું. મારે ત્યાં આવતી બહેનોમાંથી કોઈની સ્કિન ડ્રાય હોય તો હું તેમને કહું કે મલાઈથી નહાઓ, રાત્રે સૂતી વખતે કોપરેલ તેલ લગાવો. અમે ઑર્ડર પર જઈએ ત્યારે થોડુંક પ્રોફેશનલી વર્તવું પડે અને ડસ્ટ પાઉડર જેવી વસ્તુ વાપરવી પડે. અન્યથા આ ડ્રાય શૅમ્પૂ ઇઝ ગુડ ઑપ્શન. આમાં અત્યંત બેસિક વસ્તુઓ વાપરવામાં આવે છે તેથી કોઈ પણ પ્રકારની તકલીફ થવાની શક્યતા નહીંવત્ છે. પહેલાં આપણે સ્ક્રબ અને કાજલ પણ ઘરે બનાવતા. હવે એવું છે કે બધું રેડીમેડ મળી જાય છે. ઑનલાઇન ઑર્ડર કરી દો ને વસ્તુ ઘરે પહોંચી આવે. કોઈને બનાવવાની જહેમત લેવી નથી. નીતા અંબાણીના હેરસ્ટાઇલિસ્ટે જે ડ્રાય શૅમ્પૂની વાત કરી છે એ ખરેખર સેફ છે અને ઇફેક્ટિવ પણ છે.’
ADVERTISEMENT
વાપરવામાં પ્રમાણભાન રાખવું
કોઈ પણ વસ્તુનો વધુપડતો ઉપયોગ પ્રોબ્લમ ક્રીએટ કરી શકે છે. ડ્રાય શૅમ્પૂનું પણ એવું જ. નિશાબહેન કહે છે, ‘જરૂરત પડે ત્યારે બે હેરવૉશની વચ્ચે આ ચોક્કસપણે વાપરી શકાય પણ એક વાત ધ્યાન રાખવી કે ડ્રાય શૅમ્પૂ એ સાબુ અથવા શૅમ્પૂથી વાળ ધોવાનો કાયમી વિકલ્પ નથી. એ સ્કૅલ્પ અને હેર પર ચોંટેલી ગંદકીને દૂર કરતું નથી કે ડસ્ટ અને પરસેવાના કારણે ઉત્પન્ન થતા બૅક્ટેરિયાને પણ નિયંત્રિત કરતું નથી. એટલે રેગ્યુલરલી માથું ધોવું જરૂરી છે.
કેવી રીતે બનાવવો?
આરારૂટમાં પાણી નાખીને સાવ પાતળું દ્રાવણ બનાવી લેવું. એમાં અરોમા ઑઇલનાં થોડાંક ટીપાં પણ નાખી શકાય. આ દ્રાવણ સરખું હલાવીને સ્પ્રે બૉટલમાં ભરી લેવું અને જરૂર પડે વાળમાં સ્પ્રે કરવું. ફ્રિજમાં આ દ્રાવણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
નૉર્ધર્ન નામિબિયામાં વસતી હિમ્બા નામની જાતિની મહિલાઓ ડ્રાય શૅમ્પૂના વિકલ્પ તરીકે લાલ ક્લે માથામાં લગાવે છે. આ લાલ ક્લેને કારણે માથામાં ખોડો નથી થતો અને પરસેવો પણ થતો નથી.