હાથ પર ડેડ સ્કિન હોય, સન ટૅનના ડાઘા હોય તો એના પર પહેરેલી કોઈ જ્વેલરી દીપશે નહીં. એમાંય જો તમે હાથને જ સ્ટાઇલ સ્ટેટમેન્ટ જ્વેલરીથી સજાવવા માગતા હો તો હાથને સૉફ્ટ અને સ્મૂધ રાખવા આ હૅન્ડ-કૅર ટિપ્સ ટ્રાય કરો
પ્રતીકાત્મક તસવીર
હાથમાં વીંટી, બંગડી, બ્રેસલેટ, કંગન, હાથપાન જેવાં ઘરેણાં પહેરવાં હોય તો હાથની ચામડી અને નખની બરાબર કૅર કરવી જરૂરી છે. રોજ રૂટીન સેલ્ફ કૅરમાં વાળ અને ફેસનું ધ્યાન રાખીએ એટલું ધ્યાન હાથનું રાખતા નથી એટલે હાથની ચામડી સૂકી અને કાળી પડી જાય છે.
સવારથી રાત સુધી આપણા હાથ એક પછી એક કામ કરતા જ રહે છે. ફોન પર સ્વાઇપ કરવાથી લઈને શાક સમારવા કે રસોઈ કરવાના કામમાં રહેતા હાથની ચામડી રાત સુધી તો સાવ સૂકી અને ડલ થઈ જાય છે. લોકો ફેસની કૅર કરે છે, પણ હાથ પર ધ્યાન ન અપાતાં એ સૂકા, ચમકહીન, કરચલીવાળા, ડાઘાવાળા રહી જાય છે. આપણા હાથની સુંદરતા માટે સજાગ રહીને એની કાળજી લેવી પણ જરૂરી છે. જો હાથ ચમકતા, સુંદર અને ડાઘરહિત હશે તો એના પર પહેરેલી નાની વીંટી કે ઓવરસાઇઝ રિંગ કે ઘણીબધી બંગડીઓ કે બ્રેસલેટ બધું જ બધું શોભી ઊઠશે. આમ તો દરેક માટે ફેસની જેમ હાથની ચામડી માટે પણ એકસરખી સ્કિનકૅર ન હોય એમાં બધાની સ્કિન પ્રમાણે જુદી જરૂર હોય છતાં હાથની સુંદરતા વધારવા રોજ સવારે અને રાત્રે ફૉલો કરો અહીં આપેલું એક જેનરિક સ્કિનકૅર રૂટીન.
ADVERTISEMENT
ડેડ સ્કિન રિમૂવલ
વીકમાં એક વાર ઘરમાં જ તમે હાથની ત્વચા પરના મૃત કોષો દૂર કરવાનું કામ કરી શકો છો. કોકોનટ ઑઇલમાં વિટામિન Eની ટૅબ્લેટ નાખીને એનાથી પહેલાં હાથના કોણી સુધીના ભાગ પર બરાબર મસાજ કરી લો. એ પછી સહેજ હૂંફાળા પાણીમાં પા ચમચી શૅમ્પૂ અને હાઇડ્રોજન પૅરોક્સાઇડ કેમિકલનાં પાંચ-સાત ટીપાં નાખીને એ પાણીમાં પાંચથી દસ મિનિટ હાથ બોળી રાખવા. એ પછી કોઈ પણ ફેસ સ્ક્રબ હાથમાં હળવેથી મસળીને સાદા પાણીથી હાથ સાફ કરી લેવા. એ પછી મૉઇશ્ચરાઇઝર લગાવી લેવું.
મૉર્નિંગ સ્કિનકૅર રૂટીન
સવારે ઊઠીને નાહી-ધોઈને હાથ પર વિટામિન C લગાવવું જરૂરી છે. હાથની ચામડી સૌથી વધુ તડકો અને રફ વાતાવરણ સહન કરે છે. એ ભાગની ત્વચાના કોષો સાફ અને ચમકદાર રહે એ માટે રોજ સવારે વિટામિન C સિરમનાં બેથી ત્રણ ટીપાં લગાડો. એ પછી મૉઇશ્ચરાઇઝર લગાવવું. હાથ સૉફ્ટ રાખવા ઇચ્છતા હો તો એવી પ્રોડક્ટ પસંદ કરવી જેના ઘટકોમાં સેરામાઇડ કેમિકલ હોય. એ ત્વચાની ભીનાશને જાળવી રાખશે. ક્યાંય પણ બહાર જવાનું થાય તો લોકો ચહેરા પર સનસ્ક્રીન લગાવે છે, પણ હાથને અવગણે છે. હા, ક્યારેક ચહેરા પર લગાવતાં જે થોડુંક ક્રીમ બચે એ હાથ પર ફેરવી જરૂર લે, પણ આટલું પૂરતું નથી. હથેળીના પાછળનો ભાગ બરાબર કવર થાય અને ખાસ તો બે આંગળીઓ વચ્ચેના ખાંચામાં સારી રીતે સનસ્ક્રીન લાગે એનું ધ્યાન રાખવું.
નાઇટ કૅર રૂટીન
સૂતાં પહેલાં હાથ પર બ્રાઇટનિંગ સિરમ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. તમારી ત્વચાને કયું સિરમ માફક આવશે એ કોઈ નિષ્ણાત પાસેથી સમજી લેવું. સામાન્ય રીતે નાયાસિનામાઇડ, ઍઝલેઇક ઍસિડ, કોજિક ઍસિડ, આર્બ્યુટિન જેવા ઘટકો ત્વચાને બ્રાઇટ બનાવતા હોય છે.