માત્ર કપડાં જ નહીં પણ જ્વેલરી, બૂટ, પાઘડી વગેરેની પણ એટલી જ ડિમાન્ડ છે. રેન્ટ પર લેનારા અને રેન્ટ પર નવરાત્રિની આઇટમો આપનારા સાથે વાત કરીને મેળવેલી જાણકારી અહીં પ્રસ્તુત છે
કાવ્યા ટેલર(ડાબે), પૂજા સાવલા(વચ્ચે), નિશા ખંધેરીયા(જમણે)
નવરાત્રિનાં કપડાં તો વર્ષોથી ભાડે મળતાં આવ્યાં છે પણ છેલ્લાં થોડાં વર્ષોથી અને એમાં પણ આ વર્ષે એમાં જબરદસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. પહેલાં ભાડાનાં કપડાં ક્યાં મળશે એનું સરનામું શોધવું પડતું હતું, પણ હવે તો લગભગ દરેક એરિયામાં ભાડાનાં કપડાં માટેની શૉપ મળી જાય છે જ્યાં એક-બે મહિના પહેલાંથી જ કપડાં માટે બુકિંગ સ્ટાર્ટ થઈ ગયાં છે. નો ડાઉટ, ભાડા પર કપડાં લેવાના ફાયદા પણ ઘણા હોય છે. તો ચાલો, ભાડાનાં કપડાં પ્રત્યે જોવા મળી રહેલા આકર્ષણને જોતાં રેન્ટ પર નવરાત્રિનાં કપડાં આપતાં અને રેન્ટ પર કપડાં લેતા લોકોને પૂછીએ અને તેઓ પાસેથી જાણીએ આ વખતના ટ્રેન્ડ વિશે.
ADVERTISEMENT
કૉસ્ટ અને સ્પેસ-ફ્રેન્ડ્લી
‘આખું વર્ષ સુધી ભારે કપડાંને કબાટમાં સાચવીને મૂકી રાખવા અને એના કરતાં પણ વધારે આ કપડાં માટે કબાટમાં જગ્યા કરવી એ સૌથી મોટો પ્રશ્ન છે.’
કાંદિવલીના ઈરાનીવાડીમાં રહેતાં કાવ્યા ટેલર નવાં કપડાં નહીં ખરીદવા પાછળનાં પોતાનાં કારણો વિશે આગળ કહે છે, ‘હું વર્ષોથી ગરબા રમતી આવી છું એટલે મને નવરાત્રિનાં કપડાંમાં વૈવિધ્ય જોઈએ જ છે. મને જ નહીં પણ નવરાત્રિમાં ઍક્ટિવલી રમતા દરેક જણને દર વખતે કંઈક નવું પહેરવું ગમતું હોય છે. દર વર્ષે નવું-નવું લેવું ખિસ્સાને પરવડતું નથી તેમ જ તમે જોશો તો ગમે તેટલાં હલકા વજનનાં ચણિયાચોળી કેમ ન હોય તો પણ એ કબાટમાં ખાસ્સી એવી જગ્યા માગી લેતાં હોય છે અને સાથે-સાથે મેઇન્ટેન્સ પણ એટલું જ માગી લે છે. આટલી બધી મગજમારી કરવા કરતાં ભાડેથી કપડાં લઈ લેવાનું પરવડે જે સ્પેસ-ફ્રેન્ડ્લીની સાથે કૉસ્ટ-ફ્રેન્ડ્લી અને ટ્રેન્ડિંગ પણ હોય છે. બસ, ખાલી રમતી વખતે થોડી કૅર રાખવી પડતી હોય છે કે કપડાં ફાટી ન જાય કે પછી ડાઘ ન લાગે. આમ તો આજ સુધી કોઈ પ્રૉબ્લેમ નથી આવ્યો. સ્ટિચિંગથી લઈને કપડાંનું મટીરિયલ બધું વ્યવસ્થિત જ મળ્યું છે, પણ પાછું આપવાનું હોય ધ્યાન તો રાખવું જ પડે છે.’
સિનારિયો બદલાઈ રહ્યો છે
ઘાટકોપરમાં બ્રાઇડલ વેઅરની સાથે નવરાત્રિનાં કપડાંને રેન્ટ પર આપતાં ‘થ્રી એમ ફૅશન’નાં વિદ્યા ભાનુશાલી-રાયચુરા કહે છે, ‘અમે છેલ્લાં સાત-આઠ વર્ષથી રેન્ટ પર કપડાં આપીએ છીએ. બ્રાઇડલ પણ અને નવરાત્રિનાં કપડાં પણ આપીએ છીએ. નવરાત્રિમાં અમારી પાસે બે કૅટેગરીનાં કપડાં હોય છે, એક તો જેઓ કૉમ્પિટિશનમાં ભાગ લેતા હોય તેમના માટે જેઓ પ્રોફેશનલી રમતા હોય અને હેવી કપડાં અને ભારેખમ જ્વેલરી પહેરતા હોય અને બીજા, જેઓ એમ જ રમવા જતા હોય અને ડિઝાઇનર ચણિયાચોળી પહેરવાનો શોખ હોય એવા માટે. પહેલાં પ્રોફેશનલી જે રમવા જતા હતા તેઓ પાસેથી જ ભાડાનાં કપડાંની ડિમાન્ડ રહેતી હતી, પરંતુ હવે તો જેઓ પ્રોફેશનલી નથી રમતા અને માત્ર જોવા માટે અને થોડું રમવા માટે જતા હોય તેઓ પણ કપડાં રેન્ટ પર લેતા થઈ ગયા છે. રેન્ટ પર કપડાં સસ્તાં તો પડે જ છે અને એમાં પણ ઘણા ફુલ સીઝન માટેનાં બુક કરાવી લે તો તેમને હજી ઓછા ભાવે પડે છે. અને રહી વાત ટ્રેન્ડની તો ફૅશન સાથે ચાલવું જ પડે છે નહીંતર માર્કેટમાં રહી ન શકાય. એટલે અમે દર વર્ષે અમારો સ્ટૉક રિફ્રેશ કરીએ છીએ. આ ઉપરાંત ઘણાને મેં રેન્ટ પર આપવાનાં કપડાં પણ મૉડિફાઇ કરીને આપીએ છીએ. એક ઉદાહરણ આપું તો એક લેડી ફાઇનલમાં સિલેક્ટ થયાં હતાં તો તેમને ફાઇનલમાં પહેરવા માટે પ્રૉપર કૉસ્ચ્યુમ જોઈતાં હતાં. અમે તેમને એ પ્રકારે કપડાં કસ્ટમાઇઝ કરીને આપ્યાં જેમ કે અમુક પૅચિસ લગાડી આપીએ. જૅકેટ ડિઝાઇન કરી આપ્યું, ઘેરવાળો ઘાઘરો આપ્યો વગેરે સાથે આખો સેટ જ રેડી કરીને આપી દીધો હતો. તમે જ્યારે કૉમ્પિટિશન લેવલ પર રમતા હો તો માત્ર ડાન્સ અને એક્સપ્રેશન જ નહીં પણ કપડાં પણ જોવામાં આવે છે એટલે એને મહત્ત્વ આપવું જ પડે છે. હવે આ જ આવાં કપડાં જો કોઈ માર્કેટમાં લેવા જાય તો તેણે હજારો ચૂકવવા પડે જ્યારે અહીં અડધા કરતાં પણ ઓછા ભાવમાં તેને તે મળી જાય છે. આ વખતે ઘેરવાળા, મિરર વર્ક, કચ્છી વર્ક અને કોડી લગાવેલાં કપડાં ટ્રેડમાં છે.’
૫૦૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ રૂપિયા સુધીની રેન્જમાં કપડાં અને ઍક્સેસરીઝ વગેરે મળતું હોય છે.
ઘેર સાથે મૅચિંગની ડિમાન્ડ વધુ
આ વખતે નવરાત્રિમાં ભાડાનાં કપડાં માટે ગયા વર્ષ કરતાં ૨૫ ટકા જેટલી વધુ ડિમાન્ડ છે. ‘નવનિધિ ક્રીએશન’નાં નિશા ખંધેડિયા આ વિશે આગળ કહે છે, ‘એક મહિના પહેલાંથી નવરાત્રિ માટેનાં કપડાં ભાડે લેવા માટેની ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ હતી. મોટા ભાગના લોકોએ કપડાં માટે બુકિંગ પણ કરાવી લીધું છે અને છેલ્લા દિવસ માટેનાં કપડાંનું પણ બુકિંગ થઈ ચૂક્યું છે. આવો ધસારો અમે અગાઉ ક્યારે જોયો નથી. કપડાં સાથે અમે અમુક ઘરેણાં કૉમ્પ્લીમેન્ટરી આપીએ છીએ. રમવા માટે વધી રહેલો ક્રેઝ પણ કદાચ ધસારો થવાનું એક કારણ હોઈ શકે છે. ઓછામાં પૂરું એટલી બધી ઍક્સેસરીઝ આવી ગઈ છે કે મન લલચાયા વિના રહેતું નથી. લાઇટ અને પૉમ-પૉમવાળાં બૂટ, મોરવાળી પાઘડી, નિયૉન કલરના દાંડિયા, કપડાંની છત્રી હમણાં ખૂબ ડિમાન્ડ છે. કપડાં માટે વિદેશથી પણ અનેક ઑર્ડર મળ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લેરવાળા ઘાઘરાની ડિમાન્ડ બહુ છે. એમાં સાથે મૅચિંગ કરવાની બહુ માગ રહી છે જેમ કે કપલ ડ્રેસમાં કે પછી ગ્રુપમાં બધું મૅચિંગ જોઈએ છે. કપડાંના કલર અને ડિઝાઇન તો હજી સમજ્યા, પણ લોકો તો કપડાં પર લગાડવામાં આવેલી નાનામાં નાની લૅસ પણ મૅચિંગમાં મળે એવું ઇચ્છે છે. બીજું એ છે કે ખૈલેયાઓ અને ખાસ કરીને નાનાં બાળકો માટે ઓછા વજનનાં કપડાં વધુ પ્રિફર કરે છે જેથી તેઓ સરળતાથી રમી શકે. તેમ જ નાનાં બાળકોને દર વર્ષે રોજેરોજ નવું-નવું પહેરવાનો પણ શોખ હોય છે, જે ખરીદી આપવું પેરન્ટ્સ માટે પણ અશક્ય બને છે. તેથી તેઓ રેન્ટનાં કપડાં વધુ પ્રિફર કરે છે.’
વિદ્યા ભાનુશાલી-રાયચુરા
નાનાં બાળકોને માટે બેસ્ટ
બોરીવલીમાં રહેતાં પૂજા સાવલા પોતાના માટે અને દીકરી માટે રેન્ટ પર જ કપડાં લે છે. તે કહે છે, ‘નવું-નવું તો રોજ ન જ પોસાય. બાળકોની હાઇટ પણ દિવસે ને દિવસે વધતી રહેતી હોય છે એટલે વધુ પૈસા આઉટફિટ પાછળ ખર્ચવા એના કરતાં રેન્ટ પર કપડાં ખરીદવાં વધુ પ્રિફરેબલ છે. મને અને મારી ૧૦ વર્ષની દીકરી વિહાનીને ગરબા રમવાનો ખૂબ જ શોખ છે એટલે અમે દર વર્ષે કપડાં બનાવડાવીએ પણ છીએ અને અમુક કપડાં રેન્ટ પર પણ લઈએ છીએ. આપણે પોતાના માટે ખરીદીને રાખી મૂકીએ પણ બાળકો માટે નવેનવ દિવસનાં કપડાં બનાવડાવીને રાખી મુકાય નહીં. ઉપરાંત દર વર્ષે કંઈક ને કંઈક નવું આવે એટલે ફરી ખર્ચા કરવા એના કરતાં રેન્ટ પર કપડાં સસ્તાં પડે છે અને અનેક ઑપ્શન પણ મળી રહે છે. આજે એક સારા અને ડિઝાઇનર ચણિયાચોળી અને એની મૅચિંગ ઍક્સેસરીઝ લેવા જાઓ તો ૧૦,૦૦૦ તો જોઈએ જ તો પછી રેન્ટ પર લેવા શું ખોટા? અને હું જ્યાંથી કપડાં રેન્ટ પર લઉં છું ત્યાંથી મને કપડાંની ક્વૉલિટી પણ સારી મળે છે તેમ જ ઍક્સેસરીઝથી લઈને પગથી માથા સુધી પહેરવાનાં ઘરેણાં પણ લેટેસ્ટ મળી રહે છે એટલે એ પણ સારું પડે છે. મારી છોકરી દર વખતે નવરાત્રિમાં પ્રાઇઝ લાવે છે એટલે મારે તેને એ પ્રકારે તૈયાર પણ કરવાની હોય છે એટલે એક ને એક રિપીટ પણ નહીં ચાલે. ટૂંકમાં કહું તો રેન્ટ પણ લીધેલાં કપડાં ઘણાબધા પૉઇન્ટ ઑફ વ્યુથી બેસ્ટ લાગે છે.’