પંજાબ-હરિયાણાની દુલ્હનો લગ્નમાં બ્રાઇડલ ચૂડા સાથે કલીરા પહેરે છે. આ રસમ હવે તો ભારત ઉપરાંત વિદેશમાં પણ ખાસ જગ્યા બનાવી રહી છે ત્યારે ગુજરાતી બ્રાઇડ્સ પણ હવે કલીરા પહેરવા માંડી છે અને એમાં પણ કસ્ટમાઇઝેશન કરીને એને ડિઝાઇનર કલીરા બનાવી રહી છે
કલીરા
બૉલીવુડ અભિનેત્રી કિઆરા અડવાણી, કૅટરિના કૈફ, અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી અને આલિયા ભટ્ટનાં લગ્નમાં સૌથી કૉમન ચીજ હતી કલીરા. બધી અભિનેત્રીઓએ પોતપોતાની રીતે કસ્ટમાઇઝ કલીરા પહેરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. પંજાબી દુલ્હનોમાં ચુડા સાથે લટકણ ધરાવતી બંગડી એટલે કે કલીરા પહેરવાનું આગવું મહત્ત્વ છે ત્યારે હવે ગુજરાતી દુલ્હનો પણ કલીરાની પ્રથાને અપનાવીને નવો ચીલો ચાતરી રહી છે. અત્યારે ગુજરાતી બ્રાઇડ્સ પણ નૉર્મલ કલીરા નહીં પણ કસ્ટમાઇઝ કલીરા અપનાવી રહી છે. તાજેતરમાં ગુજરાતી અભિનેત્રી પૂજા જોશી અને મલ્હાર ઠાકરનાં લગ્ન ચર્ચામાં હતાં ત્યારે પૂજાએ પહેરેલા કલીરા સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મલ્હારના નામની કલીરાની ડિઝાઇન લોકોને ગમી રહી હતી. મેંદીની જેમ કલીરાનો ઉપયોગ પણ તેઓ પોતાની લવસ્ટોરીની યુનિક જર્નીને દેખાડવા કરી રહી છે. કલીરામાં પણ કસ્ટમાઇઝેશન કરાવીને સ્ટોરી ટેલિંગનો કન્સેપ્ટ ગુજરાતી દુલ્હનોનો હૉટ ફેવરિટ બની રહ્યો છે એવું કહેવું ખોટું નથી.