દાદીમા બનવા જઈ રહેલાં આ અભિનેત્રી તેમની ઉંમરની અન્ય મહિલાઓ માટે રોલ-મૉડલ છે. જોકે આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે જે ફૅશનના મામલામાં નીતુથી જરાય કમ નથી. આજે આપણે એવાં જ કેટલાંક દાદીમાને મળીએ જેઓ પોતાના સર્કલમાં ફૅશનિસ્ટા તરીકે પૉપ્યુલર છે
ઉમ્ર કી ઐસીતૈસી
દેવયાની દોશી, દર્શના શાહ, શીલા વ્યાસ અને જ્યોતિ પરીખ
૬૪ વર્ષે યંગ દેખાતાં નીતુ કપૂરની હેરકટ અને ડ્રેસિંગ-સેન્સના લોકો દીવાના છે. દાદીમા બનવા જઈ રહેલાં આ અભિનેત્રી તેમની ઉંમરની અન્ય મહિલાઓ માટે રોલ-મૉડલ છે. જોકે આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે જે ફૅશનના મામલામાં નીતુથી જરાય કમ નથી. આજે આપણે એવાં જ કેટલાંક દાદીમાને મળીએ જેઓ પોતાના સર્કલમાં ફૅશનિસ્ટા તરીકે પૉપ્યુલર છે
બૉલીવુડમાં એવી ઘણી પીઢ અભિનેત્રીઓ છે જેમની સ્ટાઇલ અને ફૅશન-સેન્સના લોકો આજે પણ દીવાના છે. એમાંનાં એક છે નીતુ કપૂર. સ્ટાઇલિસ્ટ દેખાવને કારણે ૬૪ વર્ષની ઉંમરે તેમનું ફૅન-ફૉલોઇંગ બહુ મોટું છે. વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને પ્રકારનાં આઉટફિટ્સમાં તેઓ અદ્ભુત લાગે છે. કારકિર્દીની શરૂઆતથી જ ટ્રેન્ડસેટર રહેલાં આ અભિનેત્રીનો લુક હર કોઈને પસંદ પડી રહ્યો છે. ડ્રેસિંગ અને શૉર્ટ હેરકટને કારણે વધુ યંગ લાગતાં હોવાનું નીતુએ અનેક વાર કબૂલ્યું છે. સેલિબ્રિટી હોય કે સામાન્ય મહિલા, ઉંમર કરતાં યુવાન દેખાવું તેમને ગમતું જ હોય. આજકાલ તો પ્રૌઢ મહિલાઓમાં યંગ ઍન્ડ સ્માર્ટ દેખાવાનો ક્રેઝ છે ત્યારે મળીએ એવી મહિલાઓને જેઓ સાઠ વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ પોતાના સર્કલમાં ફૅશનિસ્ટ તરીકે પૉપ્યુલર છે.
ADVERTISEMENT
હિરોઇનથી કમ નથી
ઘાટકોપરમાં રહેતાં જ્યોતિ પરીખને મૉડર્ન અને ફૅશનેબલ બનાવવાનું સંપૂર્ણ શ્રેય તેમના હસબન્ડને જાય છે. વાઇફે દરેક પ્રકારનાં વસ્ત્રો પહેરવાં જોઈએ એવો તેમનો આગ્રહ. શૉપિંગ કરવા જઈએ તો ઑફશોલ્ડર ડ્રેસ, પ્લાઝો, સ્કર્ટ, જીન્સ, શૉર્ટ્સ બધું જ લઈ આપે એવી વાત કરતાં જ્યોતિબહેન કહે છે, ‘શરૂઆતમાં વેસ્ટર્ન ડ્રેસ પહેરવામાં સંકોચ થતો હતો, પણ હસબન્ડે મને મોટિવેટ કરી. મજાકમાં કહે, ‘તું જ મારી કરીના અને તું જ મારી માધુરી. તારે હિરોઇનની જેમ અપટુડેટ થઈને રહેવાનું.’ તેઓ ૭૦ વર્ષના યંગ છે અને હું ૬૨ વર્ષે ગર્લની જેમ રહું છું. વાસ્તવમાં અમારું ક્રીમ સર્કલ હોવાથી લગભગ બધી જ મહિલાઓની ફૅશન-સેન્સ સારી છે. ફૉરેન ટૂર પણ ઘણી કરીએ. જોકે કૉમ્પિટિશન અને કમ્પૅરિઝનમાં હું નથી માનતી. બ્યુટીની મારી પરિભાષા જુદી છે. વેસ્ટર્ન વેઅર પહેરવાથી કે સ્ટાઇલિસ્ટ હેરકટ કરાવી લેવાથી ઉંમર કરતાં નાના દેખાઓ એ જરૂરી નથી. ગમતાં વસ્ત્રો પહેર્યા બાદ મનગમતી ઍક્ટિવિટી કરવાથી ચહેરા પર જે હૅપીનેસ આવે એને લીધે તમે યુવાન લાગો છો. દરેક પ્રકારનાં આઉટફિટ્સ તમારા શરીર પર સુંદર લાગે અને ડ્રેસિંગ પ્રસંગને અનુરૂપ હોય એ પણ જરૂરી છે. ઓવરઑલ લુક માટે ડ્રેસિંગ જેટલી જ સંભાળ વાળની લઉં છું. સમયાંતરે બ્યુટી-પાર્લરમાં જઈને હેર સ્પા કરાવવું ગમે છે. મેકઅપમાં લિપસ્ટિક અને બિંદી સિવાયની પ્રોડક્ટ ભાગ્યે જ યુઝ કરું છું.’
ડ્રેસિંગમાં નો કૉમ્પ્રોમાઇઝ
કાંદિવલીમાં રહેતાં ૬૬ વર્ષનાં દેવયાની દોશીને ડ્રેસિંગમાં જરાય બાંધછોડ ન ચાલે. દસ જેટલાં મહિલા મંડળમાં તેમણે મેમ્બરશિપ લીધી હોવાથી આખું વર્ષ વિવિધ પ્રોગ્રામો અટેન્ડ કરતાં રહે. રોજ ક્યાંક ને ક્યાંક જવાનું થાય એથી સ્ટાઇલમાં કૉમ્પ્રોમાઇઝ નહીં કરવાનું એવું ઉત્સાહ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘મહિલા મંડળ અને ફ્રેન્ડ-સર્કલમાં મારા ડ્રેસિસ સેન્ટર ઑફ ધ ઍટ્રૅક્શન હોય, કારણ કે હું હંમેશાં થીમને ફૉલો કરું છું. ડ્રેસ ન હોય તો ખાસ શૉપિંગ કરવા જાઉં. દરેક પ્રકારનાં વેસ્ટર્ન વેઅર ટ્રાય કરવાનું ગમે છે. યંગ એજમાં સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં એથી ૪૦ વર્ષ સુધી તો બહારગામ જઈએ ત્યારે જ જીન્સ પહેરતી. હવે હસબન્ડ અને સંતાનો કહે છે મનગમતાં વસ્ત્રો પહેરી લાઇફને ફુલઑન એન્જૉય કરો. ઉંમર કરતાં ઘણી યંગ લાગે છે, આ ડ્રેસમાં ઓળખાતી નથી, ડ્રેસ ક્યાંથી લીધો? આવાં કૉમ્પ્લીમેન્ટ્સ મળે ત્યારે ખુશી થાય. હેરસ્ટાઇલ પણ પર્ફેક્ટ જોઈએ. ધોળા વાળ જરાય ન ગમે. દર મહિને બ્યુટી-પાર્લરની મુલાકાત લઈ ફેસિયલ અને હેરકલર કરાવી આવું. ઉંમરના દરેક તબક્કામાં લાઇફમાં ચેન્જ જરૂરી છે. આજકાલ પ્રૌઢ મહિલાઓમાં યંગ ઍન્ડ બ્યુટિફુલ દેખાવાનો ક્રેઝ છે, પરંતુ પોતાની જાતને આ કૅટેગરીમાં મૂકવા ડ્રેસિંગ અને બ્યુટી જેટલી જ ચીવટતા તમારા ફિગરને આપવી જોઈએ. ફિટનેસ માટે દરરોજ મૉર્નિંગ વૉકમાં જાઉં છું અને જુદી-જુદી એક્સરસાઇઝ કરું છું.’
નો રિસ્ટ્રિક્શન્સ
કાંદિવલીનાં ૬૨ વર્ષનાં દર્શના શાહ નસીબદાર મહિલાઓમાંનાં એક છે જેમને પરણીને આવ્યાં ત્યારથી દરેક પ્રકારના ડ્રેસિસ પહેરવાની પૂરી આઝાદી મળી છે. તેઓ કહે છે, ‘સાસુ-સસરા પહેલેથી ફ્રી માઇન્ડેડ એટલે ઘરમાં કોઈ રોકટોક નહીં. મારાં સાસુ આજે પણ વ્યવસ્થિત તૈયાર થઈને નીકળે. તેમને હરવા-ફરવા અને પહેરવા-ઓઢવાનો જબરો શોખ છે. વહુઓ તો આજના જમાનાની છે એટલે ફૅશનમાં અવ્વલ જ હોય. સાસુ જોકે વેસ્ટર્ન વેઅર નથી પહેરતાં, પણ ઘરની બધી જ વહુઓને પહેરવાની છૂટ આપેલી છે. સંયુક્ત કુટુંબ હોવાથી બિઝી પણ એટલાં જ રહીએ ને આનંદ પણ કરવાનો. મૂવી, ડિનર કે મૉલ્સમાં જઈએ ત્યારે જીન્સ-ટીશર્ટ પહેર્યાં હોય તો કમ્ફર્ટ લાગે અને એન્જૉય કરી શકો. કિટી પાર્ટી અને મહિલા મંડળના પ્રોગ્રામમાં જઈએ ત્યારે થીમ બેઝ્ડ ડ્રેસ પહેરવાના ગમે. ઑકેશનલી વન-પીસ ડ્રેસ પહેરી લઉં છું. રિસૉર્ટમાં ની લેંગ્થનાં શૉર્ટ્સ ઘણી વાર પહેર્યાં છે. મારી પાસે સ્લીવલેસ ડ્રેસનું સારું એવું કલેક્શન છે. નીતુ કપૂરની જેમ મને પણ ચહેરો યંગ દેખાય એવી હેરસ્ટાઇલ રાખવી ગમે. હમણાં સ્ટેપ કટ કરાવ્યા છે. વેસ્ટર્ન વેઅરમાં ઓપન હેર રાખવાનું પસંદ છે.’
ક્રૉપ ટૉપ સિવાય બધું
પોતાના સર્કલમાં શીલા કી જવાની નામથી ફેમસ બોરીવલીનાં ૭૨ વર્ષનાં શીલા વ્યાસ ખાસ્સાં શોખીન છે. તેઓ કહે છે, ‘ઘણાં વર્ષોથી રંગમંચ સાથે સંકળાયેલી છું. મારું ઘર પ્રબોધન ઠાકરે હૉલની નજીક હોવાથી વર્ષે અંદાજે ૨૦૦ જેટલાં નાટકો જોઉં છું એથી સ્વાભાવિકપણે ફૅશન-સેન્સ વિકસી છે. મારાં લવ-મૅરેજ છે અને બ્રાહ્મણમાં પરણીને આવી છું. એ સમયે અમારા ઘરમાં વહુઓને નાઇટ ડ્રેસ પહેરવાની પણ પરવાનગી નહોતી. યુવાનીમાં વેસ્ટર્ન ડ્રેસ પહેરવાની ઇચ્છા થાય ત્યારે મમ્મીના ઘરે આંટો મારી આવતી. લગભગ ૪૦ વર્ષની ઉંમર બાદ પબ્લિકલી વેસ્ટર્ન ડ્રેસિસ પહેરવાના સ્ટાર્ટ કર્યા. હસબન્ડનો ખૂબ સપોર્ટ મળ્યો. હવે તો દાદી અને નાની બની ગઈ છું. અમેરિકાથી સંતાનો મારા માટે ખાસ વેસ્ટર્ન ડ્રેસ મોકલે છે. વૉર્ડરોબમાં નજર નાખો તો વેસ્ટર્ન સ્ટાઇલના ડ્રેસ જ વધુ જોવા મળશે. જોકે ઉંમરનો તકાજો રાખવો જોઈએ. યંગ ઍન્ડ બ્યુટિફુલ દેખાવાના ચક્કરમાં સભ્યતા ભુલાવી ન જોઈએ એટલે ક્રૉપ ટૉપ નથી પહેરતી. એવી જ રીતે સ્લીવલેસ ડ્રેસની સાથે સ્ટોલ હોવો જરૂરી છે. જાતજાતના સ્ટોલ્સ વસાવ્યા છે. હમણાં આ વસ્ત્રની ફૅશન હોવાથી સ્ટાઇલ પણ થઈ જાય છે. હેરની બાબતમાં ઝાઝા ચીકણાવેડા નથી, પરંતુ વ્યવસ્થિત રાખવા ગમે.’