વાઇબ્રન્ટ રંગની હલકીફૂલકી સાડીઓ સાથે તેણે જે બ્લાઉઝ, જૂતાં અને ઍક્સેસરીઝનું કૉમ્બિનેશન કર્યું છે એ કૂલ અને ફન્કી દેખાવા માગતી યંગ જનરેશનને નવા ફૅશન-ગોલ્સ પૂરા પાડશે એ સાવ નિશ્ચિત છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઑલિમ્પિક્સમાં પતિને સપોર્ટ કરવા ગયેલી ઍક્ટ્રેસ તાપસી પન્નુ રોજેરોજ પૅરિસની ગલીઓમાં કંઈક અલગ જ સ્ટાઇલમાં ઘૂમતી જોવા મળે છે. તેનો સાડીઓ માટેનો પ્રેમ અહીં ભરપૂર છલકાઈ રહ્યો છે. સાડીઓની પસંદગીથી લઈને એની સાથેનાં બ્લાઉઝ ટૉપ્સ, રોજ એની સાથેની ઍક્સેસરીઝ, કૅર-ફ્રી ઍટિટ્યુડ સાથે ફરી શકાય એવી શૂઝ-સ્ટાઇલ બધું જ જબરદસ્ત કૂલ છે. સાડી પહેરીને આઇફલ ટાવર પાસે ટહેલતી, આર્ટ ગૅલરીની બહાર દોડતી, ઝેબ્રા ક્રૉસિંગ પાસે વટથી ચાલતી તાપસીના દરેક લુક સ્ટાઇલ, એલિગન્સથી ભરપૂર છે.
આ એવા લુક છે જે જોઈને યંગ જનરેશન જરૂર બોલી ઊઠશે, ‘આવી સાડી પહેરવાની હોય તો તૈયાર હૈં હમ...’ અને એ જ કદાચ તાપસીની ઇચ્છા છે. પૅરિસમાં તેણે આ સાડી-એક્સપરિમેન્ટ્સની શરૂઆત કરી એના છ-સાત દિવસ પહેલાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું કે તે હવે સાડી થકી પોતાની નવી પર્સનાલિટી બતાવવા ઇચ્છે છે.
ADVERTISEMENT
વાઇબ્રન્ટ અને લાઇટવેઇટ
તાપસીએ સ્પોર્ટ્સ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને હલકીફૂલકી સાડીઓ પહેરી છે એટલું જ નહીં, રંગ પણ વાઇબ્રન્ટ વાપર્યા છે.
બ્લાઉઝમાં એક્સપરિમેન્ટ
તાપસીના સાડી-લુકમાં સૌથી ઊડીને આંખે વળગે એવો જો કોઈ કૂલ બદલાવ હોય તો એ છે બ્લાઉઝની પૅટર્ન. ક્યાંક તે વાઇટ વેસ્ટકોટ સાથે સાડી પહેરે છે તો ક્યાંક ટૅન્ક ટૉપ સાથે. ક્યાંક જીન્સના ટીશર્ટ ને ક્યાંક કૉર્સેટ ટૉપ્સ સાથે તેણે સાડી પહેરી છે.
ડ્રેપિંગ સ્ટાઇલ
સાડી સાચવવાની ચિંતા કર્યા વિના સ્પોર્ટ્સ ઇવેન્ટમાં છૂટથી ફરી શકાય એવી સાડી-ડ્રેપિંગ સ્ટાઇલ તેણે અપનાવી છે. આ એકદમ ફ્રેશ અને ફન્કી સ્ટાઇલ છે જે કદાચ જનરેશન ઝીને તો બહુ જ ગમશે.
શૂઝનું કૉમ્બિનેશન
દરેક સાડી સાથે તેણે જૂતાંની પસંદગી પણ બહુ સમજીવિચારીને કરી છે. હીલ્સ પહેરી હોય તો જ સાડી સારી લાગે એવી માન્યતાનો તેણે ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે. એલિગન્ટ લુકવાળી લાઇટ કલરની સાડી સાથે તેણે બૅલે શૂઝ વિથ ક્રૂ સૉક્સ પહેર્યાં છે. તો ધોતી સ્ટાઇલની સાડી ફ્લૅટ સૅન્ડલ્સ અને કૉર્સેટ ટૉપ સાથે પહેરેલી સાડી સાથે સ્નીકર્સ પહેરીને સ્ટાઇલ અને કમ્ફર્ટ બન્ને મેળવ્યાં છે.
સિલ્વર જ્વેલરી
કૅઝ્યુઅલ લુક માટે સાડીની સાથે જ્વેલરીમાં પણ તેણે હળવી અને ક્લાસિક જ્વેલરી પસંદ કરી છે. ચાંદીના ઇયરકફ્સ હોય કે ખૂબબધી ખનકતી બંગડીઓ તેના લુકને મસ્ત ઉઠાવ આપે છે.