જો પરફ્યુમની બૉટલ્સ વાપરીને થાક્યા હો અને કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો એક વાર સૉલિડ પરફ્યુમ વાપરીને જોજો.
પ્રતીકાત્મક તસવીર
પરફ્યુમનું નામ સાંભળતાં જ આપણા મગજમાં સ્પ્રે કરવાના લિક્વિડ પરફ્યુમની ઇમેજ આવે, પણ હવે એ જમાનો ગયો. આજકાલ સૉલિડ પરફ્યુમની બોલબાલા વધી છે, જે દેખાવમાં બામ જેવાં હોય છે. સૉલિડને પરફ્યુમને આંગળીમાં લઈને કાંડા, કાનની પાછળ, ગળામાં અપ્લાય કરી શકો છો. આમ જોવા જઈએ તો સૉલિડ પરફ્યુમ કોઈ નવી વસ્તુ નથી, પ્રાચીન સમયમાં ઇજિપ્તમાં સૉલિડ પરફ્યુમનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે, જેને વિવિધ નૅચરલ વૅક્સ અને ઑઇલનો ઉપયોગ કરીને બનાવાતાં હતાં.
સૉલિડ પરફ્યુમ શેમાંથી બને?
ADVERTISEMENT
સામાન્ય રીતે માર્કેટમાં જે લિક્વિડ પરફ્યુમ મળે છે એ આલ્કોહોલ બેઝ્ડ હોય છે. એ સિવાય એમાં ઘણાં હાર્શ કેમિકલનો ઉપયોગ થાય છે. બીજી બાજુ જે સૉલિડ પરફ્યુમ હોય એ નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનાવવામાં આવે છે. મોટા ભાગે એ બી વૅક્સ, શિયા બટર અને અસેન્શિયલ ઑઇલમાંથી બનાવવામાં આવે છે. સૉલિડ પરફ્યુમ વૅનિલા, રોઝ, લૅવન્ડર, જૅસ્મિન, ચંદન જેવા વિવિધ ફ્રૅગ્રન્સમાં આવે છે.
સૉલિડ પરફ્યુમ કેમ ખાસ?
લિક્વિડ પરફ્યુમની સરખામણીમાં સૉલિડ પરફ્યુમ યુઝ કરવાના ઘણા ફાયદાઓ છે અને એટલે જ લોકોમાં એની ડિમાન્ડ વધી રહી છે. એક તો સૉલિડ પરફ્યુમ નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એમાં લિક્વિડ પરફ્યુમની જેમ આલ્કોહોલ કે બીજાં કોઈ હાર્શ કેમિકલનો ઉપયોગ થતો નથી. એટલે એના વપરાશથી ઍલર્જી થવાનું જોખમ હોતું નથી.
સૉલિડ પરફ્યુમ લૉન્ગ લાસ્ટિંગ હોય છે. એને અપ્લાય કર્યા બાદ એની સુગંધ આરામથી આઠથી દસ કલાક જળવાઈ રહે છે. જોકે તમે જે સૉલિડ પરફ્યુમ યૂઝ કરો છો એમાં ફ્રૅગ્રન્સનું પ્રમાણ કેટલું છે એના પર નિર્ભર કરે છે કે પરફ્યુમની સ્મેલ કેટલા સમય સુધી ટકશે.
સૉલિડ પરફ્યુમમાં વૅક્સ, બટર, ઑઇલ જેવા નૅચરલ મૉઇશ્ચરાઝિંગ એજન્ટનો ઉપયોગ થાય છે. એટલે જેમને ડ્રાય સ્કિનની સમસ્યા હોય એ લોકો માટે સૉલિડ પરફ્યુમ ખૂબ સારાં છે. બીજી બાજુ લિક્વિડ પરફ્યુમમાં જે આલ્કોહોલ છે એ ઘણી વાર સ્કિનને ડ્રાય કરી નાખે છે.
સૉલિડ પરફ્યુમની સારી વાત એ છે કે એ પૉકેટ સાઇઝમાં આવે છે. એટલે તમે એને આરામથી ખિસ્સામાં નાખીને આખો દિવસ ફરી શકો છો અને જરૂર પડે ત્યારે એને અપ્લાય કરી શકો છો. બીજી બાજુ લિક્વિડ પરફ્યુમ કાચની વજનવાળી બૉટલમાં આવે છે, જેને તમે ગમે ત્યાં તમારી સાથે લઈ જઈ ન શકો. ઉપરથી એમાં લીકેજ થવાનું પણ જોખમ હોય છે.
સસ્તો અને પરવડે એવો વિકલ્પ
સૉલિડ પરફ્યુમ લિક્વિડ પરફ્યુમની સરખામણીમાં પ્રમાણમાં ઘણાં સસ્તાં હોય છે. એટલે જે લોકો મોંઘાં પરફ્યુમ ન ખરીદી શકે એ લોકો માટે સૉલિડ પરફ્યુમ સારો વિકલ્પ છે. માર્કેટમાં તમને ૨૦૦-૨૫૦ની રેન્જમાં પણ સૉલિડ પરફ્યુમ સરળતાથી મળી જશે.