Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નવી ખરીદી ન કરવી હોય તો તમારા વૉર્ડરોબમાંથી જ કરી લો મિક્સ ઍન્ડ મૅચ

નવી ખરીદી ન કરવી હોય તો તમારા વૉર્ડરોબમાંથી જ કરી લો મિક્સ ઍન્ડ મૅચ

Published : 07 January, 2025 03:01 PM | Modified : 07 January, 2025 03:06 PM | IST | Mumbai
Sharmishta Shah | feedbackgmd@mid-day.com

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મહિનામાં ત્રણ-ચાર લગ્નોમાં હાજરી આપવાની હોય તો દરેક વખતે નવું-નવું શૉપિંગ શક્ય નથી.

તમારા વૉર્ડરોબમાંથી જ કરી લો મિક્સ ઍન્ડ મૅચ

તમારા વૉર્ડરોબમાંથી જ કરી લો મિક્સ ઍન્ડ મૅચ


લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મહિનામાં ત્રણ-ચાર લગ્નોમાં હાજરી આપવાની હોય તો દરેક વખતે નવું-નવું શૉપિંગ શક્ય નથી. જોકે તમારો વૉર્ડરોબ જ એવો બનાવ્યો હશે તો જુદી-જુદી થીમ અનુસાર તમે અલગ-અલગ ચીજોને મિક્સ કરીને દર વખતે નવો કૉસ્ચુમ તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ એને માટે શું થઈ શકે


હમણાં લગ્નસરા ચાલી રહી છે અને આજકાલનાં લગ્નોમાં જુદી-જુદી થીમ અનુસાર નાનાં-નાનાં ફંક્શનો ગોઠવવામાં આવે છે અને એ મુજબના કલર્સ પણ વેડિંગ અટેન્ડ કરનાર ગેસ્ટને આપવામાં આવે છે ત્યારે દરેક પ્રસંગ અનુસાર ડ્રેસિંગ કેવી રીતે કરવું એ મૂંઝવણનો સવાલ થઈ આવે છે. દાદરમાં આવેલા ઊર્મિ ડિઝાઇન ફૅશન હાઉસનાં ડિઝાઇનર તેમ જ પર્સનલ સ્ટાઇલિસ્ટ ઊર્મિ શાહ આપે છે કેટલીક ટિપ્સ.



આપણા વૉર્ડરોબને જ જો અલગ રીતે મેઇન્ટેન કર્યો હોય તો થોડુંક મિક્સ ઍન્ડ મૅચ કરીને તેમ જ અમુક કૉમ્બિનેશન ચેન્જ કરીને આપણે આપણા ડ્રેસને નવા બનાવી શકીએ છીએ અને દરેક પ્રસંગે તદ્દન નવાં કપડાં ખરીદવાનો બિનજરૂરી ખર્ચ પણ ટાળી શકીએ છીએ. દેશ-વિદેશના ગેસ્ટનું ઇન્ડિયન કલ્ચર મુજબ સ્ટાઇલિંગ કરી આપવામાં માહેર ડિઝાઇનર અને પર્સનલ સ્ટાઇલિસ્ટ ઊર્મિ શાહ આપે છે જુદી-જુદી થીમ અનુસાર ડ્રેસિંગ કરવા માટે આપે છે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ.


ઇન્ડિયન થીમ


તમારા વૉર્ડરોબમાં રહેલાં બાંધણી કે પટોળાને એક જ સ્ટાઇલમાં પહેરીને કંટાળી ગયા હો તો એને આજકાલ ટ્રેન્ડમાં રહેલાં ચણિયાચોળી સ્ટાઇલ મુજબ પહેરવાથી એક નવો જ લુક તૈયાર થઈ જાય છે. આ માટે એક મરૂન અથવા ઑફ વાઇટ કલરનો સિલ્ક, ઑર્ગેન્ઝા, કોરા સિલ્ક અથવા બનારસી જેવા મટીરિયલનો કૉમન ચણિયો બનાવીને એમાં નીચે કોઈ પણ પ્રકારની બૉર્ડર રાખવી. ત્યાર બાદ બાંધણી અને પટોળાના બ્લાઉસ સાથે આ ચણિયો પહેરવો અને આ બાંધણી કે પટોળાને ઓઢણી તરીકે ડ્રૅપ કરી લેવાથી એક નવો જ લુક તૈયાર થઈ જાય છે. તમારા વૉર્ડરોબમાંથી બીજી પણ કોઈ ટ્રેડિશનલ સાડીને તમે આ રીતે પહેરી શકો છો. જૂનાં ચણિયાચોળી ટાઇટ થઈ ગયાં હોય તો એમાં મૅચિંગ મટીરિયલ લઈને એક્સ્ટ્રા લેયર ઍડ કરવું અને જરૂર લાગે તો થોડુંક વર્ક કરીને લટકન લગાવીને એને તદ્દન નવાં જ રંગરૂપ આપી શકાય છે. એવી જ રીતે વાઇબ્રન્ટ ઇન્ડિયન થીમ હોય તો પણ બ્લાઉઝ અને સાડી અલગ-અલગ મિક્સ મૅચ કરી શકાય છે. આ થીમમાં નિઓન કલર્સ જેવા કે પર્પલ, રાણી, બ્રાઇટ લૅમન યલો વગેરે સારા લાગે છે. ઘણી વાર એક દુપટ્ટો ચેન્જ કરીને પણ આ થીમ મુજબ ડ્રેસિંગ કરી શકાય છે. વેડિંગ ડિનર અથવા પૂજા જેવાં ફંક્શન હોય તો એમાં બ્લૅક અથવા ક્રીમ કલરનો કૉમન કુરતો સીવડાવી રાખવો અને એના પર ઓડિસી સિલ્ક, પટોળા કે ઑર્ગેન્ઝા એમ જુદા-જુદા દુપટ્ટા પહેરીને દરેક વખતે નવો લુક ક્રીએટ કરી શકાય છે. ઘણી વાર અમુક બૉટમ ચેન્જ કરીને પ્લાઝો પહેરવાથી પણ ટ્રેડિશનલ થીમ તૈયાર થઈ જાય છે. એ જ પ્રમાણે ડલ ગોલ્ડ કલરનું બ્લાઉઝ ઘણી સાડી સાથે મૅચ થતું હોય છે જે પેસ્ટલ થીમમાં યુઝ કરી શકાય છે.

ઇન્ડો વેસ્ટર્ન થીમ

ઇન્ડો વેસ્ટર્ન થીમ હોય તો સ્લીવલેસ બ્લાઉસ સાથે સાડી ઉપર જૅકેટ અથવા શ્રગ પહેરીને ઇન્ડોવેસ્ટર્ન લુક ક્રીએટ કરી શકાય છે અથવા તો વેસ્ટર્ન ગાઉન ઉપર ટ્રેડિશનલ દુપટ્ટો રાખીને પણ આ થીમ મુજબ તૈયાર થઈ શકાય છે. આ માટે દુપટ્ટાને બન્ને શોલ્ડર પર વીંટાળીને આગળની બાજુ ખુલ્લો રાખવો. વેસ્ટર્ન થીમમાં સ્કાર્ફનો પણ અનેક પ્રકારે ઉપયોગ થઈ શકે છે. સકાર્ફને ગળાની ફરતે તો અલગ-અલગ પ્રકારે પહેરાય જ છે, પરંતુ એને ટ્યુબની જેમ પહેરીને એનું ટૉપ બનાવી શકાય છે એ પછી ટ્રાઉઝર સાથે પહેરી શકાય છે અથવા તો સ્કાર્ફને બુસ્ટિયરની જેમ બાંધીને એની ઉપર જૅકેટ અને ટ્રાઉઝર સાથે પહેરી શકાય છે. હમણાં ક્રિસમસ-પાર્ટીમાં આ થીમનો ઉપયોગ કરી શકાય છે.

બ્લિન્ગ થીમ

આજકાલ ​બ્લિન્ગ થીમ પણ બહુ જ ઇન છે જેમાં વર્કવાળાં કે સીક્વન્સવાળાં થોડાં ચમકવાળાં કપડાંનો ઉપયોગ થાય છે. જો તમારી પાસે સીક્વન્સવાળો કોઈ ડ્રેસ ન હોય તો સીક્વન્સનું કપડું લઈને એની ટ્યુબ બનાવીને કોઈ પણ ટ્રાઉઝર સાથે પહેરી શકાય છે. કાર્નિવલ થીમમાં અલગ-અલગ વસ્તુ મિક્સ-મૅચ કરીને કલરફુલ આઉટફિટ બનાવી શકાય છે. જો સિંગલ કલરનું બ્લાઉઝ અને મ​લ્ટિ કલર પ્રિન્ટનો ચણિયો હોય તો એના પર રફલવાળો ગોલ્ડન દુપટ્ટો નાખી શકાય. તમારી પાસે પ્લેન કલરનો આઉટફિટ હોય તો મ​લ્ટિ કલરનો ફરનો સ્ટૉલ નાખી દો તો પણ કાર્નિવલ લુક મળી જાય છે. ઘણી વાર અમુક પ્રોપ્સ જેવાં કે આંખમાં ફૅન્સી કલરનાં ચશ્માં, હાથમાં કલરફુલ બૅન્ગલ્સ અથવા કલરવાળાં ફેધર લગાડીને પણ કાર્નિવલ લુક ક્રીએટ કરી શકાય છે.

મિક્સ ઍન્ડ મૅચ કેવી રીતે કરશો?
ઊર્મિ શાહ જણાવે છે કે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં ફેસિંગના ૭૦ ટકા હોય છે અને સ્માર્ટ તેમ જ એલિગન્ટ ડ્રેસિંગથી તમે તમારી પર્સનાલિટી સુધારી શકો છો અને આ માટે દરેક વખતે નવો ખર્ચ કરવાને બદલે મિક્સ ઍન્ડ મૅચ કરીને પણ ટ્રાય કરી શકો છો. કોઈ પણ કપડાં મિક્સ ઍન્ડ મૅચ કરવામાં ઇઝી રહે એ માટે સાડી અને બ્લાઉઝની થપ્પી હંમેશાં અલગ-અલગ રાખવી. આમ કરવાથી એક સાડી સાથે એક જ બ્લાઉઝનો ઑપ્શન ન રહેતાં અલગ-અલગ સાડી-બ્લાઉઝનાં કૉમ્બિનેશન કરી શકો છો. એ જ પ્રમાણે પાર્ટીવેઅર અને કેઝ્યુઅલ કપડાં પણ અલગ-અલગ થપ્પીમાં રાખવાથી અલગ-અલગ ટ્રાઉઝર અને ટૉપ કે દુપટ્ટા તેમ જ સ્કાર્ફ સાથે ડ્રેસિંગમાં ચેન્જ લાવી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2025 03:06 PM IST | Mumbai | Sharmishta Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK