તમારી સ્કિનની જરૂરિયાત મુજબ કેવો માસ્ક લાવી રાખવો એ તો અત્યારે જ નક્કી કરી લેવું પડશે
પ્રતીકાત્મક તસવીર
ક્રિસમસ અને ન્યુ યરની પાર્ટીમાં છાકો પાડી દેવાની ઇચ્છા છે પણ પાર્લરમાં જઈને ગ્લો ટ્રીટમેન્ટ્સ કરાવવાનો સમય નથી તો વાંધો નહીં. છેલ્લી ઘડીએ ક્વિક ફિક્સ ઑપ્શન તરીકે ફેસ શીટ માસ્ક વાપરી શકાય. જોકે તમારી સ્કિનની જરૂરિયાત મુજબ કેવો માસ્ક લાવી રાખવો એ તો અત્યારે જ નક્કી કરી લેવું પડશે
સ્કિન-ટ્રીટમેન્ટ્સની દુનિયામાં ભલે આપણે કહીએ કે અંદરથી ત્વચાની સુંદરતા હોય એ જ બેટર, પણ દરેક વખતે ત્વચાને અંદરથી સુંદર બનાવવા માટે ડીટૉક્સિંગ ટ્રીટમેન્ટ્સ શક્ય નથી હોતી. બહારથી મેકઅપ કરીને લિપોપોતી કરાવી લેવાનો ઑપ્શન અજમાવવો હોય તોય ત્વચાની બેસિક હેલ્થ સારી હોય એ જરૂરી છે. જોકે હવે આજકાલ ફેશ્યલ માટે કલાકો પાર્લરમાં બેસવાનો ટાઇમ ન હોય તો એ માટે આવી ગયા છે ફેસમાસ્ક. એ પણ એક શીટવાળો માસ્ટ. કોઈ પાર્ટી કે ફંક્શનમાં જવાનું હોય અને ચહેરો ડલ લાગતો હોય તો આ શીટ માસ્ક ફેશ્યલ કે ક્લીનઅપની ઇન્સ્ટન્ટ ગરજ સારે છે. શીટ માસ્ક કોરિયન સ્કિનકૅરની દેન છે એવું કહી શકાય. ત્યાંની ક્રીમ્સ અને ખાસ કરીને ફેસમાસ્કની ખૂબ ડિમાન્ડ છે. જોકે આ એક શૉર્ટકટ જ છે એ યાદ રાખવું. શીટ માસ્ક ઇન્સ્ટન્ટ ગ્લો માટે ઠીક છે, પણ એ ફેશ્યલનો સબ્સ્ટિટ્યૂટ નથી. પ્રૉપર ફેશ્યલ કરાવવાથી થતો ફાયદો શીટ માસ્કથી ક્યારેય નહીં મળે.
ADVERTISEMENT
કઈ રીતે ચૂઝ કરવા?
ફેસમાસ્ક શીટ ત્વચાને પોષણ પૂરું પાડનારા સિરમથી ભરપૂર હોય છે. માસ્કનું પૅકેટ ઓપન કરશો તો જણાશે કે એ શીટ સિરમથી લથબથ હોય છે. આ સિરમ અડધો કલાક ચહેરા પર લાગાવી રાખો તો એ સ્કિનની અંદર ઊતરે છે અને ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે.
જોકે શીટ માસ્કની પસંદગી સ્કિનટાઇપ અને ઉંમર પ્રમાણે કરવી. ડ્રાય સ્કિનને જરૂર હોય છે હાઇડ્રેશનની જેના માટે હાયલ્યુરોનિક ઍસિડવાળો માસ્ક સારો રહેશે. જો ત્વચા તૈલી હોય તો ગ્લાયકોલિક ઍસિડ કે વિટામિન ‘સી’વાળો માસ્ક તરત જ ગ્લો આપશે. નૉર્મલ સ્કિન ધરાવતા લોકોએ નાયાસિનામાઇડવાળો માસ્ક વાપરવો. એ તેમના સ્કિન પર કોઈ ડાઘ હોય તો એ માટે મદદરૂપ બને છે.
લાંબું નહીં ચાલે આ
આ માસ્ક ક્વિક ફિક્સ છે. એનો ન તો ખૂબ એવો ફાયદો થાય છે અને ન તો નુકસાન. શીટ માસ્ક એમાં રહેલા સિરમને લીધે ચમક આપે છે. જોકે એ જ સિરમને જો ડેઇલી સ્કિન રૂટીનનો ભાગ બનાવવામાં આવે તો આવા ક્વિક ફિક્સની જરૂર નહીં પડે. માસ્ક ફેશ્યલની જગ્યા નહીં લઈ શકે. ફેશ્યલથી ચહેરો ઑલઓવર ક્લીન થાય છે અને મસાજને લીધે બ્લડ-સર્ક્યુલેશન વધે છે, જ્યારે શીટ માસ્કથી ક્યારેક સ્કિન પર રેડનેસ આવી શકે છે અથવા જો સેન્સિટિવ સ્કિન હશે તો એક્ને પણ થઈ શકે છે. અહીં કોઈ પણ શીટ માસ્કનો પહેલી વાર ઉપયોગ અચાનક પાર્ટીમાં જતાં પહેલાં ન કરવો. પહેલાં વાપરી હોય, તમારી સ્કિનને સૂટ થઈ હોય તો જ એ પ્રોડક્ટ વાપરવી.
હાઉ ટુ યુઝ
માસ્ક લગાવતાં પહેલાં ચહેરો ફેશવૉશથી ધોઈને કોરો કરી લો. ત્યાર બાદ શીટ માસ્ક લગાવીને ૩૦થી ૪૦ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ માસ્ક કાઢીને વધારાના સિરમથી ચહેરા પર મસાજ કરો જેથી એ સ્કિનની અંદર ઊતરી જાય. ત્યાર બાદ ચહેરો ધોવો નહીં. જો દિવસનો સમય હોય તો સનસ્ક્રીન લગાવવું.