એક સમયે જો તમારી પાસે બાંધણીનો ડ્રેસ નહીં હોય તો ચાલશે, પણ બાંધણીના સ્ટેટમેન્ટ દુપટ્ટા રાખશો તો કોઈ પણ પ્લેન સૉલિડ આઉટફિટ સાથે મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ દુપટ્ટો તમારા લુકને કમ્પ્લીટ બનાવી દેશે.
બાંધણીની વિવિધ પૅટર્ન
એક સમયે જો તમારી પાસે બાંધણીનો ડ્રેસ નહીં હોય તો ચાલશે, પણ બાંધણીના સ્ટેટમેન્ટ દુપટ્ટા રાખશો તો કોઈ પણ પ્લેન સૉલિડ આઉટફિટ સાથે મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ દુપટ્ટો તમારા લુકને કમ્પ્લીટ બનાવી દેશે. આજે જાણીએ બાંધણી-દુપટ્ટાની વિવિધ પૅટર્ન અને સ્ટાઇલિંગની થોડી વાતો
દરેક જૂની ભુલાઈ ગયેલી ફૅશન ફરી નવાં કલેવર સાથે પાછી આવતી રહે છે અને ઇન્ડિયન ટ્રેડિશનલ સ્ટાઇલમાં બાંધણીના દુપટ્ટાનું પણ એવું જ છે. કોઈ પણ કલરના પ્લેન સૉલિડ આઉટફિટ સાથે મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ દુપટ્ટો કમ્પ્લીટ લુક આપે છે. વાઇટ ઍન્ડ વાઇટ કે ક્રીમ ઍન્ડ ક્રીમ કે બ્લૅક ઍન્ડ બ્લૅક ડ્રેસ સાથે કોઈ પણ રંગનો બાંધણીનો દુપટ્ટો જામે છે. આજે સિમ્પલ ડ્રેસને એકદમ ઉઠાવ આપતા, શુભ પ્રસંગે એકદમ જમાવટ કરતા, બધાની પહેલી પસંદ બનતા વિવધ પ્રકારના બાંધણીના દુપટ્ટાઓની દુનિયામાં ડોકિયું કરીએ.
ADVERTISEMENT
એકદમ ઑથેન્ટિક કચ્છ અને ગુજરાતની બાંધેલી બાંધણી કે બંધેજની ટાઇ ઍન્ડ ડાઇ ટેક્નિકથી બનેલા આ રંગીન દુપટ્ટા ટ્રેડિશનલ લુકના શોખીન લોકોના વૉર્ડરોબમાં હોય જ છે. બધી જ સ્ટાઇલના દુપટ્ટા શુભ પ્રસંગે બહુ સુંદર લાગે છે. બેનમૂન કારીગરી, અદ્ભુત રંગોથી શોભતો અઢી મીટરનો બાંધણીનો દુપટ્ટો ટ્રેડિશનલ ફૅશનનું અવિભાજ્ય અંગ છે. બાંધણી એ ગુજરાત, રાજસ્થાન અને કચ્છની પરંપરાગત કળા છે અને હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે.
બાંધણીની વિવિધ પૅટર્ન
ફુલ ઑલઓવર બાંધણી દુપટ્ટામાં બંધેજ કલાથી આખા દુપટ્ટામાં વિવિધ ડિઝાઇન કરવામાં આવે છે. એક ડાળી પૅટર્નમાં પાસે-પાસે કે છૂટીછવાઈ ડિઝાઇનમાં માત્ર બાંધણીનાં ટપકાં હોય છે, લહેરિયા પૅટર્નમાં ત્રાંસી લાઇનમાં બાંધણીનાં ટપકાંઓથી ડિઝાઇન બને છે, લાડુ-જલેબી નામે ઓળખાતી પૅટર્નમાં દરેક બંધ ગોળ આકારમાં એવી રીતે બાંધવામાં આવે છે જેથી જલેબી આકારમાં બાંધણીની ડિઝાઇન બને. ફુલ વેલ કે માત્ર વેલ કે બૉર્ડર વગેરે પૅટર્નમાં બાંધણીના દુપટ્ટા દરેક રંગમાં મળે છે. રાઈ બાંધણી દુપટ્ટા આ ટેક્નિકમાં રાઈના દાણા જેવા ઝીણા-ઝીણા બંધ બાંધી ડિઝાઇન ક્રીએટ કરવામાં આવે છે અને એકદમ નાની-નાની બાંધણીની બિંદીઓથી સુંદર ડિઝાઇન બને છે અથવા ઑલઓવર છુટ્ટી બિંદીઓ હોય છે. ઓરિજિનલ બાંધણી કારીગરી નહીં પણ એના જેવી પ્રિન્ટના દુપટ્ટા પણ ઉપલબ્ધ છે.
બૉર્ડર અને ગાળા બાંધણી દુપટ્ટા
સેમી હેવી લુક માટે આ ગાળા બૉર્ડર દુપટ્ટા બહુ સુંદર લુક આપે છે. બે રંગોમાં મળતા આ દુપટ્ટામાં વચ્ચેનો બેઝ પ્લેન હોય છે અને બીજા રંગની બૉર્ડરમાં બાંધણીની પૅટર્નથી ડિઝાઇન કરવામાં આવે છે. પ્લેન ગાળા તરીકે ઓળખાતા ભાગમાં વચ્ચે એક ગોળાકાર ભાગમાં બાંધણીની પૅટર્ન ક્રીએટ કરવામાં આવે છે. ગાળા બૉર્ડર તરીકે ઓળખાતા આ દુપટ્ટામાં જે જોઈએ એ બે રંગોનું કૉમ્બિનેશન મળે છે. સફેદ અને મરૂન, ક્રીમ અને ગ્રીન, રેડ અને બ્લૅક, બ્લુ અને વાઇટ જેવાં અનેક કૉમ્બિનેશન સરસ લાગે છે નૉર્મલ વેઅરમાં કૉટનમાં અને હેવી લુકમાં સિલ્ક મટીરિયલમાં ગાળા બૉર્ડર દુપટ્ટા મળે છે.
ગજી સિલ્ક લગડી પટ્ટા દુપટ્ટા
પ્યૉર ગજી સિલ્કમાં બાંધણી પૅટર્નના દુપટ્ટાની ખાસિયત છે એ છે કે ગોલ્ડન જરીનો બન્ને બાજુ દામનમાં પટ્ટો હોય જેને લગડી પટ્ટો પણ કહેવામાં આવે છે. લગડી પટ્ટાવાળા ગજી સિલ્કના દુપટ્ટા લગ્ન જેવા પ્રસંગે બહુ જ સુંદર લાગે છે અને બધાની પહેલી પસંદ બને છે. હેવી લગડી પટ્ટા પર મિરર, કુંદન, ગોટાપટ્ટી, જરદોસી કે અન્ય એમ્બ્રૉઇડરી વર્ક હોય છે.
ઘરચોળા બાંધણી દુપટ્ટા
આ દુપટ્ટામાં જરી વણાટ અને બાંધણી ટેક્નિક બન્ને કળાનો સુમેળ છે. દરેક ઘરચોળા દુપટ્ટામાં જરીની લાઇન દ્વારા ચોરસ ચેક્સની ડિઝાઇન હોય છે જે ઘરચોળાની વિશેષ ઓળખાણ છે અને અને દરેક ચોરસની અંદર બાંધણી કારીગરીથી ગોળ, ફૂલ, હાથી, મોર ,કેરી, કમલ જેવી જુદી-જુદી ડિઝાઇન હોય છે. મૂળ ઘરચોળાની જેમ ઘરચોળા દુપટ્ટામાં પણ લાલ અને મરૂન રંગની બોલબાલા છે, જે ક્રીમ ડ્રેસ કે અનારકલી કે લેહંગા-ચોલી સાથે સુંદર લાગે છે. હવે ફૅશન ટ્રેન્ડ પ્રમાણે લગભગ બધા જ રંગોમાં આ ઘરચોળા દુપટ્ટા મળે છે. નવવધૂ પોતાનાં લગ્નની ખરીદીમાં એક આવો દુપટ્ટો જરૂરથી ખરીદે છે.
જયપુરી રાજસ્થાની દુપટ્ટા
રાજસ્થાનના મારવાડી પીળા દુપટ્ટા તરીકે ઓળખાતી પીળી, કેસરી અને લાલ ચુનરીમાં બાંધણીની પૅટર્ન હોય છે. પ્યૉર જ્યૉર્જેટ અને ચિનોન મટીરિયલમાં રાજસ્થાની બાંધણી દુપટ્ટામાં એક કે બે કરતાં ઘણા વધારે રંગો હોય છે અને આભલાંનું કામ કરેલું હોય છે. કૉટનમાં પણ આભલાં, કોડીકામવાળા રાજસ્થાની બંધેજ દુપટ્ટા નવરાત્રિમાં સૌથી વધારે પહેરવામાં આવે છે. જયપુરી ગોટાપટ્ટી, ગોટાવર્કના પૅચ, ગોટાવર્કવાળા બાંધણી દુપટ્ટા પર રાજસ્થાનનું ગોટાપટ્ટી વર્ક કરવામાં આવે છે અથવા ચારે બાજુ ગોટાપટ્ટી લેસ લગાડવામાં છે. બાંધણીના દુપટ્ટાની બન્ને બાજુ દામનમાં ગોટાપટ્ટી વર્ક કરેલું હોય છે અથવા પૅચ લગાડેલા હોય છે. રાજસ્થાની ચુનરી અને ઓઢણામાં પણ બાંધણીની પૅટર્ન હોય છે.
બનારસી બંધેજ મીનાકારી દુપટ્ટા
આ દુપટ્ટા અત્યારે બધાની પહેલી પસંદ છે. પશ્ચિમ ભારતના ગુજરાત અને કચ્છની ટાઇ ઍન્ડ ડાઇ બાંધણી કળા અને ઉત્તર-પૂર્વ ભારતના ઉત્તર પ્રદેશના અદ્ભુત બનારસી વણાટકળાનો સુભગ સમન્વય છે. દુપટ્ટાના એક-એક બંધ અને તારનું વણાટકામ સંસ્કૃતિ, કળા અને કારીગરીની અનોખી કહાની કહે છે.
મલ્ટિપલ દુપટ્ટામાં બાંધણી
અત્યારની હિટ ફૅશનમાં બ્રાઇડ લેહંગા-ચોલી સાથે બે દુપટ્ટા પહેરે જ છે, એક ઓઢણીની જેમ અને બીજો દુપટ્ટો માથા પર ચૂંદડીની જેમ ઓઢે છે. ઘણી વાર ખભા પર હજી ત્રીજો દુપટ્ટો સ્ટાઇલ તરીકે, ઘરચોળા કે ચૂંદડી સ્વરૂપે રાખે છે. પાનેતર અને ઘરચોળું સાથે પહેરતી ગુજરાતી બ્રાઇડ પણ માથા પર ત્રીજી નેટની ચૂંદડી ઓઢી લુક કમ્પ્લીટ કરે છે. આ અત્યારે એકદમ હિટ મલ્ટિપલ દુપટ્ટાવાળા બ્રાઇડલ લુકમાં એક દુપટ્ટો તો બાંધણીનો ઘરચોળા કે ગજી સિલ્ક લગડી પટ્ટો કે મીનાકારી બનારસી બંધેજ હોય જ છે.