પુરુષોની શાન એવી પાઘડીનું મહત્ત્વ પુરુષોના દૈનિક જીવનમાં ભલે ન હોય, પણ તેમ છતાં વાર-તહેવારે તેઓ પાઘડી પહેરીને ઉત્સવની શાન વધારતા હોય છે. નવરાત્રિમાં પણ પુરુષો અવનવી ડિઝાઇનની પાઘડીઓ પહેરીને ગરબે ઘૂમતા જોવા મળે છે.
નવરાત્રિમાં પુરુષો રંગબેરંગી શણગારવાળી પાઘડી પહેરીને ગરબે ઘૂમે છે
કી હાઇલાઇટ્સ
- આ વખતે કેવા પ્રકારની પાઘડીનો ટ્રેન્ડ છે એ જાણીએ
- સાથે જ પાઘડી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ જાણીએ
- પાઘડી એનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ દર્શાવે છે
પુરુષોની શાન એવી પાઘડીનું સ્થાન પુરુષોના દૈનિક જીવનમાં ભલે ન રહ્યું હોય, પણ વાર-તહેવારે અને લગ્નપ્રસંગે પુરુષો પાઘડી પહેરતા હોય છે. એમાં પણ નવરાત્રિ જેવા તહેવારમાં પુરુષો રંગબેરંગી શણગારવાળી પાઘડી પહેરીને ગરબે ઘૂમે ત્યારે ઉત્સવની શોભામાં ચાર ચાંદ લાગી જતા હોય છે. આજકાલ કેવા પ્રકારની પાઘડી નવરાત્રિમાં પહેરવાનું ચલણ છે એ વિશે ફૅશન-એક્સપર્ટ પાસેથી જાણી લઈએ.
પાઘડીમાં શેનો ટ્રેન્ડ?
ADVERTISEMENT
પાઘડીની સ્ટાઇલ અને ડિઝાઇન વિશે માહિતી આપતાં ફૅશન-ડિઝાઇનર મનીષ પટેલ કહે છે, ‘પાઘડી બાંધવાની ત્રણ બેઝિક સ્ટાઇલ હોય છે. એક છે લૂઝ ફિટેડ પાઘડી. એમાં કપડાને કુદરતી રીતે ગડી પડે એ રીતે હાથમાં પકડીને માથા પર લપેટવાની હોય છે. આ પાઘડી વધારે ટાઇટ બાંધવામાં આવતી નથી અને એમાં ફૅબ્રિકના નૅચરલ ફોલ્ડ્સ સ્વાભાવિક રીતે દેખાય છે. બીજી એક સ્ટાઇલ હોય છે ટ્વિસ્ટેડ પાઘડી. એમાં કપડાને વળ આપીને એટલે કે ટ્વિસ્ટ કરીને પછી માથા પર લપેટવામાં આવે છે.
ત્રીજી પ્લીટેડ સ્ટાઇલ છે. એમાં કપડાની પાટલી બનાવીને પછી એને માથા પર બાંધવામાં આવે છે. આ ત્રણેય સ્ટાઇલને મિક્સ કરીને પણ અવનવી સ્ટાઇલની પાઘડી બાંધી શકાય. ત્રણ
અલગ-અલગ કલરના દુપટ્ટા લઈ એને વળ ચડાવીને પછી ચોટલાની જેમ ગૂંથીને એને માથા ફરતે વીંટવાની સ્ટાઇલ પણ આ વખતે ખૂબ ટ્રેન્ડમાં છે. એ સિવાય નવરાત્રિના થીમવાળી પાઘડી પણ લોકો બહુ પહેરે જેમાં નવદુર્ગાનાં રૂપ હોય કે પછી કરન્ટ ટૉપિક પર જેમ કે ઑપરેશન સિંદૂર વગેરેના આધારે પાઘડીને ડેકોરેટ કરે છે. ઘણા લોકો પાઘડીને સજાવવા માટે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી, બ્રોચ, મોરપીંછ, એમ્બ્રૉઇડરીવાળા પૅચ, લટકણ, લાઇટ્સ વગેરેનો ઉપયોગ પણ કરતા હોય છે. નવરાત્રિમાં ફકત યુવકો જ નહીં, યુવતીઓ પણ શાનથી પાઘડી પહેરે છે. ઘણા યંગસ્ટર્સ તો એટલી બધી મોટી, વજનદાર અને યુનિક શણગારવાળી પાઘડી પહેરીને ગરબે રમવા ઊતરતા હોય છે કે ગ્રાઉન્ડ પર બધાની નજર તેમના પર જ હોય. પાઘડી હવે ફક્ત પરંપરાગત પરિધાન ન રહેતાં ફૅશન-સ્ટેટમેન્ટ અને સેલ્ફ-એક્સપ્રેશનનું સાધન બની ગઈ છે. આજકાલ તો ભાગ્યે જ કોઈને પાઘડી પહેરતાં આવડતી હોય છે. એટલે ખાસ
નવી-નવી સ્ટાઇલની પાઘડી કઈ રીતે પહેરવી એ શીખવાના ક્લાસમાં યંગસ્ટર્સ જતા હોય છે. સોશ્યલ મીડિયા પર ફૅશન-ઇન્ફ્લુઅન્સર્સ પાઘડી બાંધવાની ટ્રેન્ડિંગ અને ક્રીએટિવ સ્ટાઇલ શિખવાડતા હોય છે. પાઘડી પહેરવાના શોખીન યુવાનો ખાસ બહારથી તેમના માટે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇનર પાઘડી બનાવડાવતા હોય છે, જ્યારે અમુક યુવાનો તેમની ક્રીએટિવિટીનો ઉપયોગ કરીને ઘરે જ પાઘડી બનાવતા હોય છે. એટલે આજના યંગસ્ટર્સને મૉડર્ન ટ્વિસ્ટ સાથે ટ્રેડિશન કઈ રીતે ફૉલો કરવી એ સારી રીતે આવડે છે.’
પાઘડી વિશે રસપ્રદ વાતો

ફૅશન-ડિઝાઇનર મનીષ પટેલ
પાઘડીના ઇતિહાસ અને પરંપરા વિશે રસપ્રદ માહિતી આપતાં મનીષ પટેલ કહે છે, ‘દરેક રાજ્યમાં જુદી-જુદી રીતે પાઘડી પહેરવામાં આવે છે. ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં પાઘડી પહેરવાનો રિવાજ છે. એક સમયે આ ભાગ સિંધુ ઘાટી સભ્યતાનો હિસ્સા હતો. સિંધુ ઘાટી સભ્યતા પાકિસ્તાનના સિંધ, બલૂચિસ્તાન, પંજાબ તેમ જ ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સુધી ફેલાયેલી હતી. કાપડ બનાવવાની શરૂઆત એ સભ્યતાથી થઈ હતી. હડપ્પા અને મોહેંજોદડો જેવી સિંધુ ઘાટી સભ્યતાઓના સ્થળેથી મળેલી મૂર્તિઓ અને મહોરોમાં પાઘડી જેવું માથાનું પરિધાન પહેરેલા પુરુષો જોવા મળે છે. જૂના જમાનામાં જ્યારે તલવાર અને ભાલાયુદ્ધ લડાતાં હતાં ત્યારે માથાને હથિયારોના વારથી સુરક્ષિત રાખવા માટે પાઘડી પહેરવામાં આવતી હતી. એક સમયે પાઘડી સ્ટેટસ-સિમ્બૉલ હતી. વ્યક્તિ જેટલી મોટી, ઊંચી અને સુશોભિત પાઘડી પહેરે તેને એટલી ધનવાન અને પ્રતિષ્ઠિત માનવામાં આવતી હતી. એટલે જ તમે જોશો તો ખેડૂત, માછીમારની પાઘડી નાની અને સાધારણ, વેપારી અને મધ્યમ વર્ગની થોડી મોટી અને સારી ડિઝાઇનવાળી તેમ જ રાજા, શાહી પરિવારની પાઘડી સૌથી મોટી, ઊંચી અને ભવ્ય જોવા મળતી. પાઘડીનાં આકાર અને સ્ટાઇલ વ્યક્તિના વ્યવસાય
પર પણ નિર્ભર કરતાં. ખેતરમાં કામ કરતા ખેડૂતને મોટી પાઘડી પહેરીને કામ કરવું ન ફાવે. એવી જ રીતે વેપારી નાની પાઘડી પહેરીને વેપાર કરવા બેસે તો લોકો તેમના પર ભરોસો નહીં કરે. પાઘડી ધર્મ સાથે પણ જોડાયેલી છે. સિખ ધર્મમાં પાઘડી પહેરવી એ એકતા, સ્વાભિમાન અને ધાર્મિક ઓળખનું પ્રતીક છે. હિન્દુમાં પણ રાજપૂત, મરાઠા અને અન્ય સમુદાયોમાં પાઘડી સામાજિક અને પારંપરિક ઓળખ માટે પહેરાતી. કેટલાક મુસ્લિમ સમુદાયોમાં પણ પુરુષો, ઇમામ કે ધર્મગુરુ પાઘડી પહેરે છે. એ સિવાય
કોમના હિસાબે દરેકની પોતાની પાઘડી પહેરવાની એક ઢબ હોય. રબારી સમુદાયના લોકો સામાન્ય રીતે સફેદ કલરની પાઘડી પહેરે, જ્યારે ભરવાડની પાઘડી રંગીન અને એમ્બ્રૉઇડરીવાળી હોય છે.’


