Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સાડીપ્રેમ હોય તો આવો

03 July, 2024 02:11 PM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

માટુંગામાં રહેતાં ૪૧ વર્ષનાં મીનાક્ષી ગડા ખાસ સાડી પહેરીને બરફમાં સ્કીઇંગ કરી આવ્યાં છે, તિરંગા સાડી પહેરીને ઑસ્ટ્રિયામાં સાઇક્લિંગ ટૂર કરી ચૂક્યાં છે

લાઇટિંગવાળી સાડી, પપ્પા સાથે ભાવનાત્મક જોડાણ દર્શાવતા પેઇન્ટિંગવાળું બ્લાઉઝ

લાઇટિંગવાળી સાડી, પપ્પા સાથે ભાવનાત્મક જોડાણ દર્શાવતા પેઇન્ટિંગવાળું બ્લાઉઝ


આજના જમાનાની ઘણી સ્ત્રીઓ સાડી પહેરીને ડે-ટુ-ડે ઍક્ટિવિટી કે ટ્રાવે​લિંગ કરવાનું અવૉઇડ કરતી હોય છે ત્યારે માટુંગામાં રહેતાં ૪૧ વર્ષનાં મીનાક્ષી ગડા ખાસ સાડી પહેરીને બરફમાં સ્કીઇંગ કરી આવ્યાં છે, તિરંગા સાડી પહેરીને ઑસ્ટ્રિયામાં સાઇક્લિંગ ટૂર કરી ચૂક્યાં છે અને સાથે જ બ્લાઉઝ પર પપ્પા સાથેના પોતાના ફોટોને પ્રિન્ટ કરાવીને હૃષીકેશ ફરી ચૂક્યાં છે


ભારતીય નારીઓનો સાડી પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. એમાં પણ હવે તો વિદેશી મહિલાઓમાં પણ સાડીનું આકર્ષણ વધી રહ્યું છે. ભારતના ભવ્ય વારસા અને સંસ્કૃતિને દર્શાવતી સાડી હવે તો વર્લ્ડવાઇડ એક ફૅશન-સ્ટેટમેન્ટ બની ગઈ છે. જનરલી આજની પેઢીની દૃષ્ટિએ વિચારીએ તો એમ કહેવાય છે કે સાડી પહેરવાનું કામ અઘરું છે અને એનાથી પણ અઘરું કામ એને સંભાળવાનું છે, પણ આ બધી વાતોને અભરાઈ પર ચડાવીને પૂરા આત્મવિશ્વાસ સાથે સાડીમાં સ્પોર્ટ‍્સ ઍ​ક્ટિવિટીઝ કરતી મહિલાઓ વિશે તમે અવારનવાર વાંચ્યું હશે. માટુંગામાં રહેતાં ૪૧ વર્ષનાં મીનાક્ષી ગડા આવી જ મહિલાઓમાંનાં એક છે.  મીનાક્ષી હજી હમણાં જ વિદેશમાં સાડીમાં સાઇક્લિંગ કરી આવ્યાં. એ અગાઉ તેઓ ગુલમર્ગમાં બે વાર સાડી પહેરીને સ્કીઇંગ કરી ચૂક્યાં છે. મીનાક્ષીબહેનને સાડી પહેરવાનો તો શોખ છે જ પણ સાથે-સાથે તેમને એની સાથે નવા-નવા એક્સપરિમેન્ટ કરવા પણ એટલા જ પસંદ છે.



ઑસ્ટ્રિયામાં સાઇક્લિંગ


બે અઠવાડિયાં પહેલાં જ મીનાક્ષીબહેને ઑસ્ટ્રિયામાં તિરંગા થીમની સાડી પહેરીને સાઇક્લિંગ કર્યું હતું. આ વિશે વાત કરતાં તેઓ કહે  છે, ‘નવમી જૂને ઇન્ડિયા વર્સસ પાકિસ્તાનની મૅચ હતી. ઇન્ડિયાએ આ મૅચ જીતી એના બીજા દિવસે સવારે મેં તિરંગા થીમની સાડી પહેરીને ૪૫-૫૦ કિલોમીટરનું સાઇક્લિંગ કર્યું હતું. શરૂઆતમાં મારી સાડી સાઇકલના વ્હીલમાં ફસાઈ રહી હતી. એ પછી મેં સાડીને ચારેય બાજુથી થોડી ઉપર ખોસી દીધી તો એ પછી કોઈ વાંધો નહોતો આવ્યો. ઑસ્ટ્રિયામાં હું મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી. અમારું ૧૯ જણનું ગ્રુપ હતું. એમાં મારી સાથે મારા હસબન્ડ વિનોદ, દીકરી ક્રિષી અને ​ફિયોની તેમ જ દીકરો રાજવીર હતાં. અમારી સાથે બીજી ચાર ફૅમિલી હતી. અમે બધાંએ ચાર દિવસમાં ૨૩૦ કિલોમીટરનું ડિસ્ટન્સ સાઇકલ પર કવર કર્યું હતું. અમારી આખી સ્ક્વૉડે ઇન્ડિયાના નામનાં ટી-શર્ટ પણ પ્રિન્ટ કરાવ્યાં હતાં. અમારો ઉદ્દેશ વિદેશમાં જઈને ભારતને રિપ્રેઝન્ટ કરવાનો હતો. અમે દિવસમાં લગભગ ૫૦ કિલોમીટર જેટલું સાઇક્લિંગ કરતાં હતાં. એ માટે થઈને અમે બે મહિના પહેલાંથી જ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. વહેલી સવારે જ્યારે રસ્તા પર વાહનો ન હોય ત્યારે અમે દરરોજ નરીમાન પૉઇન્ટ ખાતે સાઇક્લિંગની પ્રૅક્ટિસ કરવા માટે જતાં. અમારા ગ્રુપમાં જે હતાં એ બધા ફ્રેશર જ હતાં. એમાંય સાડી પહેરીને સાઇકલ ચલાવવાનો આ મારો પહેલો જ અનુભવ હતો.’

ગુલમર્ગમાં સ્કીઇંગ


જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં જઈને મીનાક્ષીબહેન બે વાર સ્કીઇંગ કરીને આવ્યાં છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ફર્સ્ટ ટાઇમ ૨૦૨૧માં ગઈ હતી. એ સમયે મેં મારા ૪૦ સેલ્ફીની પ્રિન્ટવાળી સાડી પહેરી હતી. એ સાડીમાં મેં સ્કીઇંગ કર્યું હતું. ફર્સ્ટ ડેના હું ફક્ત સ્કીઇંગ શીખવા માટે ગઈ હતી. એ પછી બીજા દિવસે મેં સાડીમાં સ્કીઇંગ કર્યું હતું. શરૂઆતમાં મનમાં થોડી મૂંઝવણ હતી કે સાડીમાં સ્કીઇંગ કરી શકીશ કે નહીં. ઘણા લોકો મને સાડીમાં જોઈને હસી પણ રહ્યા હતા. જોકે મને શોખ હતો એટલે મેં ટ્રાય કર્યું અને લકીલી મેં એ ટાસ્ક પૂરો પણ કરી લીધો. મને સાડીમાં સ્કીઇંગ કરતાં જોઈને ત્યાં હાજર બીજા પર્યટકો દંગ હતા. પર્યટકોએ પોતાના મોબાઇલમાં મારો વિડિયો શૂટ કર્યો હતો. એ સમયે મારો સાડીમાં સ્કીઇંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો. એ પછી ૨૦૨૨માં મને ફરી સ્કીઇંગ માટે સામેથી આમંત્રણ મળ્યું હતું એટલે હું ફરી ત્યાં ગઈ હતી. એ વખતે મેં લાઇટવાળી સાડી પહેરી હતી. અહીં સવારે દસ વાગ્યાથી સ્કીઇંગ ચાલુ થઈ જાય અને રાત્રે ખતમ થતાં-થતાં સાત વાગી જાય.

એટલે સાંજના સમયે મેં સાડીની લાઇટ ઑન રાખી હતી. લાઇટવાળી સાડીમાં સ્કીઇંગ કરવામાં થોડું જોખમ પણ હતું, કારણ કે બરફનું પાણી જો લાઇ​ટમાં જાય તો બૉડીમાં શૉક લાગવાના ચાન્સિસ  હતા. જોકે બધું સરખી રીતે મૅનેજ થઈ ગયું હતું.’

ઇમોશનલ કનેક્શન

સાડીમાં મીનાક્ષીબહેને કરેલો વધુ એક અખતરો પણ ઇન્ટરેસ્ટિંગ છે. તેઓ પપ્પાના જન્મદિવસ નિમિત્તે મહિના પહેલાં હૃષીકેશ ગયાં હતાં એ અનુભવ શૅર કરતાં મીનાક્ષીબહેન કહે છે, ‘અહીં મેં પપ્પા સાથે પોતાનો ફોટો ​પ્રિન્ટ હોય એવું બ્લાઉઝ પહેર્યું હતું. મારા પપ્પા બાબુભાઈ (ચંદ્રકાંત) ઝાલાણી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમની હૃષીકેશ જવાની ઇચ્છા હતી. ૨૮ મેના તેમનો જન્મદિવસ હતો એ નિમિત્તે હું હૃષીકેશ ગઈ હતી. મારા પપ્પા મારી સાથે છે એ ભાવના સાથે મેં મારા બ્લાઉઝના પાછળના ભાગે તેમનું પેઇન્ટિંગ કરાવ્યું હતું. મારું મારા પપ્પા સાથેનું બૉન્ડિંગ ખૂબ સારું હતું. મારા પપ્પાની હું એકની એક દીકરી એટલે તેમણે મને ખૂબ લાડકોડથી ઉછેરી છે. લોકો માટે મારા બ્લાઉઝ પર મારા પિતા સાથેનો ફોટો જોવો એક નવો અનુભવ હતો અને મારા માટે આત્મસંતોષની ક્ષણ.’

સાડીનો ખજાનો

મીનાક્ષીબહેનના હસબન્ડની સાડીની દુકાન છે. ઘરની ક્લોધિંગ બ્રૅન્ડ હોય એટલે મન થાય ત્યારે શોરૂમમાં જઈને જેટલી જોઈએ એટલી સાડી ખરીદી લો તો ચાલે. મીનાક્ષીબહેનનું પણ એવું જ છે. તેઓ કહે છે, ‘દરેક ઓકેઝન પર મને નવી સાડી જોઈએ એટલે જ્યારે પણ કોઈ પ્રસંગ આવવાનો હોય ત્યારે હું અમારા શોરૂમમાં પહોંચી જાઉં. અમારા શોરૂમના કર્મચારીઓ પણ હું જાઉં એટલે એકથી એક ચડિયાતી સાડીઓ દેખાડવાનું શરૂ કરી દે. મને સાડીનો એટલોબધો શોખ છે કે મારી પાસે ૨૫૦થી ૩૦૦ સાડીનું કલેક્શન છે. એમાં બાંધણી, બનારસી, સિલ્ક, જ્યૉર્જેટ, શિફોન, લહેરિયા, કાંજીવરમ, પૈઠણી, પટોળાં, સંભલપુરી સાડી, ટસર સિલ્ક, ઇક્કત, કાશ્મીરી, ગઢવાલ જેવી વિવિધ પ્રકારની સાડીઓનો ખજાનો છે.’

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 02:11 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK