Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ચહેરા પર કૉફી લગાવીને ત્વચાને ચમકીલી બનાવો! આવા પોકળ દાવાથી દૂર રહેજો બાપા

ચહેરા પર કૉફી લગાવીને ત્વચાને ચમકીલી બનાવો! આવા પોકળ દાવાથી દૂર રહેજો બાપા

27 June, 2024 01:50 PM IST | Mumbai
Rajul Bhanushali

ચહેરા પર કૉફી લગાવીને ત્વચાને ચમકીલી બનાવવાના ચક્કરમાં પડવાથી કેવું-કેવું નુકસાન થઈ શકે છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પચાસ વર્ષે તમારી સ્કિન કેવી હશે એનો આધાર વીસ વર્ષે તમે તમારી ત્વચા સાથે કેવો વ્યવહાર કરો છો એના પર રહેલો છે. આજકાલ સોશ્યલ મીડિયા પર કૉફી સ્ક્રબની જબરી ડિમાન્ડ નીકળી છે. ચહેરા પર કૉફી લગાવીને ત્વચાને ચમકીલી બનાવવાના ચક્કરમાં પડવાથી કેવું-કેવું નુકસાન થઈ શકે છે એ જાણી લો...


સોશ્યલ મીડિયા પર આવતી રીલ્સમાં તમને દરેક વિષય જોવા મળી જશે. પૉલિટિક્સ હોય, ધર્મ હોય, ફૂડ અને ક્લોધિંગ હોય કે પછી હેલ્થકૅર હોય; અહીં કોઈ પણ ચીજને વાઇરલ થતાં વાર નથી લાગતી. ઘણી વખત રીલ એટલી વાઇરલ થઈ જતી હોય છે કે જો એમાં ખોટી માહિતી હોય તો પણ લોકો સાચી માનવા માંડે છે. હમણાં સ્કિન અને હેરકૅર માટે કૉફીનો ઉપયોગ થતો હોય અને એનાથી થતા ફાયદા વિશે વાત થતી હોય એવી રીલ્સ ઘણી વાઇરલ થઈ રહી છે. કોઈક એક જણ ટ્રાય કરે અને તેને એવો ભ્રમ થાય કે મને ફાયદો થયો છે તો એ બીજા ચાર જણને લિન્ક ફૉર્વર્ડ કરશે, એ ચાર જણ બીજા સોળ જણને કરશે. આ રીતે બધી વાતો ફેલાતી હોય છે. આ કૉફીનો ઉપયોગ સ્કિન તેમ જ હેર માટે કેટલો ફાયદાકારક છે કે પછી છે જ નહીં એ વિશે સાઉથ મુંબઈના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કથક મોદી-શાહ સાથે વાત કરીએ.



એક્સપર્ટનું શું કહેવું છે?


તમે બહુ જ થાકેલા હો અને એક કપ કૉફી પીઓ તો તમને થોડુંક ફ્રેશ લાગશે, બરાબરને? એ પછીયે કૉફીના ઇન્ટેકને લઈને હંમેશાં ચર્ચાઓ થઈ છે. કૉફીમાં રહેલું કૅફીન નુકસાન પણ કરી શકે એવું તમે સાંભળ્યું છે. ડૉ. કથક કહે છે, ‘આ જ કૉફી સ્કિન પર અપ્લાય કરીએ ત્યારે એ સ્કિનને પણ એવું જ ફીલ કરાવે છે. તમે ચહેરા પર કૉફી-માસ્ક લગાડશો તો તમને માત્ર રિફ્રેશિંગ ફીલ થશે, એ ટ્રીટમેન્ટ નથી. લોકો કૉફી પાઉડર એટલે કે ગ્રાઉન્ડ કૉફી પાઉડરને સ્ક્રબ તરીકે સ્કિન પર યુઝ કરે છે, જે બિલકુલ યોગ્ય નથી. સ્કિન પર કોઈ પણ પ્રકારનું હાર્ડ ક્રીમ વાપરવું નુકસાનકારક છે. એ પદ્ધતિ પણ ખોટી છે. એવું બની શકે કે હાર્ડ કૉફીને કારણે તમારી સ્કિનને નુકસાન થાય અને રૅશિઝ કે ડાઘા પડી જાય. સ્કિનની દરેક બાબતમાં કૉફી ઉપયોગી નથી પણ હા, ધારો કે તમને અન્ડર-આઇ ડાર્ક સર્કલ છે તો કૅફીન એમાં થોડું કામ કરી શકે પરંતુ એ ત્યારે જ્યારે એ કોઈ ક્રીમમાં હોય, બીજા મેડિકલ કમ્પોનન્ટ જોડે. પરંતુ ક્રીમ પણ એમ ને એમ ન વપરાય. અન્ડર-આઇ ડાર્ક સર્કલનાં અનેક કારણ હોઈ શકે. એનું પહેલાં ડાયગ્નૉસિસ થવું જોઈએ કે શા કારણે છે. ઉજાગરા વધુ થતા હોય અને એના લીધે જો આંખની નીચે ડાર્ક સર્કલ થઈ ગયાં હોય તો એમાં કૉફી થોડીક મદદ કરી શકે પણ એમાં ફરી એ જ વાત આવે કે તમે થાકેલા હો અને કૉફી પીઓ તો થોડુંક ફ્રેશ ફીલ કરો, પરંતુ થાકનો પ્રૉબ્લેમ જડમૂળથી દૂર થતો નથી. કૉફી રિફ્રેશિંગ ફીલ કરાવે છે, એ ટ્રીટમેન્ટ નથી.’

સ્કિનની કૅર કઈ રીતે?


ઘણી વખત એવું થતું હોય કે આવી કોઈ રીલ જોઈને કોઈ એક વ્યક્તિ ટ્રાય કરે, તેને રિફ્રેશિંગ ફીલ થાય એટલે તેને લાગે કે આ અસરકારક છે. તે પોતાના સર્કલમાં શૅર કરે. એની વાત સાંભળીને બીજી વ્યક્તિ કરશે; પછી ત્રીજી, ચોથી અને પાંચમી પણ કરશે. બને એવું કે પહેલી-બીજી વ્યક્તિને કશું ન થાય, પણ ચોથી કે પાંચમીને કંઈક અવળું રીઍક્શન થાય. આપણે સ્કિનની કૅર કઈ રીતે કરવી એ વિશે વાત કરતાં ડૉ. કથક કહે છે, ‘તમારી ફૂડ-હૅબિટ ક્લીન હોવી જોઈએ. તમે જે ખાશો એ તમારા ચહેરા પર દેખાશે. એટલે ફ્રેશ અને હેલ્ધી ખાઓ. સ્કિન માટે એક બેઝિક રૂટીન ફૉલો કરો, જેમાં એને ક્લીન અને હાઇડ્રેટેડ રાખવાનું અને રેગ્યુલરલી સનસ્ક્રીન લગાવવાનું આવે. રેગ્યુલરલી મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. જો મૉઇશ્ચર ઓછું હશે તો સ્કિન ડલ લાગશે. તમે કામ માટે બહાર જતા હો કે પછી ઘરમાં બેસીને કામ કરતા હો, સનસ્ક્રીન ઇમ્પોર્ટન્ટ છે. સૂરજમાંથી નીકળતાં UV એટલે કે અલ્ટ્રાવાયલેટ કિરણો જેટલું નુકસાન કરે છે એટલાં જ લૅપટૉપ અને ટ્યુબલાઇટ નુકસાન કરે છે. અને એટલા માટે ઘરમાં હો ત્યારે પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. આ બેઝિક પ્રિકૉશન્સ રેગ્યુલર લેતા હો તો રિન્કલ્સને ઘણાબધા અંશે પોસ્ટપોન કરી શકાય છે. બાકી જાણ્યા-સમજ્યા વગર ઘરગથ્થુ પ્રયોગો કરવા ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, તમે કાચા દૂધમાં કેસર કે પછી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો. મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને પૅક લગાવો તો એ સારી ચૉઇસ છે. સૌથી મહત્ત્વની વાત એ આ તો સાવ બેઝિક વાત થઈ, આ ઘરગથ્થુ પૅક્સ ક્રીમને ક્યારેય રિપ્લેસ કરી શકતા નથી. એક સારી ક્વૉલિટીની ફેસ-ક્રીમથી જે કૅર કરી શકાય છે એ ઘરગથ્થુ પૅકથી શક્ય નથી.’

સ્કિન સાથે હેરકૅર વિશે પણ જાણી લઈએ

ડૉ. કથક હેરકૅર વિશે પણ વાત કરે છે. તેઓ કહે છે, ‘વાળ માટે કૅફીન અમુક હદ સુધી હેલ્પ કરે છે પરંતુ એ મનોક્સિડિલ અને પ્રોકેપિલ જેવા કમ્પોનન્ટ સાથે હોય તો પૉઝિટ‌િવ રિઝલ્ટ આપે. કોઈ પણ વસ્તુ વાપરવા પહેલાં તમારી સ્કિન અને હેરનો ટાઇપ જાણવો જરૂરી છે. આપણે સ્કૅલ્પમાં  મસાજ કરીએ એનાથી બ્લડ-વેસલમાં બ્લડ-સર્ક્યુલેશન વધે, એ ફોલિકલ સુધી પહોંચે અને હેરગ્રોથ થાય. પરંતુ એ માટે સારી ક્વૉલિટીનાં હેરઑઇલ કે ક્રીમ્સ વાપરવાં જરૂરી છે. હમણાં કૉફી પાઉડરમાં હળદર અને ઘી કે કોપરેલ તેલ મિક્સ કરીને એને કાળું થઈ જાય ત્યાં સુધી તપાવીને વાળમાં લગાવો તો ડાઇનું કામ કરે એવા મેસેજ ફરી રહ્યા છે. આવું કરવાથી વાળમાં થોડોક કલર પણ લાગશે, પરંતુ ઍટ ધી એન્ડ વાળ ફ્રીઝી થઈ જવાની શક્યતા વધુ છે. જોકે વાળને તો કોઈ પણ પ્રકારની કલર ડૅમેજ કરે જ છે. એ પછીયે કલર કરવો જ હોય તો એનીમિયા અને PDP ફ્રી હોય એ જોવું. જોકે એ પણ નુકસાન તો કરે જ છે, પણ થોડુંક ઓછું. ગ્રે હેર ઉંમર સાથે આવ્યા હોય તો એને ગર્વપૂર્વક ઍક્સેપ્ટ કરવા એ સાચો રસ્તો છે. પહેલાં પચાસેક પછી હાડકાં નબળાં પડતાં, હવે ત્રીસ પછી જ શરૂ થઈ જાય છે. વાળ પણ ઘણા મોડા સફેદ થતા, પરંતુ હવેની જનરેશનના વાળ પચીસેકની ઉંમરથી જ થોડા-થોડા સફેદ થવા લાગે છે. ક્યારેક કંઈક ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીથી કે થાઇરૉઇડને કારણે સાવ નાના બાળકના બાળપણમાં જ સફેદ થઈ જાય. હેરિડિટરી પણ હોય. પરંતુ એવું જરૂરી નથી કે મારી મમ્મીના વાળ પચાસ વર્ષે સફેદ થયા તો મારા પણ એટલાં વર્ષે જ થાય. મારી લાઇફસ્ટાઇલ ખરાબ હશે તો મને બહુ વહેલા પણ ગ્રે આવી જશે. એટલા માટે જ તમારે પ્રૉપર એક્સપર્ટ પાસે જઈને સ્કિન અને વાળનું ડાયગ્નૉસિસ કરાવ્યા પછી જ કોઈ પણ પ્રોડક્ટ વાપરવી જોઈએ. ધારો કે વાત સ્કિનની છે તો પહેલાં ઍનૅલિસિસ કરાવો કે તમે શું ઇચ્છો છો? ઓપન પોર્સનો પ્રૉબ્લેમ છે કે રિન્કલ-વિષયક ચિંતા છે, તમારી ટ્રીટમેન્ટ પણ એ જ રીતે જુદી-જુદી થશે. તમારી સ્કિન પચાસ વર્ષે કેવી હશે એનો આધાર તમે વીસ વર્ષે શું કરો છો એના પર છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2024 01:50 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK