Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ગૉર્જિયસ લુક વિથ ગજરા

Published : 07 January, 2025 03:39 PM | IST | Mumbai
Rajul Bhanushali

માત્ર લગ્નપ્રસંગોમાં જ નહીં, રોજિંદા જીવનના નાના-મોટા પ્રસંગો અને મેળાવડાઓમાં પણ હવે ગજરા લગાવવાનો ટ્રેન્ડ પાછો મહેક્યો છે. રોજબરોજના ગજરામાં મોગરો અને ટગરનાં ફૂલોની જબરી બોલબાલા છે ત્યારે કેવા આઉટફિટ સાથે ગજરા પૅર કરવા એની સ્ટાઇલિંગ ટિપ્સ જાણી લો

ગૉર્જિયસ લુક વિથ ગજરા

ગૉર્જિયસ લુક વિથ ગજરા


ગજરા લગાવવાનું ચલણ પાછું આવ્યું છે. પ્રસંગોપાત્ત તો બહેનો ગજરા લગાવતી જ હતી, પણ હમણાંથી રોજબરોજના જીવનમાં પણ ગજરા લગાવવાનું ચલણ વધ્યું છે. ક્યાંક પાર્ટીમાં જતી હોય, કોઈકના બર્થ-ડેમાં કે કોઈક પરિચિતના ઘરે જતી હોય ત્યારે પણ બહેનો ગજરા લગાવતી થઈ ગઈ છે. ગજરા લગાવવાની સ્ટાઇલમાં પણ ફૅશનનો પવન ફૂંકાયો છે. ગજરા આઉટફિટ સાથે કઈ રીતે પેર કરવા એ પણ એક સ્ટાઇલ છે. એ જો સમજી લેવાય તો એક સરસ લુક ક્રીએટ કરી શકાય છે. 


અંધેરીમાં સૅલોં ધરાવતાં બ્યુટી-એક્સપર્ટ હેતલ મહેતા કહે છે, ‘સાડી હોય કે શરારા, ચણિયાચોળી હોય કે અનારકલી અને ચૂડીદાર; ગજરા દરેક ઇન્ડિયન આઉટફિટમાં શોભી ઊઠે છે. અંબોડો વાળ્યો હોય કે ચોટલો કે પછી છૂટા વાળ રાખવાના હોય, ગજરા દરેક પ્રકારની હેરસ્ટાઇલમાં સુંદર લાગે છે. આ ટ્રેન્ડ ક્યારેય આઉટ ઑફ ફૅશન થયો નથી. આ આપણી પરંપરાગત શણગારની પદ્ધતિ છે અને એ ક્યારેય આઉટ ઑફ ફૅશન થશે પણ નહીં. ગજરાની પોતાની પણ ઘણી વરાઇટી છે. મોગરાના અને ટગરના સફેદ ગજરા એવરગ્રીન છે. આઉટફિટમાં જે રંગ હોય એનો શેડ જોઈએ તો એવા લાઇટ શેડના સ્પ્રેવાળા ગજરા પણ આવે છે. તમારું આઉટ​ફિટ ગમે એ કલરનું હોય – લાલ, પીળું, લીલું કે લીલું - ગજરા દરેક રંગ સાથે સુંદર લાગે છે. સાડી સિલ્ક હોય, ટિશ્યુ હોય કે પછી કાંજીવરમ કે કૉટન હોય; દરેક પ્રકારની સાડીઓ સાથે ગજરા પેર કરવાથી સુંદર લાગશે.’




બેઝિક બાબતોનું ધ્યાન

ગજરાવાળા લુકમાં તૈયાર થતી વખતે થોડીક બેઝિક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે એ વિશે હેતલ મહેતા કહે છે, ‘જો તમે અંબોડો બનાવો છો તો એમાં રિયલ હેરના સ્ટફિંગ કે પછી ડોનટ યુઝ કરવા જોઈએ જેથી ગજરા પ્રૉપરલી પિન થઈ શકે. આ રીતે અંબોડાનું વૉલ્યુમ પણ વધે છે અને રિયલ હેરને કારણે હેવી પણ નથી લાગતું. ગજરામાં વજન હોય, સ્ટફિંગ નહીં હોય તો અડધોએક કલાકમાં વજનને કારણે અંબોડો લૂઝ થઈ જાય અને ગજરા નીકળવા લાગે એવી શક્યતા રહેલી છે. એવું જ અન્ય હેરસ્ટાઇલમાં પણ થઈ શકે છે. બીજું, મોગરાના ગજરા લેવા કરતાં કળીના ગજરા લેવા જોઈએ. કળીના ગજરા આગલા દિવસે લાવી રાખીએ તો એ ફ્રિજમાં જ મૂકવાના. ફ્રિજમાં મૂક્યા હોય તો સવાર સુધી કળી સહેજ જ ખૂલે. એટલે બીજા દિવસે સાંજ સુધી ફ્રેશ રહે. મોગરો પહેલેથી જ જો ખૂલેલો હોય તો બે-ત્રણ કલાકમાં કરમાવાનું શરૂ થઈ જાય છે અને એનો કલર ચેન્જ થઈ જાય છે. બીજું, મોગરા સીઝનલ છે. ટગરના ગજરા બારેમાસ મળે છે અને એ દેખાવમાં પણ સરસ લાગે છે. આખા દિવસનું ફંક્શન હોય તો છેક સાંજ સુધી ફ્રેશ રહે છે એટલે એ વાપરવા વધુ હિતાવહ છે.’


મેંદી અને હલ્દી સેરેમનીમાં ગજરા

આજકાલ બે-ત્રણ દિવસનાં લગ્ન હોય છે. એમાં એકાદ પ્રસંગમાં તો ગજરા લુક લેવાય જ છે. ખાસ તો મેંદી કે પછી હલ્દી સેરેમનીમાં બ્રાઇડ પણ ગજરા પ્રિફર કરે છે. આ ઉપરાંત પાર્ટીમાં જવું હોય તો લૂઝ મેસી બન કરીને એક નાનકડો ગજરો નાખ્યો હોય તો સરસ લુક આવશે. આ લુક સાડી કે ચૂડીદાર જેવા આઉટફિટમાં પણ લઈ શકાય છે. છૂટા વાળ રાખ્યા હોય તો વન સાઇડ પિન કરીને અથવા તો અગાઉ આપણે કરતા એમ ચમન ચોટી કરીને વચ્ચે ગજરો લગાવવાનો પણ ટ્રેન્ડ છે. ટૂંકમાં, કોઈ પણ સ્ટાઇલનું આઉટફિટ હોય અને ગમે એ રંગનું કે મટીરિયલનું હોય, એની સાથે ગજરા પહેરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2025 03:39 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK