છેલ્લા કેટલાય સમયથી બ્યુટી, સ્ટાઇલિંગ, વેબ-સિરીઝમાં ચડેલો કોરિયન ફીવર જાણે ઊતરવાનું નામ જ નથી લેતો. એમાંય હમણાં તો જ્વેલરીમાં પણ કોરિયન ઇઅરરિંગ્સની લોકપ્રિયતા વધી રહી છે. આ નવા ટ્રેન્ડમાં શું હૉટ ફેવરિટ છે એ વિશે જાણીએ નિષ્ણાત પાસેથી
કોરિયન ઇઅરરિંગ્સ
આજકાલ ઇમિટેશન જ્વેલરીથી લઈને સ્ટ્રીટ શૉપિંગમાં તમે જ્યાં નજર કરશો કોરિયન જ્વેલરીનો રીતસરનો દબદબો જોવા મળશે. ડેલિકેટ પર્લ, ડાયમન્ડ અને સ્ટડ્સનું પ્રાધાન્ય ધરાવતી આ ઍક્સેસરીઝ ભારતીય યુવતીઓના મન શા માટે મોહી રહી છે એ વિશે થોડું જાણીએ.
કોરિયન ઇઅરરિંગ્સમાં સૌથી યુનિક કન્સેપ્ટ ચેરી ડ્રૉપ ઇઅરરિંગ્સનો છે. આ ખાસ પ્રકારનાં ઇઅરરિંગ્સમાં ચેરીના આકારનાં ઇઅરરિંગ્સ કાનની પાછળ રહે છે અને એને આગળથી બંધ કરવાનું હોય છે. કોઈ જુએ તો એવું જ લાગે જાણે કાનમાં ચેરી પહેરી છે. રિયલિસ્ટિક દેખાતી આ ઇઅરરિંગ્સ વેસ્ટર્ન આઉટફિટ પર તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને વધુ એન્હૅન્સ કરશે. ખાસ કરીને ગાઉન અને વન-પીસ પર એ વધુ સૂટ થાય છે. કોઈ યુવતીની હાઇટ ઓછી હોય અને ગાઉનની સાથે તે ચેરી ડ્રૉપ પહેરે તો તેની હાઇટ વધુ હોવાનું ઇલ્યુઝન ઊભું કરી શકાય.
ADVERTISEMENT
ફ્લોરલ ઇઅરરિંગ્સ
કોરિયન જ્વેલેરીમાં સૌથી ડેલિકેટ અને નાજુક નમણી ફ્લોરલ ડિઝાઇનનાં ઇઅરરિંગ્સ પણ બહુ યુનિક અને એલિગન્ટ લાગે છે. ડાયમન્ડ અને નાનાં ફૂલની ડિઝાઇનનું કૉમ્બિનેશન ઇઅરરિંગ્સના લુકને વધુ ડેલિકેટ બનાવે છે. યુવતીઓ ડેઇલી વેઅરમાં આવાં ઇઅરરિંગ્સ પહેરી શકે. ડાયમન્ડ અને ફૂલ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને વાઇબ આપે છે તેથી તમે કૉમન ઇઅરરિંગ્સ તરીકે જ્વેલેરી બૉક્સમાં આ કોરિયન ઇઅરરિંગ્સને ઍડ કરી શકો. જેને ઍન્ટિક ચીજો વધુ પસંદ હોય તેમને ગોલ્ડન ફ્લોરલ ઇઅરરિંગ્સ ગમશે. લાલ સાડી પર અથવા ગાઉન પર આ પ્રકારનાં ઇઅરરિંગ્સ પર્ફેક્ટ મૅચ થશે. જે યુવતીઓને મિનિમલ પણ રિચ લુક જોઈતો હોય તો આ પ્રકારનાં ડેલિકેટ ઇઅરરિંગ્સ સાડી અને ગાઉન પર એલિગન્ટ લુક આપશે.
પર્લ ડ્રૉપ્સ હૉટ ફેવરિટ
કોરિયન જ્વેલેરીમાં પર્લ અને ગોલ્ડ મેટલનું કૉમ્બિનેશન ક્લાસિક માનવામાં આવે છે. અહીં પણ આવાં ઇઅરરિંગ્સને યુવતીઓ બહુ પસંદ કરી રહી છે. સિમ્પલ અને સોબર લુક જોઈતો હોય તો આવાં ઇઅરરિંગ્સને બેસ્ટ ચૉઇસ માનવામાં આવે છે. આ ઉપરાંત પર્લ કાનની બૂટમાં અને લોટસ એની ઉપર વીંટળાયેલું હોય એવા લુકનાં ઇઅરરિંગસ ક્યાંય જોયાં નહીં હોય. ઇઅરરિંગ્સમાં લોટસ બંધ કમળ હોય એવો લુક આપે છે. યુનિકનેસની વાત કરીએ તો લોટસ અને પર્લના યુનિક કન્સેપ્ટવાળાં ઇઅરરિંગ્સ ખરેખર તમારા લુકને યુનિક બનાવશે.
યુનિક પાર્ટીવેઅર
યુનિક પાર્ટીવેઅરમાં કોરિયન ઇઅરરિંગ્સમાં ઘણા ઑપ્શન્સ ઉપલબ્ધ છે. લાંબા ડાયમન્ડવાળા લટકણમાં ઝીણા લોટસવાળી ડિઝાઇન તમારા લુકને રિચ ફીલ આપશે. ડેટ પર જવું હોય કે પાર્ટીમાં જવું હોય તો પિન્ક ગાઉન કે વન-પીસ પર આવાં યુનિક ઇઅરરિંગને પહેરી શકાય. આ ઉપરાંત પેસ્ટલ કલર્સનાં થ્રી-ડી કોરિયન ઇઅરરિંગ્સ પણ ફૅશનમાં ઇનથિંગ છે.
શા માટે ટ્રેન્ડમાં છે?
મુલુંડની જલારામ બાપ્પા માર્કેટમાં છેલ્લાં ચાર વર્ષથી ઇમિટેશન જ્વેલેરીનો બિઝનેસ કરતા જ્વેલેરી ડિઝાઇનર મહેશ જયસ્વાલ કોરિયન ઇઅરરિંગ્સની વધતી પૉપ્યુલારિટી વિશે જણાવે છે, ‘વેડિંગ સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે ઇન્ડિયનની સાથે કોરિયન જ્વેલેરીને પણ લોકો બહુ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને કોરિયન ઇઅરરિંગ્સ દેખાવમાં બહુ સિમ્પલ લાગે છે અને એનો પ્લસ પૉઇન્ટ એ છે કે આ ઇઅરરિંગ્સ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને પ્રકારના આઉટફિટ્સ પર સારાં લાગે છે. આ ઉપરાંત એ એલિગન્ટ લુક આપે છે. આપણે ત્યાં અત્યારે મિનિમલિઝમનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં કોરિયન ઇઅરરિંગ કોઈ પણ લુકને મિનિમલ તો બનાવશે જ સાથે તમારા લુકને પણ એન્હૅન્સ કરશે. કોરિયન આભૂષણો બહુ સારી ગુણવત્તાની મેટલમાંથી બનેલાં હોય છે અને એનું પૉલિશિંગ સારું હોવાથી એ ઇન્ડિયન જ્વેલરીની તુલનામાં લાંબો સમય સુધી ટકી શકે છે અને એની શાઇન પણ જળવાઈ રહે છે. કોરિયન જ્વેલેરીના પ્રીમિયમ પૉલિશિંગને કારણે એમાં પાણી લાગવાથી પણ કાળી પડતી નથી એટલું જ નહીં, આ પૉલિશિંગ એટલું સારું હોય છે કે રિયલ ગોલ્ડ અને કોરિયન જ્વેલરી વચ્ચેનો ભેદ સમજવાનું મુશ્કેલ થઈ જાય છે. તમારી પસંદગી અને બજેટ અનુસાર કોરિયન ઇઅરરિંગ્સ માર્કેટમાં ૨૦૦થી લઈને ૨૦૦૦ રૂપિયા સુધી મળી રહેશે. છેલ્લા કેટલાક મહિનાથી કોરિયન જ્વેલરીની પૉપ્યુલારિટી વધી રહી હોવાથી માર્કેટમાં બનાવટી કોરિયન ઇઅરરિંગ્સનું વેચાણ પણ વધ્યું છે.’