જ્વેલરી પહેરવી ગમતી નથી કે પછી બહુ ભપકાદાર દેખાવ પસંદ નથી તો ટ્રાય કરો
ઇન્વિઝિબલ જ્વેલરી
યુવતીઓ માટે તૈયાર થવું એટલે સરસ કપડાં પહેરવાં અને સોળ શણગાર સજવા. તહેવાર હોય કે લગ્નપ્રસંગ કે પૂજા, સરસ તૈયાર થઈને ભાગ લેવો એ આપણી પરંપરા છે. જોકે આજની મૉડર્ન યુવતીઓ, ખાસ કરીને યંગ ગર્લ્સ જેઓ સિમ્પલ, સોબર લુક પસંદ કરે છે અને બહુ ભપકાદાર તૈયાર થવું જેમને પસંદ નથી અથવા જેઓ કમ્પલ્સરી ઘરના મોટા કહે એટલે જ્વેલરી કમને પહેરે છે તેમના માટે આવી ગયો છે એક મજેદાર ઑપ્શન; જેમાં જ્વેલરી પહેરેલી હોય છતાં એ બહુ ભપકાદાર દેખાતી પણ નથી અને મનગમતો સોબર લુક આપે છે. નાની છોકરીઓ માટે બનાવવામાં આવતી નાની-નાની ફૅશન જ્વેલરીમાં ઇન્વિઝિબલ જ્વેલરી આઇડિયા વધુ યુઝ થાય છે
મિનિમલ અને એલિગન્ટ લુક આપતી આ જ્વેલરી અત્યારે એકદમ ડિમાન્ડમાં છે : ફૅશન જ્વેલરી, સેમી પ્રેશિયસ જ્વેલરી અને ક્યારેક પ્રેશિયસ જ્વેલરીમાં પણ આ સ્ટાઇલની જ્વેલરી બનાવવામાં આવે છે. ઇન્વિઝિબલ જ્વેલરી આઇડિયા મૉડર્ન અને ટ્રેડિશનલ બન્ને પ્રકારની જ્વેલરીમાં યુઝ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સૌથી પહેલાં જાણીએ આ આઇડિયા શું છે અને એ કઈ રીતે શક્ય બને છે.
દોરો છે મિસ્ટર ઇન્ડિયા
ઇન્વિઝિબલ જ્વેલરી આઇડિયામાં એક ન દેખાતા દોરામાં પરોવીને નેકલેસ, બ્રેસલેટ, ઍન્કલેટ, રિંગ વગેરે બનાવવામાં આવે છે. આ આઇડિયામાં મુખ્ય હીરો દોરો છે જે દેખાતો જ નથી. માત્ર એમાં પરોવેલા જ્વેલરી-પીસ જ દેખાય છે અને અમેઝિંગ લુક આપે છે. આ જ્વેલરી બનાવવા માટે મોનોફિલામેન્ટ ઇલ્યુઝન કૉર્ડ નામે ઓળખાતો ક્લિયર નાયલૉન થ્રેડ વાપરવામાં આવે છે. બ્રેસલેટ, ઍન્કલેટ કે રિંગ બનાવવા માટે ક્યારેક ઇન્વિઝિબલ ઇલૅસ્ટિક સ્ટ્રિંગ પણ વાપરવામાં આવે છે. ન દેખાતા દોરામાં પરોવેલા પીસને બરાબર જગ્યાએ એકસરખા અંતરે રાખવા ઇન્વિઝિબલ સપોર્ટ રિંગ વાપરવામાં આવે છે. એ પણ દેખાતી નથી. આ ન દેખાતા નાયલૉન દોરામાં પરોવીને બનાવેલી જ્વેલરીમાં દોરો મિસ્ટર ઇન્ડિયા બની જઈને લગભગ દેખાતો નથી અને એકદમ ક્લીન ક્લિયર લુક આપે છે એટલે આજકાલ આ આઇડિયા બહુ હિટ થયો છે.
ન દેખાતો છતાં શોભતો નેકલેસ
ઇન્વિઝિબલ નેકેલેસ સૌથી ટૉપ મોસ્ટ હિટ આઇટમ છે. ગળામાં જ્યારે આ નેકલેસ પહેર્યો હોય ત્યારે માત્ર એમાં પરોવેલું એક પેન્ડન્ટ જ દેખાય છે. એક નાનું મોતી, સ્ટોન સ્ટડ કે કોઈ નાનું બટરફ્લાય, ફ્લાઇંગ બર્ડ, સ્ટાર કે ઈવિલ આઇ જેવાં ટ્રેન્ડિંગ પેન્ડન્ટ કૉલેજિયન ગર્લ્સની પહેલી પસંદ છે. મૉડર્ન લુક માટે વેસ્ટર્ન ડ્રેસ સાથે આ કૉમ્બિનેશન સરસ લાગે છે. ત્રણથી ચાર ઇન્વિઝિબલ સ્ટ્રિંગમાં થોડે-થોડે અંતરે મોતી પરોવેલો સુંદર નેકલેસ પણ સફેદ ગાઉન સાથે એલિગન્ટ લુક આપે છે. એવું નથી કે આ સ્ટાઇલમાં મૉડર્ન પેન્ડન્ટ જ શોભે છે; ટ્રેડિશનલ ડિઝાઇનના કમળ, મોર, હાથી, કેરી, ફૂલ જેવા મોટિફવાળા કુંદન, જડાઉ, મીનાકારી, ટેમ્પલ જેવાં પેન્ડન્ટ પણ સુંદર ઉઠાવ આપે છે. ટ્રેડિશનલ ઇન્વિઝિબલ નેકલેસ એક, ત્રણ કે પાંચ જ્વેલરી-પીસ ઇન્વિઝિબલ થ્રેડમાં પરોવીને બનાવવામાં આવે છે. એક મોટો જ્વેલરી-પીસ સેન્ટરમાં અને આજુબાજુ નાના પીસ ગોઠવીને, પાંચ નાના પીસ એકસાથે અથવા થોડે-થોડે અંતરે પરોવીને, એક મોટા જ્વેલરી મોટિફની આજુબાજુ થોડા અંતરે નાના કુંદન ડ્રૉપ પરોવીને જુદી-જુદી ડિઝાઇન બનાવવામાં આવે છે. આ નેકલેસ સાથે મૅચિંગ જ્વેલરી-પીસમાંથી કાનની બુટ્ટી બનાવવામાં આવે છે.
મૅજિકલ રિંગ
હાથની આંગળીમાં પહેરેલી ઇન્વિઝિબલ રિંગમાં આંગળી પર માત્ર રિંગનો સ્ટોન કે મોતી કે ડાયમન્ડ ચમકે છે અને ઇન્વિઝિબલ થ્રેડ દેખાતો જ નથી એટલે એકદમ યુનિક અને મૅજિકલ લુક આપે છે. બે ડાયમન્ડને પાછળથી અડધી રિંગથી જોડીને પણ ઇન્વિઝિબલ ઇફેક્ટ ક્રીએટ કરવામાં આવે છે. એમાં રિંગ આંગળી પાછળ છુપાઈ જાય છે અને આંગળીની બે બાજુ ડાયમન્ડ કે મોતી દેખાય છે.
ઇન્વિઝિબલ થ્રેડ સાથે સ્વરૉવ્સ્કી વાઇટ કે કલર સ્ટોન અથવા લૅબગ્રોન ડાયમન્ડ જૉઇન્ટ કરી એકદમ મૉડર્ન અને ડિફરન્ટ પ્રેશિયસ અને સેમી પ્રેશિયસ રિંગ્સ બને છે જે એન્ગેજમેન્ટ કે વૅલેન્ટાઇન ગિફ્ટ કે ફર્સ્ટ પ્રપોઝલ ગિફ્ટ તરીકે સુંદર ઑપ્શન છે.
બેનમૂન બ્રેસલેટ
ઇન્વિઝિબલ થ્રેડ કે ઇન્વિઝિબલ ઇલૅસ્ટિક સ્ટ્રિંગ સાથે મોતી કે અન્ય જ્વેલરી-પીસ પરોવીને હાથમાં પહેરવાનાં બ્રેસલેટ બનાવવામાં આવે છે. એક મોતી કે સ્ટોન કે જ્વેલરી-પીસ અથવા થોડા-થોડા અંતરે જ્વેલરી-પીસ કે મોતી કે સ્ટોન સ્ટડ પરોવીને અથવા એકસરખાં મોતી પરોવીને જુદી-જુદી ડિઝાઇનનાં બ્રેસલેટ બનાવવામાં આવે છે. એમાં ન દેખાતી કડી સાથે સુંદર લટકતાં ચાર્મ્સ પણ પરોવી શકાય છે. નાની છોકરીઓ માટે રંગીન મોતી પરોવેલાં કે નામના આલ્ફાબેટ લખેલાં બ્રેસલેટ પણ ઇન્વિઝિબલ સ્ટ્રિંગમાં બનાવવામાં આવે છે.
અનોખાં ઍન્કલેટ
પગમાં પહેરવા માટે પણ ઇન્વિઝિબલ સ્ટ્રિંગમાં મોતી કે સિલ્વર કે ઑક્સિડાઇઝ્ડ પીસ કે લટકતાં ચાર્મ્સ કે રંગીન મોતી પરોવીને ઍન્કલેટ બનાવવામાં આવે છે. મૉડર્ન છોકરીઓ વેસ્ટર્ન આઉટફિટ સાથે એક પગમાં પહેરવાનું પસંદ કરે છે.
હૅન્ડમેડ કિટ
ઇન્વિઝિબલ જ્વેલરી તમે જાતે ઘરે પણ બનાવી શકો છો. ઇન્વિઝિબલ થ્રેડ ઘરમાં હોય એમાંથી કોઈ પણ જ્વેલરી-પીસ કે મોતી પરોવીને જ્વેલરી બનાવી શકાય છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર એ માટેના ઘણા વિડિયો છે એ જોઈને શીખી શકાય છે. આ જ્વેલરી બનાવવા માટે બધાં સાધનોવાળી જ્વેલરી-કિટ પણ ઑનલાઇન મળે છે, જેનો ઉપયોગ કરી આસાનીથી ઘરે ઇન્વિઝિબલ જ્વેલરી બનાવી શકાય છે.
ઇન્વિઝિબલ સપોર્ટ આઇટમ્સ
આ ઇન્વિઝિબલ થ્રેડ અને ઇલૅસ્ટિક સ્ટ્રિંગમાંથી કાનમાં પહેરાતી હેવી બુટ્ટીઓને સપોર્ટ આપવા ઇન્વિઝિબલ કાનની ચેઇન મળે છે જેને હેવી બુટ્ટી સાથે પહેરવાથી એ દેખાતી નથી પણ કાનની બૂટ પર હેવી ફૅશનેબલ બુટ્ટીનું વજન ઓછું આવે એમાં મદદ કરીને સપોર્ટ આપે છે અને દેખાતી ન હોવાથી લુક પર કોઈ અસર થતી નથી.
કાનમાં કાણાં ન હોય તેઓ ઇન્વિઝિબલ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકમાંથી બનેલી યુ શેપ રિંગની મદદથી કોઈ પણ બુટ્ટી પહેરી શકે છે.