બાંધણી પ્રિન્ટનું શર્ટ અને લાઇટ બ્લુ કલરના જીન્સમાં કરીના કપૂરનો ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ફ્યુઝનનો લુક લોકોને ખૂબ પસંદ પડ્યો છે
કરીના કપૂર
બાંધણી પ્રિન્ટનું શર્ટ અને લાઇટ બ્લુ કલરના જીન્સમાં કરીના કપૂરનો ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ફ્યુઝનનો લુક લોકોને ખૂબ પસંદ પડ્યો છે. આજકાલ મૉડર્ન આઉટફિટ પર ઇન્ડિયન ટ્રેડિશનલ પ્રિન્ટ્સ અથવા તો દેશી હાથવણાટના કાપડમાંથી બનાવાયેલા વેસ્ટર્ન આઉટફિટ પહેરવાનો ટ્રેન્ડ પ્રચલિત છે
તાજેતરમાં જ એક ઇવેન્ટમાં અભિનેત્રી કરીના કપૂર બાંધણી પ્રિન્ટના પર્પલ શર્ટમાં જોવા મળી હતી, જેને તેણે લાઇટ બ્લુ જીન્સ સાથે પહેર્યું હતું. કરીનાના આ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ફ્યુઝન લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આનું કારણ છે કે ઇન્ડિયન પ્રિન્ટને જ્યારે મૉડર્ન આઉટફિટમાં યુઝ કરવામાં આવે ત્યારે એ કઈ રીતે ફૅશનેબલ ઇફેક્ટ આપી શકે છે એ લોકોને સમજાઈ રહ્યું છે.
ADVERTISEMENT
બાંધણી સિવાય બીજી એવી કઈ ઇન્ડિયન ટ્રેડિશનલ પ્રિન્ટ્સ ટ્રેન્ડમાં છે અને એને કયા પ્રકારના વેસ્ટર્ન આઉટફિટ પર યુઝ કરવામાં આવી રહી છે એ વિશે માહિતી આપતાં ફૅશન-ડિઝાઇનર કવિતા સંઘવી કહે છે, ‘અજરખ, કલમકારી, ઇક્કત જેવી પ્રિન્ટ્સ લોકો ખૂબ પસંદ કરે છે. જૅકેટ, વનપીસ, કો-ઑર્ડ સેટ, ટૉપ-પૅન્ટ, બીચવેઅર આ બધા જ મૉડર્ન આઉટફિટ આપણી ટ્રેડિશનલ પ્રિન્ટ્સમાં મળે છે.’
ફક્ત ટ્રેડિશનલ પ્રિન્ટ્સ જ નહીં, ટ્રેડિશનલ હાથવણાટના કાપડમાંથી પણ બનેલા મૉડર્ન આઉટફિટ પહેરવાનો ટ્રેન્ડ છે. એ વિશે વાત કરતાં ફૅશન ડિઝાઇનર કવિતા સંઘવી કહે છે, ‘ઘણી સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુઅન્સર્સ કે બિઝનેસ ઑન્ટરપ્રનર્સ એવી ઇવેન્ટમાં જ્યાં તેમને પોતાનું કલ્ચર રીપ્રેઝન્ટ કરવું હોય અથવા તો ભીડથી અલગ દેખાવા માટે કાંજીવરમ, બનારસી, ફૂલકારી કપડામાંથી બનેલાં પૅન્ટ-સૂટ પહેરતા હોય છે. તેમના આઉટફિટ જોઈને સામાન્ય લોકો પણ એ અપનાવતા હોય છે. એવી ઘણી મહિલાઓ છે જે તેમના વૉર્ડરોબમાં પડેલી બનારસી, કાંજીવરમની સાડીમાંથી પૅન્ટ સૂટ કે પાર્ટીવેઅર બનાવડાવતી હોય છે.’
આ પ્રકારના આઉટફિટ જનરલી કયા ઓકેઝન પર લોકો પહેરતા હોય છે એ સમજાવતાં કવિતા સંઘવી કહે છે, ‘તમારે એવી કોઈ ઇવેન્ટ કે જગ્યા પર જવાનું હોય જ્યાં તમે ઇચ્છો કે હું સૌથી હટકે દેખાઉં કે લોકોનું ધ્યાન મારા તરફ રહે તો એવી ઇવેન્ટમાં તમે આ પહેરી શકો છો. કોઈ ઇવેન્ટમાં જનરલી તમે અજરખ પ્રિન્ટની સાડી કે ડ્રેસ પહેરીને જશો તો કોઈ નોટિસ નહીં કરે, કારણ કે એ ખૂબ કૉમન થઈ ગયું છે. એની જગ્યાએ ક્રૉપ ટૉપ અને નીચે અજરખ પ્રિન્ટનું સ્કર્ટ પહેરો કે પછી અજરખ પ્રિન્ટનો ગાઉન પહેરો તો એ વધુ સ્ટાઇલિશ લાગે.’

