પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણથી લઈને અનન્યા પાન્ડે સુધીની અભિનેત્રીઓ રોજ મેકઅપ કરતાં પહેલાં સ્કિન-આઇસિંગનો રૂલ ફૉલો કરે છે. આ કન્સેપ્ટ વર્ષોજૂનો છે અને એનાથી અઢળક ફાયદા થાય છે, પણ જો એમાંય ધ્યાનન રાખવામાં આવે તો આઇસ-બર્ન થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
એક બરફનો ટુકડો ચહેરા પર ઘસવાથી ત્વચાને અઢળક ફાયદાઓ થાય છે એ વાત તો વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. અત્યારે ઘરગથ્થુ નુસખાનું ચલણ વધી રહ્યું છે ત્યારે અભિનેત્રીઓ પણ આ જૂના, જાણીતા અને અકસીર સ્કિનકૅર હૅક્સને પ્રમોટ કરતી હોય છે. તાજેતરમાં હૉલીવુડ અભિનેત્રી અને બૉલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે તે ચહેરા પર નિયમિત બરફ ઘસે છે. ખાસ કરીને ૩૫ વર્ષથી મોટી વય પછી ત્વચાને ટાઇટ રાખવા માટે, ત્વચાનાં છિદ્રોને ક્લોઝ કરવા માટે બરફનો ઉપયોગ ખૂબ વખણાયો છે. આઇસથી સ્કિન-ટાઇટનિંગની સાથે ઑઇલીનેસ, સ્વેલિંગ અને ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
શું છે સ્કિન-આઇસિંગ?
ADVERTISEMENT
સ્કિન-આઇસિંગને મૉડર્ન એજમાં ક્રાયોથેરપી પણ કહે છે. એનો ઉપયોગ મુખ્યત્વે સ્પા અને સ્કિન ટ્રીટમેન્ટ માટે કરાય છે. એને આઇસ ફેશ્યલ પણ કહેવાય છે. એમાં રહેલું વેપોરાઇઝ્ડ નાઇટ્રોજન ચહેરા, સ્કૅલ્પ અને ગળાની ડૅમેજ્ડ સ્કિનને ટ્રીટ કરે છે. ચહેરા પર બરફ ઘસવાથી એ ચહેરાના સ્નાયુને મેઇન્ટેન રાખે છે અને ગ્લો વધારે છે. આઇસિંગને ત્રણ પ્રકારે યુઝ કરી શકાય છે. આઇસ રોલરમાં પાણી ભરીને ફ્રિજમાં જમાવી દઈને એને ચહેરા પર ઘસી શકાય છે. આ ઉપરાંત રૂમાલમાં બરફનો ટુકડો લઈને ચહેરા પર ઘસાય છે અથવા બરફવાળા પાણીમાં મોં ડુબાડીને પણ સ્કિન-આઇસિંગ થાય છે.
નક્કી થશે ફાયદો
બરફ ઘસતી વખતે ચહેરાના દરેક ભાગમાં જેમ કે કપાળ, ગાલ, અપર લિપ્સ, દાઢી અને નાક પર વ્યવસ્થિત ઘસવું જોઈએ. એનાથી બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે. આ ઉપરાંત ચહેરા પર જો સ્વેલિંગ કે ઇન્ફ્લમેશન એટલે કે સોજાની સમસ્યા હોય તો બરફ ઘસવાથી રાહત મળે છે. ઓપન પોર્સ હોય તેમના માટે પણ સ્કિન-આઇસિંગ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો દૂધ, ઍલોવેરા જેલ, ગ્રીન ટી, હળદર અને કૉફીને અલગ-અલગ રીતે ફ્રીઝ કરીને સ્કિન-આઇસિંગ કરે છે અને એ પણ ત્વચાને સારાં પરિણામો આપે છે.
રાખો આટલું ધ્યાન
સ્કિન-આઇસિંગ કરતાં પહેલાં ફેસ વૉશ કરવો મસ્ટ છે જેથી ચહેરા પર રહેલો કચરો નીકળી જાય.
સ્કિન-આઇસિંગ બાદ ચહેરાને હાઇડ્રેટેડ રાખવા મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે.
બરફના નાના ત્રણ-ચાર ટુકડા લઈને વધુમાં વધુ ત્રણથી ચાર મિનિટ સુધી ચહેરા પર બરફ ઘસવો. એને ધીમે-ધીમે ગોળ-ગોળ ફેરવીને ચહેરા પર મસાજ કરવો.
મેકઅપ કરવાની ૧૦ મિનિટ પહેલાં ચહેરા પર બરફ ઘસવો. એનાથી ચહેરા પર ઓપન પોર્સની સમસ્યા દૂર થશે.
બરફને સીધો ત્વચા પર ઘસવાને બદલે કૉટનના રૂમાલમાં લઈને ઘસવું જોઈએ.
જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો બરફ ઘસવાનું ટાળવું જોઈએ, નહીં તો સ્કિન-બર્ન અથવા રેડનેસ થશે.