ચહેરા પર ખાસ ગ્લો મેળવવા માટે દીપિકા પાદુકોણે ત્રણ મહિના સુધી રોજ સવારે આ જૂસ પીધો હતો એવું તેની જૂની ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. ત્યારથી એની રેસિપી અનેક કન્ટેન્ટ ક્રીએટર્સે પણ આપી.
ફાઇલ તસવીર
દરેક સ્ત્રીઓને ગ્લોઇંગ સ્કિન જોઈતી હોય છે. બૉલીવુડ ઍક્ટ્રેસની જેમ સુંદર દેખાવા માટે મહિલાઓ ડાયટથી લઈને મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ સુધી બધું જ ટ્રાય કરતી હોય છે. તેમ છતાં ઘણી વાર બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા છતાં એ ગ્લો મળતો નથી. કેમિકલવાળી પ્રોડક્ટ્સ સ્કિનને નુકસાન પણ પહોંચાડી દેતી હોય છે. એવામાં તમે ફક્ત એક જૂસની મદદથી ગ્લોઇંગ ત્વચા મેળવી શકો છો.
હજી થોડા સમય પહેલાં જ દીપિકા પાદુકોણની ચળકતી ત્વચાનું રહસ્ય જાહેર થયું છે. તેની ભૂતપૂર્વ ડાયટિશ્યન શ્વેતા શાહે આ વિશે ફોડ પાડતાં એની રેસિપી પણ શૅર કરી હતી. દીપિકાનાં લગ્ન પહેલાં શ્વેતા તેને મળેલી. એ વખતે દીપિકાને ગ્લોઇંગ સ્કિન અને હેર જોઈતાં હતાં એટલે તેને બીટરૂટ જૂસની એક રેસિપી શૅર કરી હતી. શ્વેતાનું કહેવું છે કે આ જૂસ તેણે ત્રણ મહિના પીધો હતો. એનું શું પરિણામ આવ્યું એ આપણા બધાની સામે હતું.
ADVERTISEMENT
કઈ રીતે ફાયદો કરે છે આ જૂસ?
બીટ ઍન્ટિઑક્સિડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. એ શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે, જે સ્કિન હેલ્થ સુધારીને નૅચરલ ગ્લો આપે છે. બીટના નૅચરલ પિગમન્ટ્સ ત્વચાને બ્રાઇટ કરવાનું કામ કરે છે.
ફુદીનો એની કૂલિંગ પ્રૉપર્ટી માટે વખણાય છે, જે સ્કિન ઇરિટેશનને ઘટાડીને ત્વચાને હેલ્ધી અને ફ્રેશ બનાવે છે.
કોથમીરમાં ડિટૉક્સિફાઇંગ પ્રૉપર્ટીઝ હોય છે, જે સ્કિનને ક્લીન કરીને દાગ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે.
ઔષધીય ગુણો માટે વખણાતા લીમડામાં ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી પ્રૉપર્ટીઝ હોય છે જે ત્વચાની ગંદકીને સાફ કરીને ઍક્નેની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
કઢી પત્તાં વાળની સમસ્યામાંથી છુટકારો આપી વાળનો ગ્રોથ વધારે, એને મજબૂત અને શાઇની બનાવે છે.
જૂસની રેસિપી
થોડાં ફુદીનાનાં પાન, થોડીક કોથમીર, ત્રણથી ચાર કડવાં લીમડાનાં પાન, મુઠ્ઠીભર મીઠો લીમડો, અડધું બીટ ઉપરની બધી જ વસ્તુઓને બ્લેન્ડરમાં નાખીને થોડુંક પાણી ઉમેરીને સરસ તરીકે બ્લેન્ડ કરી લો. એને ગાળીને રોજ સવારે ખાલી પેટે આ જૂસનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં ત્વચામાં ગ્લો દેખાશે.