Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઘરની નકામી વસ્તુઓ કાઢવાની ઇચ્છા નથી થઈ રહી? તો વાંચી જાઓ આ લેખ, એનું મહત્ત્વ સમજાઈ જશે

ઘરની નકામી વસ્તુઓ કાઢવાની ઇચ્છા નથી થઈ રહી? તો વાંચી જાઓ આ લેખ, એનું મહત્ત્વ સમજાઈ જશે

Published : 16 October, 2024 01:52 PM | Modified : 16 October, 2024 02:52 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

દિવાળીને હવે ગણ્યાગાંઠ્યા દિવસો રહ્યા છે ત્યારે ઘરમાં સાફસફાઈનું કામ શરૂ થયું હશે અથવા શરૂ થવાની તૈયારીમાં હશે ત્યારે જાણી લો કે ઘરની સફાઈ કઈ રીતે તમારા મનને પ્રભાવિત કરે છે અને સમયાંતરે સાફસફાઈની આદત પાડવી શું કામ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી નજીક આવી રહી છે ત્યારે લોકો ઝાડુ લઈને ઘરની સફાઈ કરવા લાગી ગયા હશે, પણ શું તમને ખબર છે સાફસફાઈ કરવાથી તન અને મન પર એનો શું પ્રભાવ પડે છે? શા માટે દિવાળીમાં સાફસફાઈનું આટલું મહત્ત્વ છે? સોશ્યલ મીડિયા પર ડીક્લટરિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ડીક્લટર કરવું એટલે નકામી ચીજોનો નિકાલ કરવો એ પછી ઘર હોય કે શરીર. જેમ દિવાળી પહેલાં સાફસફાઈ પાછળનો આપણો હેતુ લક્ષ્મી માતાને આવકારવાનો હોય છે જેથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે એ રીતે તન અને મનને પર પણ આ ડીક્લટરિંગથી પૉઝિટિવ એનર્જીનો સંચાર થાય છે, પ્રગતિના નવા માર્ગો મોકળા થાય છે. ઘર અને ઑફિસની સાથે શરીરને ડીક્લટર કરવાથી થતા ફાયદાઓ વિશે આપણે નિષ્ણાતો પાસેથી જાણીએ.


ડીક્લટરની સાઇકોલૉજી



મુલુંડમાં ખાનગી ક્લિનિકનું સંચાલન કરતાં સાઇકોલૉજિસ્ટ અને હિપ્નોથેરપિસ્ટ ડૉ. સિદ્ધિ મારુ ડીક્લટર પાછળની સાઇકોલૉજી સમજાવતાં કહે છે, ‘તમારાં મન, શરીર અને આત્મા પર નકારાત્મક પ્રભાવ પાડતી ઊર્જાની સાફસફાઈ કરવી એને ડીક્લટરિંગ કહેવાય. જેમ ઘરમાં વેરવિખેર પડેલી ચીજો પૈકી નકામી વસ્તુને કાઢી નાખીને એની યોગ્ય રીતે ગોઠવણ કરવામાં આવે તો આપણને ઘરમાં આપોઆપ સારી વાઇબ આવે છે. આ જ સિસ્ટમ શરીર અને માઇન્ડ પર પણ લાગુ પડે છે. આપણા મગજમાં નકારાત્મક વિચારો સ્ટ્રેસ-લેવલ વધારવાનું કામ કરે છે. એક સર્વેક્ષણ અનુસાર સાફસફાઈ ન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે એવું જાણવા મળ્યું છે અને આ વાત ૧૦૦ ટકા સાચી છે. જો તમારા ઘરમાં બધી ચીજો અસ્તવ્યસ્ત પડેલી હશે તો તમને જે ચીજ જોઈતી હશે એને શોધવામાં સમય લાગશે અને આ દરમિયાન એ ચીજ ન મળવાથી ફ્રસ્ટ્રેશન લેવલ વધે છે અને સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે અને એને કારણે આખા ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય છે. એની અસર આપણા રૂટીનની સાથે આપણી સાથે સંકળાયેલા લોકો પર પણ પડે છે. સંબંધોમાં ખટાશ પેદા થાય છે અને તનાવ વધે છે. એવી જ રીતે ઑફિસમાં પણ જો તમારું ડેસ્ક અસ્તવ્યસ્ત વ્યવસ્થામાં હશે તો એની સીધી અસર તમારી પ્રોડક્ટિવિટી અને પર્ફોર્મન્સ પર થશે. પણ એનાથી વિપરીત જો તમારું ડેસ્ક સાફ અને ઑર્ગેનાસઝ્ડ હશે તો તમારો મૂડ સારો અને એનર્જેટિક રહેશે તો તમને કામ કરવામાં સ્ફૂર્તિ ફીલ થશે અને મગજને તનાવમુક્ત રાખવામાં મદદ કરશે જેથી પર્ફોર્મન્સ પ્રેશર નહીં લાગે. ટૂંકમાં કહું તો નાની-નાની બાબતોને અવગણવાથી ભવિષ્યમાં એનાં ગંભીર પરિણામો આવી શકે છે. તેથી આપણી અંદર અને બહાર ડીક્લટરિંગ બહુ જ જરૂરી છે.’


નેગેટિવ ઇમોશન્સને ડીટૉક્સ કરે

ડીક્લટરિંગ માઇન્ડ અને ઇમોશન્સ માટે કેવી રીતે કામ કરે છે એ વિશે જણાવતાં ડૉ. સિદ્ધિ કહે છે, ‘આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા સાફ હશે અથવા એની સફાઈ કરવામાં આવે તો સકારાત્મક ઊર્જા ફીલ થશે. સફાઈ કર્યા બાદ મગજ રિલૅક્સ ફીલ કરશે. આ સાથે મૂડ પણ સારો રાખશે. અમે જ્યારે થેરપી આપીએ છીએ ત્યારે લોકોને સાફસફાઈ કરવાની સલાહ આપીએ છીએ. એનાથી માઇન્ડફુલનેસ અને રિલૅક્સેશન ફીલ થાય છે. જો આવું ન કરવામાં આવે તો ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીને આવકારે છે જેથી આપણાં ડાયટ, સ્લીપ-શેડ્યુલ અને રૂટીનની સાથે લાઇફસ્ટાઇલને પણ પ્રભાવિત કરે છે. ડીક્લટરિંગ ઇમોશનલ લેવલ પર ડીટૉક્સ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સરળ ભાષામાં કહીએ તો ડીક્લટરિંગ એટલે જતું કરવું. કોઈ વ્યક્તિને કારણે આપણી ભાવનાને ઠેસ પહોંચે તો તરત જ તેના પ્રત્યે ગુસ્સો કે હીન ભાવના આવી જાય છે અને આપણે તેને મનમાં ભરીને બેસીએ છીએ. નકારાત્મક ભાવનાઓને પકડીને રાખવાથી હેવી ફીલ થશે જે આપણા માટે જ નુકસાનકારક છે. નકારાત્મક ઇમોશન્સને મનમાં ભરીને રાખીએ તો સ્ટ્રેસ થાય છે જે સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. તેથી ખોટા વિચારો, ભૂતકાળની કડવી યાદો અને ભવિષ્યને લઈને ચિંતા આ બધી ચીજો ટેન્શન વધારે. વર્તમાનમાં જીવવાનું ભૂલી જઈએ છીએ. તેથી જીવનમાં સુખશાંતિથી જીવવું હોય તો ડીક્લટરિંગ કરવું પડે.’


ઘરની ઊર્જા સારી રાખશે નકામી વસ્તુ કાઢવાનો આઇડિયા

છેલ્લાં ૨૪ વર્ષથી એનર્જી હીલિંગના પ્રોફેશનમાં કાર્યરત ડૉ. વંદના આશર ડીક્લટરિંગ વિશે કહે છે, ‘હેલ્થ-વેલ્થ અને રિલેશન માટે ડીક્લટરિંગ બહુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં જૂની કે તૂટેલી ચીજો રાખવાથી છાશવારે ઘરની શાંતિ ભંગ થતી હોય છે અને આપણાં સારાં ઇમોશન્સ અને એનર્જીને ડિસ્ટ્રૉય કરે છે. એને લીધે પર્સનલ ગ્રોથની સાથે કરીઅર ગ્રોથ પણ થતો નથી. આથી સાફસફાઈ દરમિયાન ડૅમેજ કે જૂની ચીજોના સંગ્રહને બહારનો રસ્તો દેખાડવો હિતાવહ છે. આ સાથે ડીક્લટરિંગ લૉ ઑફ રેઝિસ્ટન્સને ઍક્ટિવેટ કરે છે. રેઝિસ્ટન્સ અટલે અટકાવવું. એ નેગેટિવ એનર્જીને અટકાવીને સકારાત્મકતાને યથાવત્ રાખવાનું કામ કરે છે.’

જરૂરી છે મગજના કચરાની સફાઈ પણ 


‘જબ વી મેટ’ ફિલ્મમાં કરીના કપૂર અને શાહિદ કપૂર જ્યારે પોતાનાં નેગેટિવ ઇમોશન્સને ફ્લશ અને બર્ન કરે છે અને પછી સારું ફીલ કરે છે એવી જ રીતે હકીકતમાં પણ એ મેન્ટલ પીસ માટે કામ કરે છે. 

લાઇફની ઘણી બાબતો એવી હોય છે જેને કોઈ પણ વ્યક્તિ સાથે શૅર કરી શકતા નથી એને કાગળ પર ઉતારવી જોઈએ. જો ખરાબ અનુભવો હોય કે કોઈ વ્યક્તિ માટેની નકારાત્મક ભાવના હોય તો એને એક પ્લેન પેપર પર લખી નાખવા જોઈએ. એને હાથમાં થોડા સમય સુધી પકડીને બધાં જ ઇમોશન્સને પેપરમાં ટ્રાન્સફર કરીને એ પેપરને ફાડી અથવા બાળી નાખવાં જોઈએ. આવી રીતે નકારાત્મક ઇમોશન્સને ડીક્લટર કરવાથી અશાંત મન રિલૅક્સ  થાય છે. 

જેમ ખરાબ અનુભવો થાય છે એમ સારા પણ થાય છે. આખા દિવસમાં ૮૦ ટકા ખરાબ થયા હશે પણ ૨૦ ટકા સારું પણ થયું જ હશે. પણ આપણું માઇન્ડ નકારાત્મક ઊર્જા તરફ જલદી આકર્ષિત થાય છે તેથી સારા અનુભવો કરતાં ખરાબ અનુભવો તરત જ યાદ રહી જાય છે. આવું ન થવા દેવું જોઈએ. દિવસમાં થયેલા સારા અનુભવને ડાયરીમાં લખવા જોઈએ અને વાંચવા જોઈએ જેથી મગજને સકારાત્મક દિશા તરફ વિચારવાની ટેવ પડે. નેગેટિવ ફીલિંગ્સનું ડીક્લટરિંગ કરવા મેડિટેશન બેસ્ટ છે, પણ તમે જો એ ન કરી શકતા હો તો યુટ્યુબમાં ગાઇડેડ મેડિટેશન પણ કરી શકાય.

ઇમોશન્સને પકડી રાખવા કરતાં એને એક્સપ્રેસ કરીને જતું કરવું પણ ડીક્લટરિંગ જ કહેવાય. ઘણી વાર કોઈના પ્રત્યે રોષ હોય કે ગુસ્સો આવે તો તેને ત્યારે જ કહી દેવું, નહીં તો એ અંદરોઅંદર ઘૂંટાયા કરશે.

ઘરનું ડીક્લટરિંગ કરવાની ટિપ્સ

જો તમે સાફસફાઈ નથી કરતા તો દિવસમાં પાંચ મિનિટ સાફસફાઈ માટે કાઢવી જોઈએ. નકામી ચીજો માટે એક બૅગ રાખો અને રોજ પાંચ મિનિટ દરમિયાન કરેલી સફાઈ દરમિયાન નીકળેલી ચીજોને એમાં જમા કરવાનું શરૂ કરો.

દરરોજ સવારે દિવસનું પ્લાનિંગ કરવું અને એ દરમિયાન કઈ જગ્યાની સફાઈ કરવી છે એનો વિચાર કરી લેવો જેથી ક્યાંથી શરૂ કરવું એની ગૂંચવણ ન રહે.

સાફસફાઈની શરૂઆત બેડરૂમ અને બાથરૂમથી કરવી, કારણ કે આ બન્ને જગ્યા તમારી પર્સનલ સ્પેસ હોય છે તેથી ઑર્ગેનાઇઝ્ડ હોવી જરૂરી છે. બેડરૂમ ઑર્ગેનાઇઝ્ડ હશે તો મૂડ સારો રહેશે અને બાથરૂમમાં ક્રીએટિવ વિચારો આવશે. પછી કિચન અને લિવિંગ રૂમની વારાફરતી સફાઈ કરવી.

તમને લાગે છે કે આ ચીજ હવે મારા કામની નથી પણ એની સ્થિતિ સારી છે તો એને ફેંકવા કરતાં જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ.

ડીક્લટરિંગ કરતી વખતે ૧૨-૧૨-૧૨નો રૂલ અપનાવો. ૧૨ ચીજ ફેંકવા માટે, ૧૨ ચીજ દાન કરવા માટે અને ૧૨ ચીજ પોતાના રાખો. આ ફૉર્મ્યુલા તમારા વ્યક્તિત્વને વધુ સારું બનાવવા અને વિચારોને ઑર્ગેનાઇઝ રાખવામાં મદદ કરશે. દર બેત્રણ મહિને આ પ્રોસેસને રિપીટ કરવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 02:52 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK