સોશ્યલ મીડિયા પર નિતનવા બ્યુટી-હૅક્સ વાઇરલ થતા હોય છે ત્યારે ફેસ પર મેંદી લગાવવાની વાઇરલ થયેલી રીલ્સને બ્યુટી-હૅક ગણવી કે બ્યુટી-બ્લન્ડર? ચાલો જાણીએ આવા અતરંગી હૅક્સ ત્વચા માટે હિતાવહ છે કે નહીં
પ્રતીકાત્મક તસવીર
હાથમાં લગાવવામાં આવતી મેંદી જો ચહેરા પર મેકઅપ તરીકે લગાવવામાં આવે તો? લગાવ્યા બાદ ચહેરો કેવો દેખાશે એ ઇમેજિન પણ ન કરી શકાય અને માન્યામાં પણ ન આવે એવો આ વિચિત્ર બ્યુટી-હૅક સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. બ્યુટી-ઇન્ફ્લુઅન્સર મેંદીના કોન વડે આંખોમાં આઇ-શૅડો તરીકે અને હોઠ પર લિપસ્ટિકની જેમ મેંદી લગાવે છે અને ફ્રૅન્ક્લડ સ્કિન લાગે એટલે કે ગાલ પર બ્રાઉનિશ સ્પૉટ્સ દેખાય એ રીતે બ્લશને બદલે મેંદીના કોનથી ડૉટ-ડૉટ કરે છે. વિડિયોમાં તે ચહેરા પર લગાવેલી મેંદીને કાઢીને પણ બતાવે છે. એમાં તેના ચહેરા પર મેંદીનો કલર લાગી ગયો હોય છે અને દેખાવમાં પણ એ વિચિત્ર લાગે છે. વિડિયોના કમેન્ટ-બૉક્સમાં આ હૅકને લોકો વખોડી રહ્યા છે ત્યારે નિષ્ણાતોએ મેંદી મેકઅપનો આ ટ્રેન્ડ બ્યુટી-બ્લન્ડર ગણાવ્યો છે.
મેંદી હાથ પર જ સારી લાગે
ADVERTISEMENT
મેંદીનો મુખ્ય ઉપયોગ હાથમાં લગાવવાનો અને માથામાં કલર કરવાનો છે. ક્રીએટિવ કરવાના ચક્કરમાં હાથમાં લગાવવામાં આવતી મેંદીને ચહેરા પર લગાવી શકાય નહીં. ટ્રેન્ડસેટર તરીકે જો કોઈ ઇન્ફ્લુઅન્સર નવી ટિપ્સ, ટ્રિક્સ કે હૅક્સ બનાવીને નવા ટ્રેન્ડ સેટ કરવાની ઇચ્છા રાખે છે ત્યારે સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે એ હૅક્સ લોકોને કેટલી હદે ઉપયોગી સાબિત થશે. નુસખાના નામે કોઈ પણ ચીજને ટ્રેન્ડમાં લાવવી મૂર્ખામી છે. મેંદીને ચહેરા પર લગાવવાથી લુક તો સારો નથી આવતો, પણ એમાં રહેલી સામગ્રી સંવેદનશીલ ત્વચાને હાનિ પહોંચાડે છે. મુંબઈના ડૉક્ટરોનું કહેવું છે કે પ્રાકૃતિક મેંદીનો રંગ લાલાશ પડતો અથવા તો બ્રાઉન કલર થાય છે. એની તાસીર ઠંડી હોવાથી ત્વચાને કૂલિંગ આપવાની સાથે એ વાળના સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. તો પણ એને ચહેરા પર લગાવવાની સલાહ અપાતી નથી. એ હાથ અને પગ પર લગાવી શકાય. માર્કેટમાં મળતા મેંદીના કોનમાં સિલ્વર નાઇટ્રેટ, કાર્માઇન, ક્રોમિયમ અને પી-ફેનિલિનેડિયમીન (PPD) એમ ઘણાં ઍક્ટિવ કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સથી હાથમાં લગાવેલી મેંદીનો રંગ વધુ ડાર્ક થાય છે અને એ વધુ સમય સુધી રહે છે. ખાસ કરીને બ્લૅક હેનામાં PPD કેમિકલનું પ્રમાણ વધુ હોય છે.
સાઇડ ઇફેક્ટ્સથી સાવધાન
મેંદીને લીધે ચહેરાની ત્વચાને ઍલર્જી થવાના ચાન્સિસ વધી જાય છે. આ ઉપરાંત સ્કિન બર્ન અને પાણીવાળી ફોલ્લી થવાની પણ શક્યતા વધુ રહેલી હોય છે. જો હાથ પર લગાવવાથી આવું થઈ શકે તો ચહેરાની ત્વચા તો સૌથી વધુ સંવેદનશીલ હોય છે. એ ત્વચાની સાથે આંખોને પણ નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ત્વચા પર રૅશિસ થવા, ફોલ્લી થવી, ડ્રાયનેસ અને બળતરા થવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી આ પ્રકારના વાઇરલ બ્યુટી-હૅક્સનું અનુસરણ ન કરવામાં જ ભલાઈ છે. મેંદી હાથ અને પગ પર લગાવવી સેફ છે, પણ ચહેરાના કોઈ પણ ભાગ પર લગાવવાની સલાહ નિષ્ણાતો આપતા નથી.