ગોલ્ડ, સિલ્વર, બ્રાસ, બ્રૉન્ઝ મેટલના મલ્ટિ ટોનમાં વિવિધ રંગનાં મોતી, સ્ટોન, કુંદન અને મીનાકારી બધું એક જ પીસમાં ગૂંથાય એટલે બની જાય ફ્યુઝન જ્વેલરી; જે તમને એથ્નિક લુકમાં પણ સૂટ થશે અને વેસ્ટર્ન લુકમાં પણ
ફ્યુઝન જ્વેલરી ટ્રેડિશનલ ભી, મૉડર્ન ભી
કેટલીક જ્વેલરી જોતાં જ મન મોહી ઊઠે ભલે એ સોના-ચાંદીની ન હોય. ફ્યુઝન જ્વેલરીમાં એ ખાસિયત હોય છે. ગોલ્ડ, સિલ્વર, બ્રૉન્ઝ, બ્રાસ મેટલના મલ્ટિ ટોન અને એમાં સફેદ મોતી, રંગીન મોતી, પાચીકામ કુંદન, મીનાકારી કુંદન વગેરે એકસાથે એક જ જ્વેલરી પીસમાં ગુંથાય એટલે બની જાય સ્ટાઇલિશ દાગીનો.
એક નવા ફ્રેશ ફૅશન ટ્વિસ્ટ સાથે બનાવવામાં આવતી આ ફ્યુઝન જ્વેલરી ડિઝાઇનમાં બહુ બધા ટોન અને ટેક્સ્ચરનું મિક્સ એકદમ સ્માર્ટ્લી કરવામાં આવે છે. જુદા-જુદા નાના-નાના પીસને એકસાથે જોડીને એક સરસ જ્વેલરી પીસ બનાવવામાં આવે છે. મિક્સ ઍન્ડ મૅચના રૂલને ફૉલો કરીને એકદમ સુંદર ડિઝાઇન્સ બનાવવામાં આવે છે.
ADVERTISEMENT
દરેક ફ્યુઝન જ્વેલરી પીસ અનોખો બને છે એટલે બધા એને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ્વેલરી પીસ પહેરનારના વ્યક્તિત્વને અનોખો ઉઠાવ આપે છે અને સામાન્ય અને કૉમન ડિઝાઇન્સનાં ઘરેણાં કરતાં વધુ આકર્ષક લાગે છે. આ પ્રકારના જ્વેલરી પીસ લગ્નથી લઈને કોઈ ફૉર્મલ ઇવેન્ટ, પૂજા કે નાના-મોટા પ્રસંગ, નવરાત્રિ કે દિવાળી પાર્ટી કે પછી કૅઝ્યુઅલ ડે આઉટ કે ગેટ ટુગેધરમાં પહેરી શકાય છે.
ફ્યુઝન મિક્સ જ્વેલરીમાં પર્સનલ ચૉઇસ પ્રમાણે મૉડર્ન ડિઝાઇન સાથે પરંપરાગત જ્વેલરી પીસનું સંયોજન થઈને એકદમ જુદો જ પીસ બને છે. આ ફ્યુઝન જ્વેલરીના ડિઝાઇનિંગમાં અગણિત કૉમ્બિનેશન શક્ય છે એટલે કલ્પના પ્રમાણે અનેક ડિઝાઇન બનાવી શકાય છે.
ગોલ્ડ અને સિલ્વર સાથે ઑક્સિડાઇઝ્ડ ટોનનું કૉમ્બિનેશન પણ રિયલ સિલ્વર અથવા લુક અલાઇક બ્રાસ જ્વેલરીમાં બહુ સરસ લાગે છે. સાથે મોઝેરીલા સ્ટોન, બીજા રૉ સ્ટોન, મોતીની ઝૂમકીઓ, પાચીકામ કુંદન, કુંદન મીનાકારી પીસ બધું જ કલાત્મક રીતે જોડવામાં આવે તો એક યુનિક સ્ટેટમેન્ટ પીસ તૈયાર થાય છે.
ઑક્સિડાઇઝ્ડ ટોનના બ્લૅક અને ગ્રે લુક સાથે રંગીન પથ્થર, મીનાકારી, કુંદન અને રંગીન મોતી બહુ સરસ ઉઠાવ આપે છે. રેશમ કે જૂટની દોરી કે મોતીઓની માળા સાથે ગોઠવેલા થોડા જ્વેલરી પીસનું ફ્યુઝન પણ સરસ યુનિક નેકલેસ બનાવે છે.
નામ પ્રમાણે ક્લાસિક સાડી કે થોડી જરી બૉર્ડરવાળા ટ્રેડિશનલ ડ્રેસ કે અનારકલી સાથે આ જ્વેલરી જેટલી સરસ શોભે છે એટલી જ સરસ મૉડર્ન આઉટફિટ સાથે લાગે છે. ફ્યુઝન આઉટફિટ સાથે તો બેસ્ટ કૉમ્બિનેશન સાબિત થાય છે.
ગોલ્ડ ઍન્ડ સિલ્વરનો અનોખો સંગમ
જ્વેલરીમાં પહેલાં ગોલ્ડ અને સિલ્વર એટલે તો વિરુદ્ધ કૉમ્બિનેશન ગણાતું અને ગોલ્ડ જરીવાળા આઉટફિટ સાથે ગોલ્ડ અને સિલ્વર ઇફેક્ટવાળા આઉટફિટ સાથે સિલ્વર જ પહેરવામાં આવે છે. હવે સ્ટાઇલિશ ટ્વિસ્ટ માટે ગોલ્ડ-સિલ્વરનું સાથે કૉમ્બિનેશન કરવામાં આવે છે. બંગડી, ગળાનો હાર, લાંબી ચેઇન સાથે મોટું પેન્ડન્ટ, હાંસડી ડિઝાઇનમાં લાંબું પેન્ડન્ટ, બુટ્ટી, વીંટી બધામાં એ સરસ મૉડર્ન લુક આપે છે.