એનું કારણ કદાચ તમે તમારા વાળની પ્રકૃતિને અનુકૂળ આવે એવી હેર પ્રોડક્ટ્સ નથી વાપરતા એ હોઈ શકે છે. શિયાળામાં દર એકાંતરે દિવસે વાળ ધોવાનું ફિઝિબલ નથી ત્યારે જાણીએ એક્સપર્ટ પાસેથી કે ગ્રીસી હેરથી છુટકારો મેળવવા શું થઈ શકે
પ્રતીકાત્મક તસવીર
હેરવૉશ કર્યાના બીજા દિવસે ગ્રીસી થઈ જતા હોવાથી વાળ મૅનેજ કરવાનું અઘરું થઈ જતું હોય છે. અવનવી હેર પ્રોડક્ટ્સ વાપરવાથી પણ વાળની આ સમસ્યા રહ્યા જ કરતી હોય તો શું કરવું? વધુ વાર વાળ ધોવાથી ડ્રાયનેસ વધી જતી હોય છે એવામાં કરવું તો શું કરવું?
મુલુંડમાં રહેતાં અને છેલ્લાં ૪૨ વર્ષનો અનુભવ ધરાવતાં બ્યુટી એક્સપર્ટ ભારતી શેવાળે આનું સોલ્યુશન આપતાં કહે છે, ‘જેના વાળ ગ્રીસી હોય એટલે કે વાળ ધોયાના એક દિવસ બાદ તરત એમાં ઑઇલીનેસ આવી જતી હોય એ લોકોએ સલ્ફેટ-ફ્રી શૅમ્પૂ વાપરવા ન જોઈએ. શિયાળામાં આ સમસ્યા વધતી હોય છે. સ્કૅલ્પમાં પ્રોડ્યુસ થતા ઑઇલને દૂર કરવા માટે ઘણી વાર જરૂર કરતાં વધુ વખત વાળ ધોતા હોઈએ છીએ, પરિણામે વાળ ડૅમેજ થાય છે અને ડૅન્ડ્રફ પણ થાય છે. સૅલિસિલિક ઍસિડ અથવા ચારકોલવાળી પ્રોડક્ટ સ્કૅલ્પનું ડીપ ક્લીનિંગ કરે છે અને ઑઇલીનેસને પણ બૅલૅન્સ કરે છે. વાળની ગ્રીસીનેસને રોકવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. તમે શૅમ્પૂની યોગ્ય પસંદગી કરો. શિયાળાની ઋતુમાં અઠવાડિયામાં બે વાર હેરવૉશ કરવો. પુરુષો તો ડેઇલી હેરવૉશ કરે છે તો ગ્રીસીનેસની સમસ્યા તેમના કરતાં મહિલાઓમાં વધુ જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
કન્ડિશનર પણ કારણ
ગ્રીસી હેરનું કારણ શૅમ્પૂ ઉપરાંત કન્ડિશનર પણ હોઈ શકે છે એમ જણાવતાં ભારતીબહેન કહે છે, ‘શૅમ્પૂની સાથે કન્ડિશનર પણ તમે કેટલા પ્રમાણમાં વાપરો છો એ પણ મહત્ત્વનું છે. વાળની લેન્ગ્થના હિસાબે કન્ડિશનર વાળમાં જ અપ્લાય કરવું જોઈએ અને એ બરાબર વૉશ ન થાય તો પણ વાળમાં ચીકાશ રહી જાય છે અને વાળ સેટ થતા નથી. તેથી શૅમ્પૂ લગાવો કે કન્ડિશનર અપ્લાય કરો, એને બરાબર ધોવા જરૂરી છે. વાળ મોટા હોય તો 5ml અને નાના હોય તો 3ml કન્ડિશનર લગાવવું હિતાવહ રહેશે.’
સિરમ લગાઓ મગર સંભાલ કે
શૅમ્પૂ અને કન્ડિશનર ઉપરાંત વાળમાં ચીકાશનું કારણ સિરમ પણ હોઈ શકે છે એ વિશે વાત કરતાં ભારતીદીદી જણાવે છે, ‘સિરમ વાળની લેન્ગ્થને વધારવાનું અને એને પ્રદૂષણથી રક્ષણ આપવાનું કામ કરે છે. લોકો સિરમનાં ફંક્શન્સને સમજતા નથી અને આડેધડ સ્કૅલ્પમાં પણ યુઝ કરતા હોય છે, જેને લીધે વાળમાં ગ્રીસીનેસ આવી શકે છે. ઑઇલી સ્કિન હોય તેણે સિરમને આ રીતે યુઝ ન કરવું જોઈએ. વાળની હેલ્થને મેઇન્ટેન રાખવા માટે સિરમ સ્કૅલ્પમાં નહીં પણ વાળમાં લગાવવું જોઈએ.’
ડ્રાય શૅમ્પૂનો પર્યાય અપનાવી શકાય
વાળની ચીકાશથી છુટકારો મેળવવા માટે ડ્રાય શૅમ્પૂનો વિકલ્પ પણ બેસ્ટ માનવામાં આવે છે. ડ્રાય શૅમ્પૂની ઍપ્લિકેશનથી સ્કૅલ્પની ઑઇલીનેસ દૂર થશે અને વાળનું વૉલ્યુમ પણ વધારશે. ડ્રાય શૅમ્પૂને સ્કૅલ્પમાં લગાવીને પાંચ મિનિટ રહેવા દો અને પછી કાંસકો ફેરવીને વાળને સેટ કરી નાખો. એનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરવો, નહીં તો વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ થવાની સંભાવના વધુ થઈ જશે.
એક્સ્ટ્રા કૅર જરૂરી
હેરબ્રશ કે કાંસકાને નિયમિત સાફ ન કરવામાં આવે તો એની ગંદકી વાળને ગ્રીસી બનાવે છે. નવશેકા પાણીમાં થોડું શૅમ્પૂ નાખીને ૧૫ દિવસે એક વાર ધોઈ નાખવા જોઈએ.
વધુપડતું ઑઇલી ફૂડ ખાવાથી સ્કિન અને સ્કૅલ્પ ઑઇલી થઈ જાય છે. ફ્રેશ ફ્રૂટ્સ અને ઑમેગા-3 ફૅટી ઍસિડવાળા ખાદ્યપદાર્થનો ડાયટમાં સમાવેશ કરવો અને ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. એનાથી સિબમ પ્રોડક્શન નિયંત્રણમાં રહેશે અને વાળ ગ્રીસી નહીં થાય.

