દર દિવાળીએ ઘરને પણ પ્રસંગ અનુરૂપ સજાવવા માટે કોઈ મોટા ખર્ચા કરવાની કે રંગરોગાન કરાવવાની જરૂર નથી. નાનાં-નાનાં ઍડ-ઑન્સ કરીને તમે ઘરની સિકલ એવી ચેન્જ કરી નાખી શકશો કે નવા વર્ષે ઘરે આવનારા મહેમાનોને થશે કે તમે ઘર રિનોવેટ કરાવ્યું છે કે શું?
વૉલ સ્ટિકર, સાઇડ લૅમ્પ, ફ્લાવર વાઝ ડ્રાય ફ્લાવર્સ સાથે
દિવાળી એટલે જાણે નવી શરૂઆતનો તહેવાર, આપણે ત્યાં દિવાળી એટલે ઘરની સાફસફાઈ, રંગરોગાન, નવાં રિનોવેશન, નવાં ઇન્ટીરિયર ડેકોરેશનની મોસમ. આ દિવાળીમાં ઘરને નવો લુક આપવો છે પણ ટોટલ રિનોવેશન કરવા માટે સમય નથી અને બજેટ પણ નથી તો કોઈ ટેન્શન નથી, આ રહ્યા ઘણાબધા વિકલ્પો જે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં તમારા ઘરને નવીનતમ રીતે શણગારી દેશે.
નવા રૂપરંગ માટે રંગો ઉમેરો
ADVERTISEMENT
આખા ઘરને રંગ ન કરાવો પણ ઘરમાં અને ખાસ કરીને લિવિંગ રૂમમાં ખાસ નવો રંગ ઉમેરો. આ નવા રંગને તમે જુદી-જુદી રીતે જુદા-જુદા એલિમેન્ટથી ઉમેરી શકો છો. તમે સોફાકવર અને કુશનકવરમાં મનગમતા રંગો ઉમેરી શકો છો. સેન્ટર ટેબલ પર ફૅન્સી કલરફુલ મૅટ ગોઠવો કે પછી હૉલમાં ફ્લોર પર નવો ગાલીચો કે ફૅન્સી રંગીન જુદા આકારની ગોળ કે લંબચોરસ કાર્પેટ પાથરો.
ઘરની દીવાલ શણગારો
ઘરની દીવાલોને તમે સુંદર રીતે તમારી પસંદ અને કલ્પના પ્રમાણે શણગારી શકો છો. અઢળક ઑપ્શન્સ મળે છે. તમે હૉલની કોઈ એક વૉલને બ્રાઇટ રંગથી રંગી સ્ટેટમેન્ટ લુક આપી શકો છો. સુંદર મોટું પેઇન્ટિંગ લગાડો. જો પેઇન્ટિંગ લગાડેલું હોય તો એ બદલીને નવું પેઇન્ટિંગ લગાડો અથવા પેઇન્ટિંગનું પ્લેસમેન્ટ બદલો. એકસાથે ત્રણ-ચાર નાનાં પેઇન્ટિંગ્સસ પણ લગાડી શકાય. પૅસેજની વૉલ પર નાના-નાના ફૅમિલી ફોટોનું કોલાજ લગાડો. કોઈ હૅન્ડમેડ આર્ટપીસ લટકાવો. એક મોટો ફૅમિમીલી ફોટોગ્રાફ પણ સરસ લાગે છે. મોટું ડ્રીમ કૅચર લટકાવવાથી પણ સાદી દીવાલ સરસ લાગે છે.
કોઈ એક દીવાલ પર વૉલપેપર, વૉલ સ્ટિકર કે વૉલ પૅનલ સ્ટિક કરી અડધા કલાકમાં નવો લુક આપી શકો છો. વૉલ પર રેડીમેડ મળતી સ્ટૅન્સિલની મદદથી જાતે ડિઝાઇન કરી એક જ દિવસમાં ડિઝાઇનર લુક આપી શકાય છે.
ફર્નિચર ફેરવી નાખો
ફર્નિચર વર્ષોવર્ષ એક જ રીતે ગોઠવેલું રાખ્યું હોય તો થોડી મહેનત કરી વિચારી એ જ ફર્નિચરની જુદી રીતે ગોઠવણી કરો. L શેપ સોફાને સામસામે ગોઠવો, સેન્ટર ટેબલને સાTડ ટેબલ બનાવી દો. બીન બૅગ, રૉકિંગ ચૅર, ફૅન્સી ચૅર અને ટેબલ કે ઇન્ડિયન બેઠક જેવું કંઈક મનગમતું નવું ઉમેરો. નવા યુનિક શેપનું સેન્ટર ટેબલ ગોઠવો. હૉલના ખૂણામાં ફૅન્સી મોટું પ્લાન્ટર ઉમેરો. એમાં પ્લાન્ટ મૂકી સરસ ફેરી લાઇટ પણ લગાવી શકો છો. સાઇડ ટેબલ પર મોટું ફ્લાવર વાઝ રિયલ ફ્લાવર સાથે કે ખોટાં ફૂલો કે ડ્રાય ફ્લાવર સાથે ગોઠવો. સેન્ટર ટેબલ પર સુંદર ડેકોરેટિવ સેન્ટર પીસ મૂકો.
પડદામાં કંઈક નવું
ઘરની બારીઓ પર સુંદર પડદા આખા રૂમનો લુક કમ્પ્લીટ કરે છે. જૂના પડદાના સ્થાને નવા પડદા લગાવો અને જે પડદા છે એ બદલવા ન હોય તો એની સાથે કૉન્ટ્રાસ્ટ કલરના પડદાને ઉમેરો, એકદમ આકર્ષક બદલાવ આવી જશે. ઘરમાં રંગીન પડદા હોય તો એ જ કલરના કે સફેદ સિમ્પલ નેટના પડદા અથવા પડદામાં રફલ્સ ઉમેરો, સરસ લાગશે. ઘરમાં જુદા-જુદા રૂમમાં પડદાની અદલાબદલી પણ કરી શકાય. પડદાને બાંધવા એકદમ ફૅન્સી બ્રાસ પીસ, રેશમ દોરી, ફૅન્સી લટકણ, ક્રિસ્ટલ પીસ જેવા ટાઇ બૅક્સનો ઉપયોગ સરસ લાગે છે.
જૂના ફર્નિચરને નવીન રૂપ
જૂનાં ટેબલ, સાઇડ ટેબલ, શૂ-રૅક વગેરેને નવા શેડનું પૉલિશ કરો અથવા એકદમ નવા જ વાઇબ્રન્ટ રંગથી રંગીને એના પર ડિઝાઇન કે પેઇન્ટિંગ કરી નવો લુક આપી દો. જૂનું ફર્નિચર ધ્યાનાકર્ષક બની જશે. રંગ કરવો શક્ય ન હોય તો એના પર ફૅન્સી ટેબલ ક્લોથ કે મૅટ પાથરો. ફર્નિચરનાં ડ્રૉઅર અને દરવાજા ખોલવાનાં હૅન્ડલ બદલીને નવા ફૅન્સી ગોલ્ડ, સિલ્વર કે ક્રિસ્ટલ નૉબ કે હૅન્ડલ નખાવવાથી ફર્નિચરનો લુક એન્હૅન્સ થઈ જશે. ડ્રેસિંગ ટેબલના મિરરની આજુબાજુ ક્રિસ્ટલ કે ફૅન્સી સ્ટોન વર્ક કે શંખ-છીપલાંનું વર્ક કરો, સરસ લાગશે.
ડાઇનિંગ ટેબલ-ક્લોથ
દિવાળી પાર્ટીમાં ડાઇનિંગ એરિયામાં તો બધા મહેમાન આવે જ એટલે એને પણ નવો લુક આપવો જરૂરી છે. ડાઇનિંગ ટેબલ ન બદલી શકાય, પણ એની ઉપર આખા ટેબલને કવર કરતું નવું ટેબલ-ક્લોથ પાથરી શકાય. ફૅન્સી જૂટ, હેવી સૅટિનની બૉર્ડરવાળી ટેબલ મૅટ અને ટેબલ રનર પણ નવો દેખાવ આપે છે. ડાઇનિંગ ટેબલ માટે ટેબલ ક્લોથ અને ખુરશીઓ માટે મૅચિંગ સીટ કવર મળે છે એ લગાવવાથી એકદમ ઉઠાવ આવે છે. ડાઇનિંગ એરિયાની વૉલ પર નવો વૉલપીસ અને ટેબલ પર નવી ક્રૉકરી પણ આકર્ષક લાગશે.
રોશનીથી રૂપ નિખારો
દિવાળી શુભ રંગો સાથે રોશનીનો તહેવાર છે. દિવાળીમાં ઘરની શોભા વધારવા માટે લાઇટિંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. હૉલમાં વૉલ પર કે સીલિંગમાં ફૅન્સી લૅમ્પ ન હોય તો લગાવો અને લગાવેલા હોય તો એમાં બદલાવ લાવો. હૉલના એક ખૂણામાં ફૅન્સી ફ્લોર સ્ટૅન્ડિંગ લૅમ્પ ગોઠવવાથી પણ સુંદર ઉઠાવ આવે છે. સાઇડ ટેબલ પર ફૅન્સી લૅમ્પ અને સેન્ટર ટેબલ પર મૂવિંગ, ગોળ ફરે એવો નાનો લૅમ્પ સરસ લાગે. ડાઇનિંગ ટેબલની ઉપર સરસ ફૅન્સી લૅમ્પ લટકાવી શકાય છે. યલો અને વાઇટ સીલિંગ લાઇટમાં કલરફુલ પિન્ક-બ્લુ લાઇટનું ઍડિશન પણ ફેસ્ટિવલ વાઇબ્સ વધારે છે.