તમને કેમિકલવાળી સ્કિનકૅર પ્રોડક્ટ્સ યુઝ કરવાને બદલે ઘરગથ્થુ ઉપાયો અજમાવવા ગમે છે? તો તમે તમારી સ્કિનકૅર માટે નારિયેળના તેલના ફેસમાસ્કનો સમાવેશ કરી શકો છો.
પ્રતીકાત્મક તસવીર
નારિયેળ તેલમાં અનેક ગુણોનો ભંડાર હોવાથી સ્કિનકૅર પ્રોડક્ટ્સમાં એનો પ્રચુર માત્રામાં ઉપયોગ થાય છે. નારિયેળના તેલમાં ફૅટી ઍસિડ્સનું પ્રમાણ વધુ હોય છે, જે ત્વચાના મૉઇશ્ચરને લૉક કરીને એક રક્ષણાત્મક કવચ બનાવે છે. એટલે એ ત્વચાને અંદરથી હાઇડ્રેટ અને મૉઇશ્ચરાઇઝ કરીને નરમ અને મુલાયમ બનાવે છે. નારિયેળ તેલ ઍન્ટિ-એજિંગ ગુણોથી ભરપૂર હોય છે, જે ચહેરા પરની કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે. એમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાંથી ટૉક્સિન્સ દૂર કરીને ક્લિયર સ્કિન આપે છે. નારિયેળના તેલમાં રહેલાં વિટામિન્સ જેવાં કે C, E તેમ જ ઝિન્ક, કૉપર જેવાં મિનરલ્સ ત્વચાને પોષણ આપીને એને પોતાની રીતે રિપેર થવામાં મદદ કરે છે. નારિયેળનું તેલ કૉલેજન જે શરીરમાં જોવા મળતું એક પ્રોટીન છે એને બૂસ્ટ કરીને ત્વચાની લવચીકતા સુધારવામાં અને ચહેરા પરની કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે. એમાં ઍન્ટિઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટીઝ એટલે કે શરીરમાં લાલાશ, સોજો, બળતરા દૂર કરવાના ગુણો રહેલા છે જે ચહેરા પર ખંજવાળ, બળતરા ઓછી કરવામાં મદદ કરે છે. સ્કિનકૅરમાં રૂટીનમાં આનો સમાવેશ કરવાથી લાંબા ગાળે તમારો સ્કિનટોન સુધરે છે અને તમારું કૉમ્પ્લેક્શન ફેર થાય છે.
કેવી રીતે બનાવશો?
નારિયેળ તેલને તમે ડાયરેક્ટ્લી પણ ચહેરા પર લગાવી શકો છો પણ એમાં અમુક બીજી વસ્તુ મિક્સ કરીને ફેસમાસ્ક બનાવીને લગાવો તો એની અસર વધી જાય છે. તમે ઘણીબધી રીતે નારિયેળનો ઉપયોગ કરીને ફેસમાસ્ક બનાવી શકો છો. નારિયેળ અને મધનો ફેસમાસ્ક બનાવવો હોય તો એક ટેબલસ્પૂન કોકોનટ ઑઇલમાં એક ટેબલસ્પૂન મધ મિક્સ કરીને એને ચહેરા પર લગાવી શકો. તમે નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને પણ માસ્ક બનાવી શકો. એ માટે એક ટેબલસ્પૂન નારિયેળના તેલમાં એક ટીસ્પૂન હળદર નાખીને મિક્સ કરી ચહેરા પર લગાવી શકો. એવી જ રીતે એક ટેબલસ્પૂન નારિયેળ તેલમાં એક ટીસ્પૂન લીંબુનો રસ મિક્સ કરીને માસ્ક બનાવી શકો. એક ટેબલસ્પૂન નારિયેળનું તેલ અને ઍલોવેરા જેલને મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકાય. નારિયેળ અને અવાકાડોનો ઉપયોગ કરીને પણ ફેસમાસ્ક બનાવી શકાય. એ માટે અડધા અવાકાડોને મૅશ કરીને એની અંદર એક ટેબલસ્પૂન નારિયેળનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય. સેમ એવી જ રીતે તમે અડધા કેળાને મૅમેશ કરીને એમાં એક ટેબલસ્પૂન નારિયેળનું તેલ મિક્સ કરીને ફેસમાસ્ક બની શકો છો. તમને પસંદ હોય એ કોઈ પણ એક ફેસમાસ્ક બનાવીને તમે ચહેરા પર લગાવી શકો. ફેસમાસ્કને લગાવ્યા બાદ ૧૫ મિનિટ સુધી એને રહેવા દો. એ પછી પાણીથી ચહેરો ધોઈ નાખો.
ધ્યાન રાખો
નારિયેળ તેલનો ઉપયોગ હંમેશાં પ્રમાણસર કરવો જોઈએ. વધુપડતું નારિયેળ તેલ તમારી ત્વચાનાં રોમછિદ્રોને બંધ કરી શકે છે. એને કારણે ખીલની સમસ્યા થઈ શકે છે. એવી જ રીતે જો તમને એવી કોઈ ત્વચા સંબંધિત સમસ્યા હોય તો એક વાર ડર્મેટોલૉજિસ્ટને પૂછીને જ આ ફેસમાસ્ક અપ્લાય કરવો જોઈએ.

