Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ‍લગ્નના દિવસે ચહેરા પર મસ્ત ગ્લો આપશે પ્રી-બ્રાઇડલ જૂસ

‍લગ્નના દિવસે ચહેરા પર મસ્ત ગ્લો આપશે પ્રી-બ્રાઇડલ જૂસ

Published : 08 January, 2025 03:39 PM | IST | Mumbai
Darshini Vashi

સોશ્યલ મીડિયા પર આજકાલ લગ્નની તૈયારીરૂપે ડીટૉક્સ અને ગ્લોઇંગ જૂસ બનાવવાની રીલ્સ બહુ ટ્રેન્ડમાં છે. લગ્નની તૈયારીમાં શૉપિંગ અને બ્યુટી પાર્લરની અપૉઇન્ટમેન્ટ ઉપરાંત ગ્લો માટે કંઈક નૅચરલ પણ કરવું જરૂરી છે

ચહેરા પર મસ્ત ગ્લો આપશે પ્રી-બ્રાઇડલ જૂસ

ચહેરા પર મસ્ત ગ્લો આપશે પ્રી-બ્રાઇડલ જૂસ


સોશ્યલ મીડિયા પર આજકાલ લગ્નની તૈયારીરૂપે ડીટૉક્સ અને ગ્લોઇંગ જૂસ બનાવવાની રીલ્સ બહુ ટ્રેન્ડમાં છે. લગ્નની તૈયારીમાં શૉપિંગ અને બ્યુટી પાર્લરની અપૉઇન્ટમેન્ટ ઉપરાંત ગ્લો માટે કંઈક નૅચરલ પણ કરવું જરૂરી છે. આ જૂસનો બેસ્ટ ફાયદો જોઈતો હોય તો શું કરવું એ નિષ્ણાત પાસેથી જાણીએ


લગ્નમાં સુંદર દેખાવું એ સૌની પ્રાયોરિટી હોય છે અને કુદરતી બ્યુટી અને ચમક લાવવા માટે આજકાલ પ્રી-બ્રાઇડલ જૂસની રીલ ખૂબ ફરી રહી છે. લગ્નની સીઝનમાં જેમ બ્રાઇડ અને ગ્રૂમ માટે જ્વેલરીથી લઈને કપડાં સુધીની રીલ ફરતી થઈ જાય છે એમ આ વખતે પ્રી-બ્રાઇડલ જૂસની રીલ ધૂમ મચાવી રહી છે. પણ આ પ્રી-બ્રાઇડલ જૂસ આખરે છે શું? કોણે, કેટલો અને ક્યારે લેવો જોઈએ? અને આ જૂસ ખરેખર અસરકારક થાય છે ખરો? આ દરેક સવાલનો જવાબ આજે જાણીએ.



દરેક યુવતી માટે તેનાં લગ્નનો દિવસ સૌથી સ્પેશ્યલ દિવસ હોય છે. લગ્નમાં આવનાર મહેમાનો, ફૉટોગ્રાફર્સ સહિત સૌની નજર તેના પર જ હોય છે. ખાસ કરીને વરરાજાની. એટલે આ દિવસે બ્રાઇડ સૌથી સુંદર રીતે સજીધજીને લગ્નમંડપમાં આવે છે. પણ શું ઘરેણાં, આઉટફિટ, હેરસ્ટાઇલ અને મેકઅપ બ્રાઇડની સુંદરતાને નિખારવા માટે પૂરતાં છે? તો એનો જવાબ છે ના. મેકઅપનો ચહેરા પર ખરો ઉઠાવ ત્યારે આવે જ્યારે બ્રાઇડની સ્કિન ગ્લો કરતી હોય એટલે કે તેના ફેસ પર કુદરતી ચમક અને તેજ હોય. પણ આ બધા માટે તેણે ઘણા દિવસો પૂર્વેથી તૈયારી કરવાની શરૂઆત કરી દેવી પડે છે. ખાસ કરીને ખાણીપીણીમાં લગ્નના એકબે મહિના પહેલાંથી બદલાવ લાવવાની શરૂઆત કરી દેવી જોઈએ.


રિઝલ્ટ અચૂક મળશે

શાકભાજી અને ફળોના જૂસ પીવાથી ચોક્કસ ફાયદો થાય જ છે, પણ એનો બેસ્ટ ફાયદો મળે એ માટે ડાયટિશ્યન ડૉ. ભારતી શાહ કહે છે, ‘કોઈને લગ્ન થવાનાં હોય અને એક અઠવાડિયા પહેલાં તે હેલ્ધી જૂસ કે ડીટૉક્સ વૉટર પીવાનું ચાલુ કરે તો તેને સંતોષકારક રિઝલ્ટ મળવાનું નથી, પણ જો તે બેત્રણ અઠવાડિયાં પહેલાં કે પછી એકબે મહિનાથી આવા જૂસ અને ડીટૉક્સ વૉટર પીવાનું શરૂ કરે તો પૉઝિટિવ રિઝલ્ટ મળે જ છે. એમાં આખાં ફ્રૂટ એટલે કે રૉ ફ્રૂટ અને એનો જૂસ તો સ્કિન માટે સૌથી બેસ્ટ હોય છે જે સ્કિનને ક્લિયર બનાવી ગ્લો વધારે છે. ફ્રૂટમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી પ્રૉપર્ટીઝ હોય છે જે ચહેરા પર ખીલ થતા અટકાવે છે. તેમ જ ચહેરા ઉપરનાં રોમછિદ્રોમાંથી ગંદકી દૂર કરે છે જેને લીધે ચહેરો ઑટોમૅટિકલી ગ્લો કરે છે. અત્યારની સીઝન પ્રમાણે કહું તો સફરજન, કેળું, પેરુ, સંતરાં, પપૈયું રોજ ખાવાં જોઈએ જે અલગ-અલગ વિટામિન્સ અને મિનરલ્સ આપે છે. આ દરેક ફ્રૂટ શરીરની જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે લેવામાં આવે તો થોડા દિવસની અંદર તમને પોતાને ફેરફાર જોવા મળશે. ફ્રૂટની સાથે વેજિટેબલ્સનો પણ ડાયટમાં સમાવેશ કરવો એટલો જ જરૂરી છે. તેમ જ સ્વીટ પટેટો અને રતાળુનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ પણ એને બાફીને ખાવું જોઈએ. આજે માર્કેટમાં જાતજાતના જૂસ મળે છે પણ ઘરે બનાવેલા જૂસ હંમેશાં બેસ્ટ જ હોય છે. મને પૂછો તો હું એમ જ કહીશ કે જૂસ કરતાં આખાં ફ્રૂટ અને વેજિટેબલ્સ ખાઓ તો વધારે સારું, પણ આજે લોકોને સરળતાથી થઈ જતી વસ્તુ વધારે ગમે છે તેમ જ સમય અને સંજોગ પણ ઘણી વખત સાથ આપતા નથી. એથી તેઓ તૈયાર જૂસ લાવીને પીએ છે જેમાં ફાઇબર સાવ નહીંવત્ હોય છે. ફાઇબર શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો ઘરે જૂસ બનાવવામાં આવે તો ચોખ્ખાઈ તો જળવાય છે પણ ફાઇબર નથી જળવાતું એટલે ઘરે જૂસ બનાવવામાં આવે ત્યારે એમાં ફાઇબર જળવાઈ રહે એ માટે જૂસ કર્યા પછી જે પલ્પ બચી જાય છે એને કાઢી નાખવાને બદલે જૂસમાં કે પછી અન્ય વાનગીઓમાં ઉમેરી દેવો જોઈએ.’


આખાં ફળો પણ ખાઓ

ફ્રૂટ અને જૂસના સેવન બાબતે તેઓ કહે છે, ‘સ્કિન પર ફ્રેશનેસ, ચમક અને તેજ જળવાઈ રહે એ માટે દરેક જણ આ જૂસનું સેવન કરી શકે છે. રોજ બેથી ત્રણ અલગ-અલગ કલરનાં સીઝનલ ફ્રૂટ તો દરેકે ખાવાં જ જોઈએ પરંતુ મર્યાદિત માત્રામાં. ઘણા કહે કે મને ડાયાબિટીઝ છે તો કોઈ કહે મને વેઇટલૉસ કરવું છે, પણ જો કોઈ પણ વસ્તુ મર્યાદિત માત્રામાં અને ઉપરથી શુગર તેમ જ નમક ઉમેર્યા વિના ખાવામાં આવે તો કોઈ નુકસાન નહીં કરે. પપૈયું, સંતરાં, સફરજન અને સ્ટ્રૉબેરી ખાવાથી ક્યારેય વજન વધતું નથી એટલે એની ચિંતા મગજમાં રાખવી નહીં. અત્યારે બેરીઝ પણ સરસ આવે છે. એનો જૂસ પણ બનાવી શકાય. આ ઉપરાંત પાણી, જે સૌથી ઉત્તમ પીણું છે એ શરીરને હાઇડ્રેટ કરવાની સાથે શરીરમાં રક્તપરિભ્રમણ કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે. શિયાળામાં તો ભરપૂર ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ આવે છે, જેનો ઉપયોગ કરવો જોઈએ. વેજિટેબલ જૂસ પણ એટલા જ સારા, પણ ફાઇબર સાથે હોય તો બેસ્ટ રિઝલ્ટ આવે. બીજું એ કે દરેકની હેલ્થ કન્ડિશન એકસમાન હોતી નથી. એટલે યોગ્ય માર્ગદર્શન લઈને જ ખાણીપીણી કરવામાં આગળ વધવું જોઈએ.’

પ્રી-બ્રાઇડલ જૂસમાં શું હોવું મસ્ટ છે?

બીટરૂટ : ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. એનો જૂસ રોજ પીવાથી શરીરમાં જમા થયેલાં ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે અને ત્વચા ડાઘરહિત બને છે. બીટરૂટમાં હાજર વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એ ત્વચાને ગુલાબી અને ચમકદાર બનાવે છે.

આમળાં : જેમાં વિટામિન C, A, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ઘણાં ખનિજો હોય છે એનાથી ત્વચાના ડાઘ ઓછા થાય છે. ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. આમળાંમાં હાજર વિટામિન C કૉલેજનનું ઉત્પાદન વધારે છે. આના કારણે ત્વચા અકાળે વૃદ્ધ થતી નથી.

ચિયા સીડ્સ : ઑમેગા-3 ફૅટી ઍસિડ્સ, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, પ્રોટીન, મૅગ્નેશિયમ અને વિટામિન Eથી ભરપૂર હોય છે. આ ત્વચાને ચમકદાર રાખે છે.

હળદર : આ ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી જૂસ સ્કિનના કૉમ્પ્લેક્શનમાં ગજબનો ગ્લો ઍડ કરશે. હળદરનો જૂસમાં દરરોજ સમાવેશ કરવાથી ડાઇજેશન પણ સુધરશે. હળદર બ્લડ-પ્યુરિફાયરનું કામ પણ કરે છે જેથી લોહીમાં રહેલી ખરાબીઓના કારણે સ્કિનને થતું નુકસાન અટકી જશે.

દાડમ-સ્ટ્રૉબેરી : દાડમ અને સ્ટ્રૉબેરી બન્નેમાં વિટામિન C હોય છે. [lનાથી ત્વચાની રચના સુધરે છે. સાથે જ એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણ હોય છે જે ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે. દાડમ-સ્ટ્રૉબેરીનો રસ પીવાથી રક્તપરિભ્રમણ સુધરે છે, એનાથી ત્વચાને યોગ્ય રીતે ઑક્સિજન મળે છે અને ત્વચામાં પણ સુધારો થાય છે. આ રસ હાઇડ્રેટિંગ છે જેના કારણે ત્વચા પર કુદરતી ભેજ રહે છે.

સફરજન : સફરજનમાં વિટામિન C અને વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. સફરજન ખાવાથી અને એનો રસ ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. ક્ષતિગ્રસ્ત કોષોને એ રિપેર કરે છે અને ત્વચા પર ગ્લો આવે છે.

કેટલીક ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ પણ જાણી લો

  સામગ્રી : ૧ આમળું, અડધું બીટ, ગુલાબની પાંખડીઓ ૫-૧૦, પા દાડમ, એક ચપટી તજ, બેથી ત્રણ કેસરના દોરા, એક ચમચી ચિયા સીડ્સ.

બનાવવાની રીતઃ ચિયા સીડ્સ સિવાય અન્ય તમામ ઘટકોને સારી રીતે ભેળવી દો. હવે એમાં ચિયા સીડ્સ ઉમેરો. એને દિવસમાં એક વાર પીઓ. આ જૂસ ચમકદાર ત્વચા માટે ફાયદાકારક છે.

  સામગ્રી : ઉકાળેલાં બીટરૂટ્સ ૧ ૧/૨ કપ, ગાજર ૧ ૧/૨ કપ, સફરજન ૧, હળદર ૨ ચપટી, આમળાં ૨ મધ્યમ કદનાં, દાડમ ૧ કપ

બનાવવાની રીત : આ બધાં જ ફ્રૂટ્સને ગ્રાઇન્ડ કરી લો. આ જૂસને રૉ પીવાનો જ આગ્રહ રાખવામાં આવે છે જેથી બધાં જ ફાઇબરની અસર જોવા મળે. એમાં ટેસ્ટ માટે ફુદીનો, લીંબુ અથવા બ્લૅક સૉલ્ટ ઍડ કરી શકાય. આ જૂસમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ સ્કિનને બ્રાઇટ, ટાઇટ અને સૉફ્ટ કરે છે.

  સામગ્રી : બીટરૂટ ૧/૨ નંગ બારીક સમારેલું, આદુંની સાતથી આઠ બારીક કતરણ, અડધું લીંબુ, ફુદીનાનાં ૮-૯ પાન, ચિયા સિડ્સ ૧ ૧/૨ ચમચી, પાણી બે કપ.

બનાવવાની રીતઃ આ બધી સામગ્રીને એક બૉટલમાં અડધો કલાક માટે પાણીમાં ડુબાડી રાખવી અને પછી એ પીવું. આ પાણી ડીટૉક્સનું કામ કરે છે અને શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને સ્કિનને સ્વસ્થ અને સુંદર બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2025 03:39 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK