Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > લક્ઝરી જ્વેલરી હોય કે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ જ્વેલરી, એમરલ્ડ છે ઑલટાઇમ ફેવરિટ

લક્ઝરી જ્વેલરી હોય કે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ જ્વેલરી, એમરલ્ડ છે ઑલટાઇમ ફેવરિટ

25 July, 2024 08:30 AM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

ફૅશન વર્લ્ડમાં એમરલ્ડનો યુઝ કરવાની ટિપ્સથી લઈને એના ઉદ્ભવની ઐતિહાસિક વાતોનો રસથાળ આજે માણીએ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઇજિપ્તની રાણી ક્લિયોપૅટ્રા હોય કે ભારતનો સૌથી અમીર અંબાણી પરિવાર, લીલા રંગનું આ રત્ન હાઈ-એન્ડ જ્વેલરીમાં જબરદસ્ત દબદબો ધરાવે છે. હીરા પછી બીજા નંબરનું સૌથી વધુ વપરાતું આ રત્ન પ્રાચીન કાળથી અત્યાર સુધી ક્યારેય ઝાંખું પડ્યું જ નથી અને પડવાનું પણ નથી. ફૅશન વર્લ્ડમાં એમરલ્ડનો યુઝ કરવાની ટિપ્સથી લઈને એના ઉદ્ભવની ઐતિહાસિક વાતોનો રસથાળ આજે માણીએ.


અનંત અને રાધિકાનાં લગ્નમાં અંબાણી પરિવારના સભ્યોએ તો ઠીક, મહેમાનોએ પણ જ્વેલરીમાં એમરલ્ડનો એટલો ઉપયોગ કર્યો હતો કે એ સૌની આંખે ઊડીને વળગ્યો હતો. બ્રાઇડ, ગ્રૂમ, સાઇડર્સથી લઈને તમામનાં ઘરેણાં અને ઍક્સેસરીઝમાં પન્નાનો પ્રભાવ દેખાતો હતો. જાણે કે પન્નાની એક ખાણના તમામ હીરા અંબાણી ફૅમિલીએ ખરીદી લીધા હોય. નીતા અંબાણીએ પન્નાનો મિકી માઉસ પહેર્યો તો અનંત અંબાણીએ પણ પન્નાનું ઓવરસાઇઝ્ડ બ્રોચ પહેર્યું. ત્યાં સુધી કે શાહરુખ ખાને પણ પન્નાનો નેકલેસ પહેર્યો હતો. પન્નો આપણે ત્યાં પ્રેશિયસ સ્ટોન તો છે જ પણ એનું ફૅશનની સાથે સ્પિરિચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં પણ જબરું મહત્ત્વ છે.



દરેક સ્કિન-ટોન પર શોભે


સિમ્પલ વાઇટ ડ્રેસ સાથે સ્ટેટમેન્ટ એમરલ્ડ જ્વેલરી કે સૂટ કે બ્લેઝર સાથે હાથમાં એમરલ્ડ રિંગ, એમરલ્ડ સ્ટડ્સ અને પર્લ નેકલેસ લક્ઝુરિયસ લુક ક્રીએટ કરે છે. સ્ટાઇલિસ્ટ હેમલતા પારીવાલ કહે છે, ‘હમણાં કરન્ટ્લી ‘ગ્રીન જ્વેલરી’ ટ્રેન્ડમાં છે એમાં નાના-મોટા વિવિધ કટના એમરલ્ડ સૌથી મહત્ત્વની ભૂમિકામાં છે. ટ્રેડિશનલ દુલ્હન જ્વેલરી, મેલ જ્વેલરી, બોલ્ડ કૉકટેલ પાર્ટી જ્વેલરી, સ્ટેટમેન્ટ જ્વેલરી પીસ બધે જ કલરફુલ હાઈ-એન્ડ જ્વેલરી પીસમાં એમરલ્ડ હિટ છે. દરેક જણે પોતાની સ્ટાઇલને એલિવેટ કરવા આ વર્સટાઇલ સ્ટોન ટ્રાય કરવો જ જોઈએ.’   

ટાઇમલેસ અને વર્સટાઇલ


હાઈ-એન્ડ અને લક્ઝરી જ્વેલરીમાં એમરલ્ડનું મહત્ત્વ સતત વધી રહ્યું છે એમ જણાવતાં વર્ષોથી હીરા અને પ્રેશિયસ સ્ટોનના કામ માટે જાણીતી કે. ડી. મહેતા ઍન્ડ કંપનીના ફાઉન્ડર અને જ્વેલરી-ડિઝાઇનર દિવ્યેશ મહેતા કહે છે, ‘એમરલ્ડ એક લક્ઝરી છે. કોઈ પણ ગોલ્ડ કે ડાયમન્ડ જ્વેલરીમાં એમરલ્ડ સ્ટોન ઉમેરવાથી એનો દેખાવ અને મૂલ્ય બન્ને વધી જાય છે. એમરલ્ડનો લીલો રંગ શુભ ગણવામાં આવે છે અને દરેક ડિઝાઇનમાં એ ઉઠાવ આપે છે. એમરલ્ડના સ્પિરિચ્યુઅલ અને ઍસ્ટ્રોલૉજિકલ મહત્ત્વને લીધે પણ બધા એમરલ્ડ પસંદ કરે છે. એમરલ્ડ તો ઐતિહાસિક કાળથી રાજા-રજવાડાં અને રાણીઓના ઝવેરાતનો ભાગ રહ્યો જ છે.  ડાયમન્ડ જ્વેલરીમાં કલર ઉમેરવા માટે એમરલ્ડ અત્યારે ક્લાયન્ટ્સની પહેલી પસંદ છે અને આ એક એવો વર્સટાઇલ સ્ટોન છે કે ટ્રેડિશનલ અને મૉડર્ન બન્ને ડિઝાઇનમાં સરસ મૅચ થાય અને ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી. નાજુક પેન્ડન્ટ-બુટ્ટીના સેટ, માળા, બૅન્ગલ્સ, બ્રેસલેટ, વીંટી, હેવી નેકલેસ અને લૉન્ગ ઇઅર-રિંગ્સ સુધી બધું જ એમરલ્ડ અને ડાયમન્ડના કૉમ્બિનેશન સાથે ગોલ્ડ, પ્લૅટિનમ, રોઝ ગોલ્ડમાં બને છે. હવે માત્ર ઓકેઝન પર જ નહીં, ડેસલી વેઅરમાં પણ એમરલ્ડ પસંદ પામી રહ્યો છે.’

સૉફિસ્ટિકેટેડ લુક માટે બેસ્ટ

સ્ટેટમેન્ટ લુક મેળવવા માટે એમરલ્ડ જ્વેલરી ક્લાસિક અને પર્ફેક્ટ ચૉઇસ છે એમ જણાવતાં બૉલીવુડ સ્ટાર્સની ફૅશન-સ્ટાઇલિસ્ટ હેમલતા પારીવાલ કહે છે, ‘સૉફિસ્ટિકેટેડ લુક ક્રીએટ કરવાનો હોય કે થોડા કલર્સ ઍડ કરવાના હોય ત્યારે એમરલ્ડ જ્વેલરી પહેલી બને છે. એનો ચમકતો ગ્રીન રંગ સફેદ, બેજ, પિન્ક જેવા ન્યુટ્રલ કલર સાથે સરસ લાગે છે અને રેડ રૂબી કે યલો સફાયર સાથે એકદમ હટકે બોલ્ડ કલર મૅચિંગ ક્રીએટ કરે છે. એમરલ્ડ ગોલ્ડ, સિલ્વર, ડાયમન્ડ, પ્લૅટિનમ, મોતી બધા સાથે સુંદર લાગે છે. આ સ્ટોનનો કટ પણ બહુ જ મહત્ત્વનો છે.  ગોળ, ઓવલ શેપ કે ડ્રૉપ શેપ વિન્ટેજ જ્વેલરીમાં સરસ લાગે છે; જ્યારે ચોરસ કે લંબચોરસ કટ મૉડર્ન ઇફેક્ટ ક્રીએટ કરે છે.

પન્નાનો ઇતિહાસ 

એમરલ્ડ એટલે કે પન્નો ગ્રીન કલરનો જેમ સ્ટોન છે. હીરા પછી કીમતી આભૂષણોમાં સૌથી વધારે વપરાતો આ એમરલ્ડ સ્ટોનનો ઇતિહાસ હજારો વર્ષ પહેલાં ઇજિપ્તની રત્ન ખાણોમાં સમાયેલો છે. ઇજિપ્ત, મેસોપોટેમિયા અને ગ્રીસ સંસ્કૃતિમાં એમરલ્ડને ફળદ્રુપતા અને પુનર્જન્મ જેવી વાતો સાથે સાંકળવામાં આવતો હતો. આ રત્ન આજીવન યુવાની અને અમરતા આપતું હોવાનું માનતા ઇજિપ્તનાં રજવાડાંની જ્વેલરીમાં એ અચૂક વપરાતો. ઇજિપ્તની સૌથી સુંદર મહારાણી ક્લિઓપેટ્રા પાસે એમરલ્ડ જ્વેલરીનો ભંડાર હતો. ગ્રીક સંસ્કૃતિમાં પન્નો પ્રેમ, સુંદરતા અને સુમેળનું પ્રતીક છે; જ્યારે પ્રાચીન દક્ષિણ અમેરિકન સંસ્કૃતિમાં એમરલ્ડમાં દેવતાઈ અંશ હોવાનું મનાતું હોવાથી એની પૂજા થતી. મધ્ય યુગમાં એમરલ્ડની બોલબાલા યુરોપના અન્ય ભાગોમાં પણ પ્રસરી. રોમના સમ્રાટ નીરો અને અન્ય યુરોપિયન રાજાઓ પણ એમલ્ડનાં દાગીના, કલાકૃતિઓ અને તાજનો ખજાનો એકત્ર કરવા લાગ્યા હતા.

પન્નાની આજ 

ઇજિપ્તમાં શોધાયેલા આ રત્નનું અત્યારે સૌથી વધારે ઉત્પાદન કોલમ્બિયામાં થાય છે. મહિનામાં એક દિવસ કોલમ્બિયન ખાણમાં કામ કરતા મજૂરોને તેઓ જે એમરલ્ડ શોધે એ પોતાની પાસે રાખવા દેવામાં આવે છે. એને ‘પિકાન્ડો’ કહે છે. પન્નાના ઉત્પાદનમાં બીજા નંબરે ઝામ્બિયા છે. ભારત, ઇજિપ્ત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સહિત લગભગ ૧૬ દેશોમાં જોવા મળે છે. હીરાની જેમ હવે કોલમ્બિયામાં એમરલ્ડ લૅબોરેટરીમાં બનાવવામાં આવે છે જે લૅબગ્રોન સિન્થેટિક એમરલ્ડ કહેવાય છે.

પન્નો ટાઇમલેસ બ્યુટી છે એટલે પ્રાચીન કાળની જેમ આધુનિક ફૅશન અને આર્ટ જગતમાં પન્નો રાજ કરે છે. નેકલેસ, વીંટી, બ્રોચ, નથણી, બુટ્ટી, બ્રેસલેટ જેવા દાગીનાઓ તો ઠીક પણ એમલ્ડમાંથી ડેકોરેટિવ આર્ટપીસ પણ બનાવવામાં આવે છે.

પન્નાની કિંમત કેવી રીતે નક્કી થાય?

ઘરેણામાં શોભતા આ અનોખા રંગીન રત્નના મૂલ્યનો આધાર ચાર ‘C’ પર રહેલો છે. કલર , ક્લૅરિટી, કટ અને કૅરૅટ એટલે કે વેઇટ. કલર જેમ સ્ટોનમાં રંગ સૌથી વધુ મહત્ત્વનો હોય છે. જેટલો ઘેરો લીલો રંગ એટલું મૂલ્ય વધારે. બીજો આધાર છે ક્લૅરિટી. એકદમ ટ્રાન્સપરન્ટ રત્નનું મૂલ્ય વધે છે. રંગમાં પન્ના યલો ગ્રીનથી બ્લુ ગ્રીન સુધીના વિવિધ શેડમાં મળે છે. મીડિયમથી ડાર્ક જેડ ગ્રીન રંગના રત્નને જ કીમતી પન્ના તરીકે માન્યતા આપવામાં આવે છે.

એમરલ્ડ સૉફ્ટ અને ડેલિકેટ જેમ સ્ટોન છે. એને બહુ સંભાળીને અને સાચવીને સૉફ્ટ ક્લોથથી સાફ કરવામાં આવે છે અન્ય કોઈ હાર્શ ક્લીનિંગ મેથડ રત્નને નુકસાન પહોંચાડી શકે છે. બહુ કડક સપાટી પર પડે કે અથડાય તો પણ પન્નો તૂટી જાય છે.

વિવિધ સંસ્કૃતિમાં માન્યતાઓ

હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર એનો સબંધ બુધના ગ્રહ સાથે જોડાયેલો છે. બુધના ગ્રહનો સીધો સબંધ બુદ્ધિશક્તિ, કળા અને હોશિયારી સાથે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પન્નાનું રત્ન પહેરવાના અનેક ફાયદા છે. એ ક્રીએટિવિટી વધારે છે અને કૉન્સન્ટ્રેશન પાવર પણ સુધારે છે. કલાકારો અને વિદ્યાર્થીઓને એ મદદરૂપ થાય છે. કમ્યુનિકેશન સ્કિલના વિકાસ માટે પણ આ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. એમરલ્ડ સ્ટોન આત્મવિશ્વાસ વધારે છે એટલે તમે તમારી વાત વધુ સારી રીતે સમજાવી શકો છો. મેન્ટલ ફોકસ અને ધ્યાન વધારે છે. મનને શાંત કરે છે. મેડિટેશન કરવામાં મદદરૂપ થાય છે. 

ચાઇનીઝ કલ્ચર મુજબ એમરલ્ડ સતત રક્ષા કરે છે એટલે મૃત્યુ બાદ પણ આફ્ટર લાઇફમાં સેફ પૅસેજ મળે એ માટે એમરલ્ડને મૃત્યુ બાદ શરીર જોડે દફનાવવામાં આવે છે.

ઇજિપ્તની સંસ્કૃતિમાં શાહી પરિવારના મૃત્યુ બાદ તેમની અમરતા માટે મમી સાથે એમરલ્ડ મૂકવામાં આવતા હતા.

ભારતીય સંસ્કૃતિમાં નવવધૂ લગ્નમાં સુખ, સમૃદ્ધિ, સંતતિના આશિષ મેળવવવા પન્નાજડિત ઘરેણાં પહેરે છે.

મેસોઅમેરિકન કલ્ચરમાં એમરલ્ડમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવી દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે.

આ રત્નમાં રક્ષા કરવાની શક્તિ હોવાની માન્યતાને કારણે રક્ષાતાવીજ કે બાજુબંધ કે ચાર્મ્સ એમરલ્ડ વપરાય છે.  

અમેરિકામાં એમરલ્ડનો સબંધ કુદરતી સૌન્દર્ય, હિલીંગ પ્રોસેસ અને વિઝડમ સાથે જોડવામાં આવે છે.

એક માન્યતા અનુસાર જો પન્નાની ચમક કોઈ ઝેરી પ્રાણીની આંખમાં જાય તો એ પ્રાણી આંધળું થઈ જાય છે.

પ્રેમ અને પન્નો

પ્રેમ અને વફાદારીના પ્રતીક તરીકે એમરલ્ડ સ્ટોન અને ડાયમન્ડવાળી વીંટી એન્ગેજમેન્ટ રિંગ તરીકે ખાસ ગણાય છે. પંચાવનમી મૅરેજ-ઍનિવર્સરીને એમરલ્ડ ઍનિવર્સરી તરીકે ઓળખવામાં આવે છે અને એમરલ્ડ ભેટ આપી ઊજવવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 08:30 AM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK