ફટકડી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે
પ્રતીકાત્મક તસવીર
દાદા-નાનાની પેઢી શેવ કર્યા પછી ચહેરા પર ફટકડીનો ટુકડો ઘસતી હતી, કેમ કે ફટકડી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. દાદી-નાની પણ એનો પૅક બનાવીને ચહેરા પર લગાવતાં. જોકે આફ્ટરશેવ લોશન અને જાતજાતની ક્રીમો આવ્યા પછી ફટકડી વીસરાઈ રહી છે. એક સમયે આપણા રોજિંદા જીવનમાં અતૂટ રીતે વણાઈ ગયેલી આ ચીજના ગુણ સમજીશું તો જરૂર એને ફરી વાપરવાનું મન થશે
ફટકડીનું અંગ્રેજી નામ છે ઍલમ.
ADVERTISEMENT
એમાં ઍન્ટિ-સેપ્ટિક, ઍન્ટિ-બાયોટિક, ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણ પણ છે અને એટલે જ સ્કિનકૅરમાં એનો ઉપયોગ થતો. શિયાળામાં ઘણા લોકોને હાથ અને પગની આંગળીઓ સૂજી જવાની સમસ્યા કનડે છે. એવા વખતે ફટકડીના નાના ટુકડાને પાણી સાથે ઉકાળીને એ પાણીથી હાથ-પગ ધોવા, સોજો ઓછો થઈ જશે. મુલુંડનાં બ્યુટિશ્યન કલ્પના વ્યાસ પાસેથી જાણીએ ફટકડીના ગુણ અને પ્રયોગો વિશે.
સ્કિન-એજિંગ રોકી શકાય
આપણા જીવન સાથે જે અમુક બાબતો વણાયેલી છે એની પાછળ વિજ્ઞાન છે. એમાં કઈ સીઝનમાં શું ખાવું, કઈ વસ્તુ ક્યારે અને કેવી રીતે વાપરવી કે બનાવવી એ બધી બાબતો આવી ગઈ. અગાઉ દાઢી કર્યા પછી પુરુષો ફટકડીનો ટુકડો ભીના ચહેરા પર ઘસતા એની પાછળ પણ વિજ્ઞાન હતું. વડવાઓને ફટકડીના ગુણો વિશે જાણ હતી. શેવ કરીને પછી ભીના ચહેરા પર ફટકડી ઘસવાનું એક રીઝન એ પણ ખરું કે ચહેરા પર બ્લેડથી કટ લાગી ગયો હોય તો એમાં ઇન્ફેક્શન નહોતું થતું. મારી પાસે આવતી મિડ-એજ બહેનો સાથે ક્યારેક આ વિશે વાત થાય. જો કોઈને પિમ્પલ્સ થતા હોય તો એકાદ મિનિટ માટે ભીના ચહેરા પર હળવા હાથે ફટકડીનો ટુકડો ઘસવો. પિમ્પલ્સ ઓછા થવા માંડશે. આ એવી વસ્તુ છે જે ઍન્ટિ-એજિંગમાં પણ કારગત નીવડે છે. અર્લી ફૉર્ટીસમાં આવ્યા પછી ચહેરાની સ્કિન ઢીલી થવા માંડે છે અને કરચલીઓ પણ પડવા માંડે છે. ચહેરા પર રોજ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે તો એજને કારણે સ્કિનમાં થતા આ ફેરફાર દૂર ઠેલી શકાય છે. જોકે મિડલ-એજ થઈ ગઈ છે અને રિન્કલ્સ ઑલરેડી પડવા માંડી છે તો પણ ફટકડી વાપરી શકાશે. લાંબા ગાળે એની અસર દેખાશે. રેગ્યુલરલી એનો ઉપયોગ કરવામાં આવે તો સ્કિન-ટોનમાં પણ ફરક પડતો જાય છે.
સાચવીને ઉપયોગ કરવો
ચહેરા પર ફટકડીને ક્યારેય જોર-જોરથી અને વધુ સમય સુધી ન ઘસવી. હળવા હાથે જ ઘસવી. જોરથી ઘસાય અને જો ત્વચા સંવેદનશીલ હશે તો બળતરા થઈ શકે છે. એનો વધુ પડતો ઉપયોગ સ્કિનને ડ્રાય બનાવી શકે છે. ઑઇલી સ્કિન હોય તો વાંધો નહીં, પણ ડ્રાય સ્કિન હોય તેમણે સાવચેત રહેવું અને હા, આંખોને એના સંપર્કથી બચાવવી. ટૂંકમાં, ફટકડીનો વ્યવસ્થિત અને સંયમિત ઉપયોગ સ્કિન માટે ફાયદાકારક છે.
ફટકડીનો ફેસપૅક
એક બાઉલમાં ફટકડીનો ટુકડો લેવો. એમાં બે ચમચા દહીં, એક ચમચી ચણાનો લોટ અને પાંચ-સાત ટીપાં કોપરેલ તેલ નાખીને મિક્સ કરવું અને પાંચ-દસ મિનિટ માટે મૂકી રાખવું. પછી ફટકડી કાઢી લેવી અને પૅકને ચહેરા પર લગાડીને દસ મિનિટ પછી ધોઈ નાખવો. ચહેરા પર ગ્લો આવી જશે.