૭ વર્ષ સુધી સ્વચ્છ સિટીનો ખિતાબ જીતનાર શહેર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત ઇન્દોરમાં વિશ્વનું એકમાત્ર યશોદામાતાનું મંદિર પણ છે.
યશોદામાતાનું મંદિર
સર્રાફા બજારની નાઇટ ફૂડ-સ્ટ્રીટ તેમ જ લગાતાર ૭ વર્ષ સુધી સ્વચ્છ સિટીનો ખિતાબ જીતનાર શહેર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત ઇન્દોરમાં વિશ્વનું એકમાત્ર યશોદામાતાનું મંદિર પણ છે. કહેવાય છે કે કાનુડાની પાલક માતાનાં દર્શન નિ:સંતાન મહિલાઓને ખોળાનો ખૂંદનાર આપે છે
કહો જોઈએ કોણ વધુ નસીબદાર? શ્રીકૃષ્ણને જન્મ આપનારી દેવકીમાતા કે કાન્હાની નટખટ બાળલીલાની સાક્ષી બનનાર યશોદામૈયા? અફકોર્સ, વિષ્ણુના અવતાર, ત્રિભુવનને પોતાની કુક્ષિમાં ધારણ કરવા એ જ ગુડ લકનું એવરેસ્ટ છે. કારાવાસ તેમ જ મહાભારતના યુદ્ધકાળને બાદ કરતાં દેવકીમાતા પોતાના અંતિમ સમય સુધી પોતાના જણ્યાની કરીબ રહ્યાં એ પણ તેમના નસીબની જબરદસ્ત બલિહારી છે. એટલે એક અપેક્ષાએ દેવકીમાતાના નસીબની તો કોઈ સાથે તુલના જ ન કરાય. આમ છતાં દેવકીમાતાની સામે યશોદામૈયા અને મોહનનો સહવાસ કેટલો? કાનુડાના જન્મદિવસથી લઈ કિશોરાવસ્થા સુધીનો. કહે છે કે મુરલીધર સાડાઅગિયાર વર્ષના થયા ત્યારે ગોકુલથી મથુરા જતા રહ્યા. ત્યાર બાદ છેક કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન તેઓ થોડી ક્ષણો માટે યશોદામૈયાને મળ્યા હતા અને એ પછી પનોતા પુત્રના વિયોગમાં મૈયાએ પ્રાણ ત્યાગ્યો.
ADVERTISEMENT
એટલે જો અવધિની ગણતરી કરીએ તો યશોદામૈયા અને બાળકૃષ્ણનો સહવાસ ટૂંકો. જોકે બાળગોપાલે નંદબાબા અને યશોદામાઈના રાજમાં જે લીલાઓ કરી છે, જે લીલાઓ કરી છે એ આજે ૫૦૦૦ વર્ષ બાદ પણ લોકપ્રિય છે.
સનાતન પ્રેમીઓને યુદ્ધમેદાનમાં ગીતાનું જ્ઞાન આપતા પાર્થસારથિ કરતાં માખણ ચોરતો, મોરલી વગાડતો, ગેડી-દડો રમતો બાળકાનુડો વધુ વહાલો લાગે છે અને એ મજાની લીલાઓ શક્ય બની છે વ્રજ રાજા નંદ અને રાણી યશોદાનાં અઢળક લાડ થકી. માતાના દુલારે જ લાલાને વધુ ને વધુ શરારતી બનાવ્યો છે. યાદ કરો પેલો પ્રસંગ. યશોદાજી ખુદ કેશવનાં તોફાનોથી થાકી જાય છે અને તેને બેડીઓથી બાંધી દે છે. પછી બંધનમાં બંધાયેલો મુરલીધર માતાને પોતાના મુખમાં બ્રહ્માંડનાં દર્શન કરાવે છે... આહા! શું અદ્ભુત લીલા...
હવે વિચાર કરો કે કોઈ લોહીના સંબંધ વગર ત્રણ જગતના નાથનું લાલન-પાલન કરવા મળે, તેને પ્યાર-દુલાર કરવા મળે, વળી બાળઈશ્વર તેના મુખમાં સ્પેશ્યલ તમને જ સમસ્ત બ્રહ્માંડનાં દર્શન કરાવે તે વ્યક્તિનાં નસીબ બડકમદાર ખરાં કે નહીં? તો કહો જોઈએ દેવકીમાતા નસીબદાર કે યશોદામાતા?
વેલ, વેલ, વેલ... આજે શ્રીકૃષ્ણ નહીં પણ તેમનાં માતાઓની વાત કરવાનું કારણ એ કે મહા વદ છઠે યશોદાજીનો જન્મ થયો હતો અને ગયા સપ્તાહે જ યશોદા જયંતી ગઈ. એ અન્વયે આજે આપણે જઈએ ઇન્દોરમાં આવેલા વિશ્વના એકમાત્ર યશોદામાતાના મંદિરે.
કૃષ્ણચરિત્રમાં યશોદામાતાનો ખૂબ અગત્યનો ફાળો છે છતાં તેમને સમર્પિત મંદિરો નથી. હા, ક્યાંક કૃષ્ણ મંદિરમાં અન્ય મૂર્તિઓ સાથે તેમની મૂર્તિ હોય અને ભક્તો પૂજા કરે, પરંતુ સ્પેશ્યલ યશોદામાતાનું મંદિર ફક્ત મધ્ય પ્રદેશના ફાઇનૅન્શિયલ ટાઉન ઇન્દોરમાં જ છે.
મંદિરના સ્થાપકના ચોથી પેઢીના વંશજ દીિક્ષતજી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારા પરદાદા આંનદીલાલ દીિક્ષતે ૨૩૨ વર્ષ પહેલાં અહીં યશોદામૈયાના મંદિરની સ્થાપના કરી હતી. માતાની સાડાત્રણ ફુટની બેઠેલી મૂર્તિ અને તેમની ગોદમાં ખેલતા બાળકાન્હાની મૂર્તિ તેમણે જયપુરમાં બનાવડાવી હતી. એ વખતે બળદગાડામાં ૪૫ દિવસની સફર કર્યા બાદ આ પ્રતિમા ઇન્દોર આવી હતી. વાહનવ્યવહારનો અન્ય કોઈ વિકલ્પ જ નહોતો એટલે બળદગાડા સિવાય કોઈ માધ્યમ જ નહોતું. મૂર્તિ અહીં પહોંચ્યા બાદ આ જ સ્થળે ખજૂરી બજારમાં તેમને શુભ દિને સ્થાપિત કરવામાં આવ્યાં.’
યશોદામાતા શા માટે? એના જવાબમાં પૂજારી તરીકે કાર્યરત દીિક્ષતજી કહે છે, ‘કોઈ પાક્કું પ્રમાણ નથી, પરંતુ અમારા વડીલો કહેતા કે દાદાને સ્વપ્નમાં યશોદામૈયા આવ્યાં હતાં અને તેમણે મંદિર બનાવવાનો આદેશ કર્યો હતો. એક વાત એ પણ છે કે અમારા પિતામહ આનંદીલાલજીનાં માતાએ તેમને સૂચન કર્યું હતું કે શ્રીકૃષ્ણને તો બધા જ પૂજે છે, પરંતુ તેમનાં પાલનહાર યશોદામાતા ભુલાઈ ગયાં છે એટલે તેમનું મંદિર બનાવડાવ.
ચાલો, જે વાત સાચી હોય એ, પરંતુ ઇન્દોર શહેરની મધ્યમાં રાજવાડા વિસ્તારના ભરચક એરિયામાં બજારોની વચ્ચે એક રહેણાક મકાનની અંદર માતાજીનું મંદિર છે. બસ્સો-અઢીસો વર્ષ પહેલાંનાં ડેલાવાળાં મકાનોના કમાડ જેવું જ મંદિરનું પ્રવેશદ્વાર છે. એમાં પ્રવેશતાં સાડાચાર-પાંચ ફુટના પહોળા પેસેજમાં બેઉ બાજુ કાનજી મહારાજની ભિન્ન-ભિન્ન લીલાઓનાં પોસ્ટરો દેખાય છે અને લાંબી પરસાળમાં માતાજીનું મંદિર. એક લાંબા પ્લૅટફૉર્મ પર મધ્યમાં ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉપાડતા ગોવર્ધનનાથની નાનકડી શ્યામલ મૂર્તિ છે. એની ડાબી બાજુ ખોળામાં શ્રીકૃષ્ણને લઈને યશોદામાતા બિરાજે છે. યશોદામાતાની એક બાજુ નંદબાબા બેઠા છે અને બીજી બાજુ કાન્હાનાં દાઇમા. જમણી બાજુ લક્ષ્મીનારાયણનું યુગલ સ્વરૂપ છે અને તેમની આજુબાજુ રાધાજી અને રુક્મિણીજીની પ્રતિમાઓ છે. રંગબેરંગી કાચકામની પૅનલ, ભરતકામવાળા ચંદરવા, તોરણો તેમ જ દરેક મૂર્તિનો સુંદર શણગાર આ નાનકડા મંદિરને ઝાકમઝોળ બનાવે છે. અન્ય દેવળોની સરખામણીએ આ મંદિર નાનું છે, મૂર્તિઓ પણ સામાન્ય છે; પણ માતા અને દેવાલયનું સત એવું છે કે ભક્તો દૂર-દૂરથી માઈને માથું ટેકવા આવે છે. માન્યતા છે કે અહીં આવીને પરિણીત મહિલા માતાનાં ચરણોમાં એક મીટર કપડું, સવા કિલો ચોખા, એક નારિયેળ અને પા કિલો મીઠાઈ કે સાકર સાથે ફૂલનો હાર અને અન્ય પૂજાનો સામાન ચડાવી (જેને ખોળો ભરવાની વિધિ કહે છે) માતા સમક્ષ સંતાનની માગણી કરે તો માતા એ શીઘ્ર પૂર્ણ કરે છે. આ પ્રથા ક્યારથી શરૂ થઈ એ વિશે અગેઇન કોઈ દસ્તાવેજો નથી, પરંતુ અહીંના પંડિતજીના કહેવા અનુસાર જ્યારથી માતાને અહીં સ્થાપિત કર્યાં ત્યારથી માતા સંતાનદાત્રી તરીકે પૂજાય છે. પૂજારી કહે છે, ‘આ પૂજા કે પરંપરા મંદિરે સ્થાપિત કરેલી નથી. પહેલાંના સમયમાં જ્યારે મેડિકલ વિજ્ઞાન બહુ વિકસિત નહોતું એ સમયે સંતાનસુખથી વંચિત કોઈ બહેને અહીં કામના કરી હશે અને તેને સાંત્વનરૂપે અમારા વડીલોએ કોઈ જડીબુટ્ટી આપી હશે. માઈની કૃપા થતાં તેમના ઘરે પારણું બંધાયું હશે અને એ વાત ધીમે-ધીમે પ્રસરી હશે ત્યારથી આ માન્યતા પ્રચલિત થઈ ગઈ છે. આમેય યશોદામૈયા અસીમ અને નિ:સ્વાર્થ મમતાનું પ્રતીક છે. ઉત્તર અને મધ્ય ભારતમાં યશોદા જયંતીએ પરિણીત સ્ત્રીઓ અને માતાઓ સંતાનપ્રાપ્તિ અને બાળકોની સુખાકારી માટે વ્રત કરે છે. એમાં ઉપવાસ કરવા ઉપરાંત તુલસીનાં પાન, ફૂલ, હળદર, ચંદન, નારિયેળ, કુમકુમ આદિથી કનૈયા અને મૈયાની પૂજા કરે છે. ગોકુલ ગામની સ્ત્રીઓ આજે પણ અચૂક આ વ્રત કરે છે.’
અનાયાસ શરૂ થયેલી ખોળો ભરવાની પ્રથા પહેલાં જન્માષ્ટમી અને નંદોચ્છવના દિવસે જ થતી હતી, પરંતુ એની લોકપ્રિયતા વધતાં હવે દર ગુરુવારે સવારે નવથી ૧૨ વાગ્યા દરમ્યાન અહીં માતાનાં ચરણોમાં આ વિધિ થાય છે. મંદિરમાં યશોદા જયંતીની ઉજવણી તો થાય છે, પરંતુ જન્માષ્ટમીના મહાઉત્સવનું આયોજન જબરદસ્ત રીતે થાય છે. ત્રણથી પાંચ દિવસ ચાલતા આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન કરવા ઊમટે છે. ભજનોની રમઝટ, ભવ્ય આરતી, ખાસ ભોગ, દીપમાળા તેમ જ નંદોત્સવ અને લલ્લાને પલનામાં ઝુલાવવા જેવા અનેક કાર્યક્રમો યોજાય છે. સ્થાનિક લોકો કહે છે કે એ વખતે એવી ભીડ હોય છે કે આખા બજારમાં માઈભક્તો જ દેખાય છે.
lll
આટલું જાણ્યા પછી યશોદામૈયાને જગતના પાલનહારનું લાલન-પાલન કરવાનો મોકો કેમ મળ્યો એ પ્રશ્ન થયો. વેલ, એનો ઉત્તર મેળવવા આપણે યશોદામાઈના પૂર્વજન્મમાં ડોકિયું કરીએ.
ઇન્દ્ર મહારાજ તેમ જ વિષ્ણુ ભગવાનની સેવામાં હંમેશાં આઠ વસુઓ તહેનાત રહે છે. એમાંના એક દ્રોણ નામના વસુની ધરા નામે પત્ની હતી. દ્રોણ અને વસુએ ખૂબ ઉચ્ચ ભાવે સાધના અને યોગ કરીને બ્રહ્માજી-વિષ્ણુના અવતારની વાત્સલ્યભક્તિ કરવાનું વરદાન મેળવ્યું હતું. આથી યશોદાએ વ્રજના કોષાધ્યક્ષ સુમુખા અને પાટલાદેવીના ઘરે જન્મ લીધો અને દ્રોણ થયા નંદ. યુવાન વય થતાં વ્રજના રાજા નંદ સાથે યશોદાના વિવાહ થયા. પરિણય બાદ લાંબા અરસા પછી તેમના ઘરે યોગમાયા નામે પુત્રી જન્મી અને એ જ સમયે મથુરાના કારાવાસમાં વસુદેવ (જે નંદબાબાના મિત્ર તેમ જ પિતરાઈ ભાઈ હતા) તથા દેવકીનો આઠમો પુત્ર જન્મ્યો. કંસથી પુત્રને બચાવવા વરસતા વરસાદમાં વસુદેવ નવજાત શિશુને નંદના ઘરે લાવ્યા અને તેની પુત્રીને જેલમાં લઈ ગયા. બાળજન્મના સમાચાર જાણીને કંસે નંદની પુત્રીને દેવકીનું આઠમું સંતાન જાણીને તેને મારી નાખવા કોટડીની દીવાલ પર પટકી તો તે યોગમાયા લીલા કરીને ત્યાંથી ઊડી ગઈ અને આ બાજુ વસુદેવ-પુત્ર કૃષ્ણ નંદના લાલ બની રહેવા લાગ્યા અને અવનવી લીલાઓ કરવા લાગ્યા.
આમ યશોદા-નંદને મળેલું વરદાન પૂરું થયું. તેમણે વિષ્ણુના અવતારને બેસુમાર લાડ-પ્યાર આપીને તેની પ્રેમભક્તિ કરી.
નાઓ બૅક ટુ માલવા ક્ષેત્ર. એક સમયે પેશવાઓ અને હોલકરોની સમૃદ્ધ રાજગાદી રહેલા ઇન્દોર વિશે કહેવાય છે કે આ ક્ષેત્રમાં ઇન્દ્ર ભગવાને સ્વયં આવીને શિવસાધના કરી હતી. એની સાબિતીરૂપે અહીં ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજે છે એ મંદિર તો જજો જ, સાથે અન્નપૂર્ણા માતાના મંદિરે પણ જજો. સ્થાનિક લોકોને આ માઈમાં પણ અતૂટ શ્રદ્ધા છે. મીનાક્ષી મંદિરની મિની આવૃત્તિ જેવું આ મંદિર નવમી સદીમાં બનેલું છે. એ જ રીતે હોલકર વંશનાં અહિલ્યાબાઈએ નિર્માણ કરાવેલું ખજરાના ગણપતિ ઇન્દોરવાસીઓનું ફેવરિટ ટેમ્પલ છે. ૧૯૦૩માં જૈન શ્રેષ્ઠીએ બનાવડાવેલું કાચનું જિન મંદિર વર્લ્ડનું મોસ્ટ બ્યુટિફુલ ઓલ્ડ ગ્લાસ ટેમ્પલ છે. કોઈ આધુનિક મશીનરી વગર રંગબેરંગી કાચને ચોક્કસ કદમાં કાપવા અને ફિટ કરવા કારીગરોએ કેવી જહેમત ઉઠાવી હશે એ આ દેરાસર જોયા પછી જ ખ્યાલ આવશે.
અરે, મુંબઈથી ઇન્દોર કેવી રીતે જવાય એ કહેવાનું રહી ગયું. તેમને ખબર છે કે મુંબઈથી ઇન્દોરની ડાયરેક્ટ પ્લેન-સર્વિસ છે અને ઇન્દોર જતી દરરોજની બે એક્સપ્રેસ ટ્રેન છે. હવે રહેવાની સગવડની વાત કરીએ તો ઇન્દોર મધ્ય પ્રદેશ રાજ્યનું મુખ્ય શહેર હોવાથી શહેરના દરેક મુખ્ય એરિયામાં દરેક કૅટેગરીની હોટેલ તથા ગેસ્ટહાઉસ છે અને જમવાની વ્યવસ્થાનું તો પૂછવું જ શું? મહારાષ્ટ્રિયન, રાજસ્થાની, ગુજરાતી, બુલંદી જેવા મિક્સ કલ્ચર ધરાવતા આ શહેરમાં બાટીથી લઈ બર્ગર અને પાસ્તાથી લઈ પૌંઆ બધું જ ટૉપ ક્લાસ મળે છે. એન્ડ ઓન્લી નાઇટ ફૂડ-સ્ટ્રીટ તો છે જને. અને હા, સર્રાફા બજાર કે છપ્પન દુકાન નહીં ગએ તો ક્યા ખાક ઇન્દોર ગએ?
કળિયુગમાં યશોદામાતા છે વકુલાદેવી
કહેવાય છે કે યશોદામૈયા પોતાના લલ્લાના વિવાહ નહોતાં જોઈ શક્યાં. એ પહેલાં જ તેમનો દેહાંત થઈ ગયો હતો. દક્ષિણ ભારતીય ધર્મગ્રંથ મુજબ વિષ્ણુ કળિયુગમાં વેન્કટેશ્વરરૂપે જન્મ્યા અને યશોદામાતા તેમનાં પાલક માતા વકુલાદેવીરૂપે પુનર્જન્મ પામ્યાં. ભગવાને આપેલા વચન થકી વકુલામાતાએ વેન્કેટેશ્વર અને પદમાવતીનાં મંગળ લગ્ન જોયાં. તેલંગણના પ્રસિદ્ધ તીર્થ તિરુમાલાથી ૧૦ કિલોમીટર દૂર પેરુબાંડામાં વકુલાદેવીનું મંદિર છે અને શ્રી બાલાજીની પૂજા પહેલાં અહીં માતાની પૂજા કરવામાં આવે છે.

