મિત્રવર્ગ વચ્ચે મારી ઓળખાણ માત્ર કૃપણ તરીકેની જ નહીં, ક્રૂર તરીકેની પણ ખરી! તુચ્છ તરીકેની જ નહીં, શૂદ્ર તરીકેની પણ ખરી! કૃતજ્ઞ તરીકેની જ નહીં, કુટિલ તરીકેની પણ ખરી! પણ ગઈ કાલે એક એવો પ્રસંગ બની ગયો કે જેણે મને ચોધાર આંસુએ રડવા મજબૂર કરી દીધો.’
પ્રતીકાત્મક તસવીર
‘મહારાજસાહેબ, મિત્રવર્ગ વચ્ચે મારી ઓળખાણ માત્ર કૃપણ તરીકેની જ નહીં, ક્રૂર તરીકેની પણ ખરી! તુચ્છ તરીકેની જ નહીં, શૂદ્ર તરીકેની પણ ખરી! કૃતજ્ઞ તરીકેની જ નહીં, કુટિલ તરીકેની પણ ખરી! પણ ગઈ કાલે એક એવો પ્રસંગ બની ગયો કે જેણે મને ચોધાર આંસુએ રડવા મજબૂર કરી દીધો.’
થોડા દિવસ પહેલાં એક યુવક મળવા આવ્યો. વંદન કર્યાં અને પછી તેણે વાત શરૂ કરી. એ યુવકની વાત મેં ધ્યાનથી સાંભળવાની શરૂ કરી.
ADVERTISEMENT
‘ગઈ કાલે હું એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે રિક્ષાની રાહ જોતો રસ્તાની એક બાજુએ ઊભો હતો અને એક ખાલી રિક્ષા મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. મેં તેને મારે જે સ્થળે જવું હતું એ સ્થળનું નામ કહ્યું એટલે તેણે મારી પાસે ૧૦૦ રૂપિયા માગ્યા. મેં તેને ના પાડી દીધી. બીજો રિક્ષાવાળો તેની પાછળ જ આવીને ઊભો રહી ગયો. મેં તેને વાત કરી, તેણે પણ ભાડું ૧૦૦ રૂપિયા કહ્યું એટલે મેં તેને પણ રવાના કરી દીધો. એ પછી ત્રીજો રિક્ષાવાળો આવ્યો. એ કંઈ બોલે એ પહેલાં જ મેં તેને કહ્યું, ‘૭૫માં લઈ જવો હોય તો...’ પણ મારી વાત પૂરી સાંભળ્યા વિના જ તેણે મને જવાબ આપી દીધો.’
‘શું જવાબ આપ્યો?’
‘પચાસ રૂપિયા આપજો શેઠ, બેસી જાઓ...’
પેલા યુવકે મને કહ્યું એટલે મારી આંખો પણ અચરજથી પહોળી થઈ, જે જોઈને એ યુવકે તરત જ વાત આગળ વધારી, ‘આવી જ રીતે, આવી જ રીતે મહારાજસાહેબ, મારી આંખો પણ પહોળી થઈ. મેં તેને કારણ પૂછ્યું કે બધા તો ૧૦૦ રૂપિયા માગે છે તો પછી તું કેમ પ૦ રૂપિયામાં આવવા તૈયાર થઈ ગયો ને એ પણ પૂરી વાત સાંભળ્યા વિના...’
વાત તાજી થતાં એ યુવકની આંખો ફરીથી ભીની થઈ, ‘ગુરુદેવ, તેણે કહ્યું કે શેઠ, મારા પિતાનું શબ ઘરમાં પડ્યું છે. તેમના અગ્નિસંસ્કાર કરવાના મારી પાસે પૈસા નથી અને કોઈ પણ હિસાબે મારે આજે તો તેમના અગ્નિસંસ્કાર કરવા જ પડે એમ છે કારણ કે ગઈ કાલથી શબ ઘરમાં પડ્યું છે.’
એ યુવકે રડતી આંખે ફરી હાથ જોડ્યા.
‘મહારાજસાહેબ, રિક્ષાવાળાના મોઢે હું આગળ કાંઈ જ સાંભળી ન શક્યો. ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયા કાઢીને તેના હાથમાં આપતાં હું ચોધાર આંસુએ રડી પડ્યો. વરસો પછી હું કો’કના દુઃખે કદાચ દુખી થયો હોઈશ.’
જીવનની આ વાસ્તવિકતા છે. બીજાના દુઃખે દુખી થનારો અરિહંત પામતો હોય છે ને બીજાના દુઃખમાં સહભાગી થનારાને અરિહંત પ્રાપ્ત થતા હોય છે.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.