માનવજાત જો પોતાની બેફામ જીવનશૈલીમાં તત્કાળ પરિવર્તન નહીં લાવે તો હવે એ દિવસ દૂર નથી કે વિશ્વની અડધા કરતાં વધુ વસ્તી પીવાના પાણી માટે ફાંફાં મારશે
જીવન-જ્ઞાન
પ્રતીકાત્મક તસવીર
દરિયાઈ માર્ગે મુસાફરી કરનારા એક સાહસિકનો અનુભવ ધ્રુજાવી દેનારો છે. દરિયામાં તોફાન આવતાં તેણે સ્ટીમર છોડવી પડી. એક નાની બોટમાં તેણે સ્થાન લીધું. દિશાસૂઝ વગર તે આમતેમ અથડાતો રહ્યો. પૂરા બે મહિના સુધી ઝઝૂમ્યો. ખોરાક તો ખૂટી ગયો, પાણી પણ ખૂટી ગયું. ચારેય દિશામાં પાણી અને એ પછી પણ તે પીવાના પાણી માટે તરસતો રહ્યો હતો. બે મહિને કિનારો મળ્યો. પછી નિરાંતે તેણે આ અનુભવને લખાણનું સ્વરૂપ આપ્યું જેનું મથાળું હતું, ‘60 days in Pacific.’
પાણીની જરૂરિયાત અને પાણી વગરનો તરફડાટ બધું જ એ લખાણમાં શબ્દસ્થ થયું. યાદ રહે કે ખોરાકની જેમ પાણી પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે એક પ્રાઇમ નેસેસિટી છે. ઇન ફૅક્ટ, ખોરાક કરતાં પણ અગ્રક્રમે પાણીને રાખી શકાય. ધરતીના ૭પ ટકા ભાગમાં પાણી છે જેમાંથી ૯૭.પ ટકા પાણી ખારું છે. પીવાલાયક પાણી પૃથ્વીના કુલ જળજથ્થાના માત્ર અઢી ટકા છે અને એમાંથી પણ મોટા ભાગનું પાણી આઇસકૅપ, ગ્લૅસિયર્સ, ભૂગર્ભ જળ રૂપે છે.
ADVERTISEMENT
નદી-તળાવ વગેરેનું પીવાલાયક પાણી તો માત્ર ૦.૩ ટકા જેટલું છે. માનવજાત જો પોતાની બેફામ જીવનશૈલીમાં તત્કાળ પરિવર્તન નહીં લાવે તો હવે એ દિવસ દૂર નથી કે વિશ્વની અડધા કરતાં વધુ વસ્તી પીવાના પાણી માટે ફાંફાં મારશે. અત્યારે જ દુનિયાની ૪૧ ટકા વસ્તીને આવરી લેતા ૮૦ જેટલા દેશોમાં વૉટર-ક્રાઇસિસ છે. સપ્લાયના પ્રમાણમાં વપરાશનો દર જ્યારે ઘણો ઊંચો જાય ત્યારે દર છઠ્ઠો માણસ પીવાલાયક પાણીની તંગીની સમસ્યાનો શિકાર બની શકે છે. નિષ્ણાતોના મતે હવે પાણીના મુદ્દે યુદ્ધ થઈ શકે છે. બીજી બાજુ પાણી પર્સનલ પ્રૉપર્ટી બની જઈ વધુ દુર્લભ પણ થઈ શકે છે. જગ્યાની તંગી હોય ત્યારે માણસ ઓછી જગ્યામાં સામાન ગોઠવે. ઘરમાં રસોઈ ખૂટે તો એકાદ રોટલી ઓછી લઈને નભી જાણે. આવક સીમિત હોય ત્યારે ખોટા ખર્ચથી તે બચતો રહે, પરંતુ પાણીની અછત ડોકાતી હોવા છતાં માણસ પાણીના વેડફાટને અટકાવતો નથી.
ધરતીની છાતી પર પડેલા ચીરા બતાવતી સૂકા સરોવરની તસવીરો ઉનાળામાં કાયમ છાપે ચડે. પાણીનાં ટૅન્કરની ફરતે વળતાં ટોળાં, ગામડાંઓમાં કૂવાનાં ઊંડાં જળ કાઢવા થતી જીવલેણ મથામણ, ધગધગતી સડકો પર માથે બેડાં લઈને પાણી લેવા માટે અનેક કિલોમીટર સુધી ચાલીને જતી મહિલાઓ આપણા વિકાસશીલ ભારતની બોલતી તસવીરોમાં ઝિલાય છે ત્યારે આ ચોમાસામાં પાણીના સંગ્રહ વિશે સમાજ જાગ્રત થાય તો માનવધર્મ સમાન છે અને જગતમાં માનવધર્મથી મોટો કોઈ ધર્મ નથી.
- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ (આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેઇન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.)