મહાત્મા ગાંધીએ પણ અહિંસાના સંદેશને ખોટી રીતે આગળ ધપાવ્યો, પણ હકીકત એ છે કે સનાતને ક્યારેય એવું કહ્યું નથી કે હિંસા પાપ છે અને અહિંસા પુણ્ય છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
હિંસા વિનાનું જીવન શક્ય જ નથી, સંભવ જ નથી. આ વાતનો અનાદર કરીને પણ જેણે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે તે પોતાના પર જ નહીં, અન્ય પર પણ જુલમ કરે છે અને તેને એમાં એવું લાગે છે કે પોતે ધર્મનું પાલન કરે છે. અહિંસાનો સંદેશો કેવા સમયે અને કયા કાળમાં પ્રસરાવવામાં આવ્યો હતો એ સાચી રીતે જાણ્યા વગર આગળ વધવું ગેરવાજબી છે. મહાત્મા ગાંધીએ પણ અહિંસાના સંદેશને ખોટી રીતે આગળ ધપાવ્યો, પણ હકીકત એ છે કે સનાતને ક્યારેય એવું કહ્યું નથી કે હિંસા પાપ છે અને અહિંસા પુણ્ય છે. હિંસા પાપ ત્યારે જ છે જ્યારે એ સ્વાર્થ સાથે કે બીજાના અહિત માટે અમલમાં મૂકવામાં આવે છે, પણ જો કોઈની રક્ષા કાજ કે પછી કોઈના હિત માટે હિંસાનો માર્ગ અપનાવવામાં આવે તો એ હિંસા પુણ્યથી પણ આગળ છે. તમે જ વિચારો કે માણસ રસ્તા પર જતો હોય, તેની પાસે હથિયાર હોય અને તે જુએ કે એક અબળા નારીને કોઈ રસ્તામાં રોકીને તેની સાથે ખરાબ વર્તન કરે છે. તેણે પ્રેમથી, હાથ જોડીને અહિંસાની દુહાઈ આપીને કહેવું જોઈએ કે મારી પાસે હથિયાર છે પણ ભાઈ, હું અહિંસાનો ચુસ્ત આગ્રહી છું એટલે તને વિનંતી કરું છું કે તું આ કન્યાને છોડી દે.
ધારો કે આવી વિનંતી કરવામાં આવી તો શું તમે માનો છો કે એની અસરકારકતા હશે? ધારો કે આવી વિનંતી કરી પણ ખરી અને પેલા મવાલીએ ત્યાર પછી પેલી કન્યાને ન છોડી તો બચાવવા આગળ આવનારી વ્યક્તિએ શું કરવાનું? ‘ભલું થયું ભાંગી જંજાળ’ એવું કહીને ત્યાંથી નીકળી જવાનું અને પોતે અહિંસાને વળગી રહ્યો એ વાતનો હર્ષ અનુભવવાનો કે પછી અહિંસાની વાતને પોકળ માનીને પોતાના હથિયારનો ઉપયોગ કરીને પણ પેલી અબળા નારીને બચાવવાનું કાર્ય કરવાનું?
ADVERTISEMENT
ધર્મ અને શાસ્ત્ર પણ એ જ વાત સૂચવે છે કે જો સામે ઊભેલો મવાલી ન માને તો તેણે હથિયાર દેખાડવું જ રહ્યું અને હથિયાર જોઈને પણ જો પેલો માને નહીં તો એ હથિયાર ચલાવવું એ જ તેનો ધર્મ ગણાય. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધે એ સમયે અહિંસાની વાત કરી હતી જે સમયે હિંસા ચરમસીમા પર હતી. નાની-નાની વાતમાં બકરાં-ઘેટાં કાપીને મિજબાની થતી. જંગલમાં જઈને શિકાર થતા અને એ બધું શોખ ખાતર થતું. શોખ કે આનંદ ખાતર થતી હિંસા નરકના દરવાજા ખોલવાનું કામ કરે છે, પણ કોઈના હિત માટે, કોઈના લાભ માટે, કોઈની ભલાઈ માટે થતી હિંસા સ્વર્ગમાં સમાવિષ્ટ કરવાનું કામ કરે છે માટે હિંસા અને અહિંસાની વ્યાખ્યાને સુયોગ્ય રીતે સમજવામાં આવે એ અત્યંત જરૂરી છે.