આપણી સંસ્કૃતિમાં વિવિધ પ્રકારનાં લગ્નગીતોનો ઉલ્લેખ છે, જેમાં વ્યંગ અને મીઠી મજાક સાથે ગાવામાં આવતાં ફટાણાં ગીતોની આગવી ઓળખ છે.
શાદી મેં ઝરૂર આના
પ્રતીકાત્મક તસવીર
એક સમયે લગ્નની જુદી-જુદી વિધિઓ દરમિયાન વરરાજા, અણવર, વેવાઈવેલાં, ગોરબાપા અને જાનૈયાઓ માટે વ્યંગમાં ગવાતાં ફટાણાં ગીતો આ વર્ષની વેડિંગ સીઝનમાં ફરી સાંભળવા મળી રહ્યાં છે ત્યારે સમયની સાથે ફટાણાં ગાવાની કળામાં કેવા બદલાવ આવ્યા તેમ જ આ પ્રથાનું કેટલું મહત્ત્વ રહ્યું છે એ જાણીએ
ઘુમ્મરિયું રે ઘુમ્મરિયું
વરની માને બોલાવો રે
ઘુમ્મરિયું રે ઘુમ્મરિયું
તમે કે’દીના કાલાવાલા કરતાં’તાં
તમે અમારાં બેનબાને જોતાં’તાં
નકામી વાયડાઈ મેલો મારા વેવાઈ
તમે કે’દીના કાલાવાલા કરતાં’તાં
ADVERTISEMENT
આ વર્ષની વેડિંગ સીઝનમાં એક લગ્નપ્રસંગમાં તેજલ કલસારિયાને ફટાણાં ગાતાં જોઈ ઉપસ્થિત મહેમાનો અને લગ્નગીતો ગાવા માટે બોલાવવામાં આવેલા કલાકારો કાન દઈને સાંભળવા લાગ્યા. કલાકારોએ તો તેજલબહેન પાસેથી ફટાણાં વિશે જાણવાનો પ્રયાસ પણ કર્યો. આપણી સંસ્કૃતિમાં વિવિધ પ્રકારનાં લગ્નગીતોનો ઉલ્લેખ છે, જેમાં વ્યંગ અને મીઠી મજાક સાથે ગાવામાં આવતાં ફટાણાં ગીતોની આગવી ઓળખ છે. વરરાજા, વેવાઈ, અણવર, ગોરબાપાને લક્ષમાં રાખીને ફટાણાં ગાવામાં જે બહેનોની માસ્ટરી હોય તેમને વિધિ ટાણે હાજર રહેવાનું ખાસ આમંત્રણ આપવામાં આવતું. સમયની સાથે ફટાણાં ગીતોનું અસ્તિત્વ નષ્ટ થતું ગયું અને મ્યુઝિકલ ઇવેન્ટ રાખવાનો ટ્રેન્ડ વધી ગયો. જોકે ઉપરોક્ત પ્રસંગ સૂચવે છે કે હજીયે આ કળાના ચાહકો છે. શું ફટાણાં ગીતો ફરી ટ્રેન્ડમાં આવી ગયાં છે? ચાલો જાણીએ.
રસ પડ્યો
ફટાણાં ગાવામાં માસ્ટરી ધરાવતાં ગોરેગામનાં તેજલ કલસારિયા કહે છે, ‘અગાઉ લગ્નપ્રસંગોમાં ફટાણાં ગાવાની રસાકસી જામતી. ગીતોના માધ્યમથી કરવામાં આવતી મજાક-મશ્કરીથી વેવાઈવેલાં નારાજ થઈ જાય અને વાતાવરણ ઉગ્ર બને એવી ઘટનાઓ ઘટતી. વડીલોએ હસ્તક્ષેપ કરી બધાને શાંત રાખવા પડતા. ત્યાર બાદ વડીલોના સૂચનથી વરરાજા, અણવર અને ગોરબાપાની મશ્કરી કરવા સુધીનાં મર્યાદિત ફટાણાં ગવાતાં. ધીમે-ધીમે એ પણ બંધ થઈ ગયું. આજે વરપક્ષ અને કન્યાપક્ષ બધી રીતે સમકક્ષ બન્યા છે. પ્રસંગને અનુરૂપ મશ્કરી થઈ રહી છે, મહેણું નથી એવી સમજણ વિકસતાં ફરીથી ફટાણાં ગાવાનો ટ્રેન્ડ આવ્યો છે. જોકે અમારા વાટલિયા પ્રજાપતિ સમાજમાં ફટાણાં ગાવાનો રિવાજ હંમેશાંથી છે. ફટાણાં ગાવાની કુદરતી ટૅલન્ટ અને સર્કલ ઘણું મોટું એટલે અન્ય જ્ઞાતિના પ્રસંગોમાં પણ ઉત્સાહિત થઈ જાઉં. કપોળ અને કચ્છી સમાજના લગ્નપ્રસંગોમાં ફટાણાં ગાતી વખતે એવી રંગત જામી કે આ જ્ઞાતિની કેટલીક બહેનોએ પણ સાથ પુરાવ્યો.’
આ પણ વાંચો : રેડી ફૉર પર્ફેક્ટ પાર્ટી લુક?
નવીનતા જોઈએ
જૂની સ્ટાઇલનાં ફટાણાં આજની પેઢીને સમજાય નહીં તેથી નવતર પ્રયોગ કરતી રહું છું. ઘુમ્મરિયું રે... ગુજરાતી આલબમ છે. આવાં ઘણાં ગીતો છે જેમાં એ જ રાગમાં પોતાની ફાવટ પ્રમાણે અને વિધિને અનુરૂપ શબ્દો ઉમેરી ફટાણાં ગીત બનાવી શકાય. એક પ્રસંગને યાદ કરતાં તેઓ કહે છે, ‘લગ્નમાં પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી ફરતું હતું ત્યારે કન્યાના મામાજીએ ઉતાવળમાં સીલ તોડ્યા વિના ગ્લાસ મોઢે માંડ્યો. ફટાણાં ગાતી વખતે તેમનો ઉલ્લેખ કર્યો તો મને આવીને કહેવા લાગ્યા કે તમારું ઑબ્ઝર્વેશન ગજબનું છે. મને પકડી પાડ્યો. ફટાણાં ઇનબિલ્ટ ટૅલન્ટ છે. એ લખી ન શકાય, જાતે બનાવવાં પડે. નવાં અને જૂનાં લોકપ્રિય ગીતો પરથી બનાવેલાં ફટાણાં વાતાવરણને હળવું રાખવાની સાથે પ્રસંગને યાદગાર બનાવે છે.’
વ્યંગાત્મક ફટાણાં
૧) લાડા તારો અણવર પાછો વાળ,
અણવર લજામણો રે લોલ,
અણવરને નળિયા જેવડું નાક
અણવર લજામણો રે લોલ
૨) પારકે માંડવે રૂપાલી વહુ આવડો શું લટકો
વિવા વીતશે કાઠી મુકાશે પછી ચડશે ચટકો
૩) ગોરને ફળિયા જેવડી ફાંદ ગોર લટપટિયા રે
ગોરને સૂપડા જેવા કાન ગોર લટપટિયા રે
જૂના સમયનાં ફટાણાં ગાવાની ગજબની ફાવટ ધરાવતાં કલ્યાણનાં સુધા ભટ્ટ ઉપરોક્ત કડીઓ શૅર કરતાં કહે છે, ‘ફટાણાંના માધ્યમથી કન્યાપક્ષની બહેનો અણવરના શરીરનાં જુદા-જુદા અંગોની મશ્કરી કરે. જાન માંડવે આવે ત્યારે ગોરબાપાની મજાક ઉડાડે. જાનૈયાને અલવી-ચલવું પીરસવા જાય ત્યારે વરપક્ષના પરિવારની વહુઓનાં નામ લઈને વ્યંગ કરે. સામેથી જવાબ ન મળે તો ગાશે, ‘મારી વેવાણને ગાણાં ગાતાં આવડે તો સવાશેરનો મલીદો કરીશ’ પછી પૂરા જોરથી કહેશે, ‘કરશે મારી અલ્લા કરશે મારી બલ્લા ભૂલી જ ગઈ’ ત્યાં વરપક્ષવાળા કન્યાના ભાઈ માટે કહેશે, ‘ચિરાગભાઈની છઠી લખાય જમ્પર ઝાંઝરિયા રે, તાવડીમાં કુલેર શેકાય જમ્પર ઝાંઝરિયા રે’ આવાં તો અઢળક ફટાણાં છે. ગાતાં હોઈએ ત્યારે સામે પક્ષેથી જવાબ આવવો જોઈએ. સામસામે રસાકસી લગ્નપ્રસંગને મજેદાર બનાવે છે.’
આ પણ વાંચો : ક્યા ખૂબ લગતી હો!
જૂનાં ફટાણાં ગીતો હવે કોળી-ભરવાડ સમાજ પૂરતાં મર્યાદિત થઈ ગયાં છે. બ્રાહ્મણ સમાજમાં લગ્નપ્રસંગ સૌરાષ્ટ્રમાં હોય તો સાંભળવા મળે, પરંતુ મુંબઈમાં ભાગ્યે જ કોઈને આવડતાં હશે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘મારી દીકરીનાં લગ્નનું આયોજન ગુજરાતમાં હતું ત્યારે ફટાણાંની સારીએવી રમઝટ જામી હતી. દીકરાનાં લગ્ન મુલુંડમાં થયાં છે. અહીં કોઈને આવડતાં નહોતાં. ફટાણાં ગીતોની ખાસિયત એ છે કે બન્ને પક્ષને આવડવાં જોઈએ. મને ઘણાં જૂનાં ફટાણાં આવડે છે. દેશમાં લગ્ન હોય ત્યારે ગાઈએ. સમયની સાથે ફટાણાં ભુલાઈ નથી ગયાં પણ શહેરનાં લગ્નોમાં એનું ચલણ ઓછું છે.’
ફટાણાં ગીતોની ખાસિયત એ છે કે વરપક્ષ અને કન્યાપક્ષ બન્નેને આવડવાં જોઈએ. સમયની સાથે ફટાણાં ભુલાઈ નથી ગયાં પણ શહેરની મહિલાઓને આવડતાં ન હોવાથી મુંબઈમાં આયોજિત લગ્નપ્રસંગોમાં એનું ચલણ સ્વાભાવિકપણે ઓછું છે. સુધા ભટ્ટ
કલાકારો શું કહે છે?
લગ્નગીતો ગાવા માટે જાણીતાં ધારિણી ઠક્કર કહે છે, ‘ફટાણાં ગીતોના માધ્યમથી મહેણાં મારવાની પ્રથાના કારણે એકબીજાને ખરાબ લાગી જતું તેથી ધીમે-ધીમે અલિપ્ત થઈ ગયાં. બીજું એ કે ફટાણાં ગીતોના શબ્દો બહુ અઘરા છે. નવી જનરેશનને એનો અર્થ સમજાતો નથી. ઘણા નવા કલાકારોને તો ફટાણાં વિશે જાણકારી પણ નહીં હોય. ચોક્કસ જ્ઞાતિમાં ફટાણાં ગાવાની પ્રથા અસ્તિત્વમાં હાઈ શકે છે, પરંતુ ટ્રેન્ડ શરૂ થયો એવું ન કહી શકાય. અત્યારે લગ્નવિધિ દરમિયાન વૈદિક શ્લોક ટ્રેન્ડિંગ છે. બન્ને પક્ષ અલગ-અલગ સમાજના હોય ત્યારે ટ્રેડિશનલ ગીતો કરતાં શ્લોકોની વધારે ઇમ્પૅક્ટ પડે છે, કારણ કે એ સંસ્કૃત ભાષામાં લખેલા છે. લગ્નની સામાજિક પ્રથાઓ જુદી હોઈ શકે, પરંતુ વૈદિક વિધિ બધાની એક જ છે. ગોરબાપા અહીં ચોખા મૂકો ને અહીં પાણી મૂકો બોલીને મંત્રોચ્ચાર કરે, જ્યારે અમે શ્લોકની સાથે એનો અર્થ સમજાવીએ છીએ. તેથી યુવાપેઢી કનેક્ટ થાય છે.’
ત્રણ દાયકાથી લગ્નગીતો ગાવામાં માહેર જિગીષા રાંભિયા કહે છે, ‘લગ્નપ્રસંગમાં ફટાણાં એવરગ્રીન કહેવાય. મારું માનવું છે કે નવા સંબંધની શરૂઆત મીઠી મજાક સાથે થવી જોઈએ. નદીકિનારે સરોવરની પાળે, સિસોટી વગાડે મારો ભાઈ... પછી લીલા વનમાં લીંબુડી ઝાઝી.. આ ગીતોની બ્યુટી છે. અમે એવા કાર્યક્રમો કર્યા છે જેમાં ફટાણાં ગીતો ગાવા માટેનું દોઢ કલાકનું સેશન રહેતું. અત્યારના ટ્રેન્ડમાં લગ્નગીતો મરી પરવાર્યાં છે ત્યાં ફટાણાંની શું વિસાત? વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર ગોરબાપા કરે જ છે, પછી એને મ્યુઝિકલી ગવડાવવાની જરૂર નથી. એના કારણે ટ્રેડિશનલ લગ્નગીતો વિસરાઈ ગયાં. જોકે દરેક પ્રોફેશનમાં અસ્તિત્વ ટકાવી રાખવા ક્લાયન્ટ્સને ગમે એ પ્રેઝન્ટ કરવું પડે. આપણા જૂના વારસાને જાળવી રાખવું એ લોકોની અને કલાકારોની સહિયારી જવાબદારી છે. લોકોની માન્યતા બદલાશે તો કલાકારો પ્રાચીન લગ્નગીતો અને ફટાણાં પીરસવા તૈયાર છે. આવતા અઠવાડિયે કચ્છી સમાજના લગ્નપ્રસંગ માટે ક્લાયન્ટ્સે જૂનાં ગીતોનું લિસ્ટ આપ્યું છે. એને ગાવા માટે ઉત્સાહિત છું.’