માણસો સારા હોય, પણ વાસના સારી હોતી નથી. એ તો આંધળી અને આંધી જેવી હોય છે. ક્યારે કોને ક્યાં ઉડાડી મૂકે એ કહેવાય નહીં એટલે પરિવારના પ્રૌઢ જનોએ પોતાનાં જુવાન સ્ત્રીપાત્રોની હંમેશાં રક્ષા કરવી ઘટે.
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
માણસો સારા હોય, પણ વાસના સારી હોતી નથી. એ તો આંધળી અને આંધી જેવી હોય છે. ક્યારે કોને ક્યાં ઉડાડી મૂકે એ કહેવાય નહીં એટલે પરિવારના પ્રૌઢ જનોએ પોતાનાં જુવાન સ્ત્રીપાત્રોની હંમેશાં રક્ષા કરવી ઘટે. હું જ્યાં રહું છું એ વિસ્તારમાં આદિવાસીઓની વસ્તી બહુ મોટી. માણસો બહુ ભોળા અને ક્યાંય પેટમાં પાપ નહીં, પણ જરૂર પડે તો કોઈ પણ અધમ કૃત્ય કરતાં ખચકાટ થાય નહીં. હું તેમની સાથે અવારનવાર વાતો કરવા બેસું. ઘણી વાર ભણેલા કરતાં આવા અભણ વધારે સારી વાત કરી જાય. એક આદિવાસી પાસેથી સાંભળેલી એવી જ એક વાત તમને કહેવી છે.
શહેરમાં આજકાલ માબાપ એવું બહુ બોલતાં હોય છે કે અમે તો અમારાં દીકરા-દીકરીને બધી છૂટ આપીએ છીએ, ક્યાંય કોઈ બંધન નહીં. બસ, બધી વાતે સ્વતંત્રતા. આવી જ વાત સાંભળીને એક આદિવાસીએ કહ્યું હતું કે બાપજી, ખાડામાં પડવાની છૂટને સ્વતંત્રતા ન કહેવાય. કેટલી સરસ અને સાચી વાત. હવે મોટા ભાગના ભણેલાગણેલા લોકોમાં આ બનતું થઈ ગયું છે. અમે તો બધી સ્વતંત્રતા આપીએ, પણ સ્વતંત્રતાના નામે ઘણી વાર માબાપ પોતે જવાબદારીમાંથી છટકવાનું કામ કરતાં હોય છે. જોયું નહીં, જાણ્યું નહીં તો પછી દાઝવાનું ક્યાંથી બનવાનું? પણ એ કરવું મહાપાપ છે. દરેક માબાપે સમજવાની જરૂર છે તો સાથોસાથ તેમનાં સંતાનોએ પણ સમજવાની જરૂર છે કે ખાડામાં પડતાં અટકાવનારાં બંધનોને ગુલામી ન કહેવાય. પશુ માટે ખીલો મંગળકારી છે. ખીલે બંધાયેલું પશુ ખાણ અને રક્ષા પ્રાપ્ત કરે છે તેમ જ જુવાની પણ જો સમય રહેતાં ખીલે બંધાઈ જાય તો રક્ષા અને સુખ મેળવે છે. ખીલે ન બંધાવું એ સ્વતંત્રતા નથી, પણ હરાયાપણું છે. ઘરના—પરિવારના વડીલો પોતાનાં આશ્રિતોનો ખીલો છે. તેમની આજ્ઞામાં રહેવું એ ગુલામી નથી, પણ સુરક્ષાકવચ છે.
ADVERTISEMENT
સુરક્ષાકવચનું જેણે પણ માન નથી જાળવ્યું એ સૌકોઈ જીવનના કોઈ ને કોઈ તબક્કે દુખી થયા છે. નાનપણથી આપવામાં આવેલી છૂટને કારણે ઘર-પરિવારના વડીલોનું અને તેમના દ્વારા આપવામાં આવતા સુરક્ષાકવચનું માન નથી જળવાતું. એ સુરક્ષાકવચમાં ક્યાંક ને ક્યાંક કચકચ દેખાવાની શરૂ થઈ જાય છે, પણ જો રાજા દુષ્યંત પણ કામાતુર થઈ જતો હોય અને મુગ્ધા શકુંતલા સાથે છૂટછાટ લઈ બેસતો હોય તો આજના દુશાસનો વચ્ચે કોઈ મુગ્ધા સલામત નથી એ વાત માબાપ અને મુગ્ધા સૌકોઈએ સહજ રીતે સ્વીકારીને આગળ વધવું જોઈએ અને મનમાંથી એ વાતને હાંકી કાઢવી જોઈએ કે બંધન ગુલામી છે. સામાજિક જીવન દરમ્યાન મળનારું બંધન સુરક્ષાનું પ્રતીક હોય છે.