ઉત્તરાંચલસ્થિત કેદારબાબાને ભેટવા જવાના છો? તો એ પહેલાં ટ્રાયલ રૂપે મહારાષ્ટ્રના કેદારનાથની યાત્રા કરી આવો. જોકે ૧૧૦૦ વર્ષ પૂર્વે બનેલા હરિશ્ચંદ્રગઢની ગુફાઓમાં બિરાજમાન કેદારેશ્વરના દીદાર કરવા પણ ભોલેબાબાના આશીર્વાદ જોઈશે
તીર્થાટન
કેદારેશ્વર ગુફા મંદિર
આજથી જ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે એટલે આખ્ખો મહિનો આપણે ભોળિયા શંભુનાં અવનવાં શિવાલયોનાં દર્શન કરીશું. આ સાવન સ્પેશ્યલ શૃંખલાના શ્રીગણેશ કરીએ આપણા જ રાજ્યના અહમદનગર જિલ્લાના પશ્ચિમી ઘાટના ડુંગરા પર આવેલા હરિશ્ચંદ્રગઢની ગુફામાં ૧૧૦૦ વર્ષ પૂર્વે પ્રતિષ્ઠિત કેદારેશ્વરથી.
આ કેદારેશ્વર નામ હોય એટલે તેમનાં બેસણાં ધરતીથી ઊંચે પર્વતમાં જ હોય? કદાચ હશે જ, નહીં તો છેક છઠ્ઠી સદીમાં અહીં પાંચ ફીટ ઊંચા શિવલિંગની સ્થાપના કરતી વખતે સ્થાપકે એને કેદારેશ્વરનું નામ ન આપ્યું હોત.
ADVERTISEMENT
વેલ, સમુદ્રની સપાટીથી અહીં ગંગાધર ૪૬૬૫ ફીટ ઊંચે બિરાજ્યા છે અને ત્યાં લગી પોગવાનો મારગ પણ ચુનૌતીપૂર્ણ છે. છતાંય અહીં આવનાર દરેક ભક્તને અદ્ભુત શિવલિંગનાં દર્શન થાય છે, કારણ કે જ્યારે ‘બાબા કા બુલાવા` આવે છેને ત્યારે ભક્તોનાં ચરણ આપોઆપ દોડવા લાગે છે.
મુંબઈના મૉન્સૂન પ્રેમીઓએ માલશેજ ઘાટનું નામ સાંભળ્યું જ હશે. હરિશ્ચંદ્રગઢ આ માલશેજ રીજનમાં છે. બાય ટ્રેન આવવું હોય તો નિયરેસ્ટ સ્ટેશન ઇગતપુરી છે. પછી ત્યાંથી ઘોટી. અને ઘોટીથી મહારાષ્ટ્રના નાનકડા પહાડી ગામ પછનાઈ કે પછી કોથલે બાય રોડ. ઍન્ડ જો તમે મુંબઈથી જ રાજમાર્ગે જવાના હો તો છેક પછનાઈ, રાજુર સુધી તમારી બસ-ગાડી જશે.
હરિશ્ચંદ્રગઢ પહાડોની ચટ્ટાનોને કોતરીને બનાવવામાં આવેલું છે. એટલે ડુંગરની ટોચે પહોંચવા અહીં ભિન્ન-ભિન્ન ૫-૬ ટ્રેક્સ છે. દરેક પગદંડીની લંબાઈ અને સુંદરતા ભિન્ન છે તો ચૅલેન્જિસ પણ ભિન્ન છે. બટ, ડોન્ટ વરી. ઉપર મહાદેવ બેઠા છે. અને દરેક મારગની આજુબાજુ કુદરતે એવાં કામણ પાથર્યાં છે કે ઊંચા-નીચા પથરાની કેડીઓ, વગડાઉ ફૂલની જેમ હંગામી ધોરણે જ્યાં ત્યાં ફૂટી નીકળેલાં નાનાં-મોટાં ઝરણાંઓ, તાજું ને કૂણું ઘાસ તેમ જ વર્ષાનું પાણી પીને તાજાંમાજાં થયેલાં તરુવરો જોતાં-જોતાં તમે ક્યારે શંભુના ધામમાં પહોંચી જાઓ છો એનો ખ્યાલ જ નથી રહેતો.
આમ તો હરિશ્ચંદ્રગઢ એક પહાડી કિલ્લો છે, જેની રચના શાસકોએ આજુબાજુના વિસ્તારોના સંરક્ષણ હેતુસર કરી હતી. કહેવાય છે કે છઠ્ઠી સદીની આસપાસ કલચુરી વંશના રાજાઓએ આ ગઢનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ જો ઇતિહાસની ઊંડી ગર્તામાં જઈએ તો મત્સ્યપુરાણ, અગ્નિપુરાણ, સ્કંદપુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થળનો સંદર્ભ છે. હરિશ્ચંદ્રગઢની ટોચે એક રહસ્યમય કેદારેશ્વર ગુફા છે. આ ગુફાની અંદર પાંચ ફીટ ઊંચું વિશાળ શિવલિંગ છે. આ શિવલિંગ કોણે બનાવડાવ્યું, કોણે સ્થાપિત કર્યું એનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી પણ કહે છે કે આ ગઢ ઉપર વૈજ્ઞાનિકોને માઇક્રોલિથિક માનવના અવશેષ પ્રાપ્ત થયા છે. એક વિરાટ ગુફામાં બિરાજમાન આ શિવલિંગની આજુબાજુ, જાણે ગુફાને સપોર્ટ પ્રદાન કરતું હોય એવું મંડપ જેવું ચાર સ્તંભનું પથ્થરનું સ્ટ્રક્ચર છે જેની નકશીથી જાણી શકાય છે કે એ મધ્યકાલીન યુગની આસપાસ બન્યું હશે. જોકે આજે એ ૪ સ્તંભમાંથી બે સ્તંભ તો ખંડિત થઈ હવામાં લટકે છે અને એક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. પરંતુ ચોથો સ્તંભ હજી અડીખમ ઊભો છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આ ચાર પિલર ચાર યુગોના પ્રતીક છે. સત્યયુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કલિયુગ. ત્રણ યુગ પૂર્ણ થતાં ત્રણ સ્તંભ તૂટી ગયા છે અને ચોથો કળિયુગનો સ્તંભ જ્યારે તૂટશે ત્યારે સમસ્ત સૃષ્ટિનો અંત થઈ જશે. ગુફા અને શિવલિંગની અન્ય ખાસ વિશેષતા છે કે ગુફા બારે મહિના અઢીથી ત્રણ ફીટ જેટલા પાણીથી ભરેલી જ રહે છે. વરસાદ ન હોય છતાં આ ગુફામાં શિવાભિષેક થતો હોય એમ કાયમ પાણી ટપકે છે. આ જળનો સોર્સ શું છે, ભરેલું પાણી ક્યાં જાય છે એનો કોઈ તાગ મળતો નથી. આવી જ વિભિન્નતાઓએ કેદારેશ્વર મહાદેવને વધુ વિશિષ્ટ અને વધુ પૂજનીય બનાવ્યા છે. દર્શન તો કર્યાં પણ શિવલિંગની પૂજા કરવી હોય તો ભક્તો ઠંડાગાર કમરબૂડ પાણીમાંથી પસાર થાય તો જ સ્પર્શ કરી શકે છે. બટ, બૉસ! ધિસ ઇઝ વર્થ! બિલીવ મી, એ ગુફાજળનો સ્પર્શ શરીરના રોમ-રોમ ઝંકૃત કરી દે છે અને શિવલિંગની સમીપતા મનને પવિત્ર...
કેદારેશ્વરના ગુફા મંદિરની બહાર આવેલું દક્ષિણ ભારતીય શૈલીનું મંદિર જ્યાં ગણપતિ બાપ્પા બિરાજે છે
ગુફાની બહાર નીકળતાં એક અદ્ભુત મંદિર નજરે ચડે છે. દક્ષિણ ભારતીય શૈલી હેમાડપંથી સ્ટાઇલથી બનેલું આ દેવાલય કાળમીંઢ પથ્થરોને તરાશીને શિલાને બોલકી કરવાનું અદ્વિતીય ઉદાહરણ છે. ૧૬ મીટર ઊંચું શિખર ધરાવતાઆ મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ બાપ્પા બિરાજે છે અને ગર્ભગૃહની બહાર વિષ્ણુ ભગવાન તથા અન્ય મૂર્તિઓ છે. મંદિરની આજુબાજુમાં બીજી ત્રણેક ગુફાઓ છે ત્યાં બૌદ્ધ સ્થાપત્યો છે. આ ગુફાઓની પાસે પ્રાચીન જલકુંડ છે. કહેવાય છે કે મંગલ ગંગા નદીનો ઉદ્ગમ આ કુંડમાંથી થાય છે. અહીં એક કાશી તીર્થ નામે પ્રાચીન મંદિર છે એમાં પણ શિવલિંગ તેમ જ અન્ય ભગવાનની મૂર્તિ છે. આ મંદિરના પ્રવેશદ્વારની એક બાજુ દેવનાગરી ભાષામાં લખાયેલો શિલાલેખ છે, જેમાં સંત ચાંગદેવ વિશેની માહિતી છે. આ જ પરિસરમાં પુષ્કરણી નામે વિશાળ તળાવ છે, જે સપ્તતીર્થ તરીકે પુજાય છે.
ઍક્ચ્યુઅલી, હરિશ્ચંદ્રગઢ પહાડની ઉપર ટેબલ લૅન્ડ જેવો વિશાળ વિસ્તાર છે જેમાં મંદિરો, ગુફાઓ, તળાવ, નદી તેમ જ કોકણ કંડા, તારામતી શિખર, ગૌમુખ, વ્યાઘ્ર શિલા જેવાં કુદરતી અને મનુષ્યનિર્મિત સ્થળો છે; જેમાંનું કોકણ કંડા તો એવું સ્પેશ્યલ છે કે તમે ગમે તેટલા થાકેલા હો; અહીં તો જજો જ. નહીં તો કુદરતની એક અદ્વિતીય કરામત મિસ કરી દેશો. આ પૉઇન્ટ પરથી આખો કોંકણ વિસ્તાર તો દૃશ્યમાન થાય જ છે સાથે હાથનાં કંકણ જેવા અર્ધગોળાકાર આકાર ધરાવતી આ ક્લિફ પર મૉન્સૂન બ્રોકન સ્પેક્ટર ક્રીએટ થાય છે.
હવામાં થોડું-થોડું ધુમ્મ્સ હોય, તમે સૂરજને પીઠ કરીને ઊભા હો અને અચાનક તમારી સામે ગોળાકાર મેઘધનુષ ઉદ્ભવે, જેની સેન્ટરમાં તમે, હા, તમારી છાયા હોય... એ દૃશ્ય એટલે બ્રોકન સ્પેક્ટર. સિમ્પ્લી સુપર. ઍન્ડ યસ, તમારી કુંડળીના બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાને હોય તો તો તમને વર્ટિકલ ક્લાઉડ બર્સ્ટ પણ અહીં માણવા મળે છે. એ સાથે જ તારામતી કે તારામાંચી શિખર આ એરિયાનો હાઇએસ્ટ પૉઇન્ટ છે. જો તમે અહીં એક દિવસ રહેવાના હોય કે પછી ટ્રેકિંગના અનુભવી હોય તો તારામતી ઑલ યૉર્સ.
આગળ કહ્યું એમ હરિશ્ચંદ્રગઢ સુધી પહોંચવાના ચારથી પાંચ ટ્રેક્સ છે, જેમાંનો એક ટ્રેક છે ખિરેશ્વરનો. કમ્પૅરેટિવલી લાંબો રૂટ ગણાતો આ રસ્તો ગુફાઓ, ખીણ પ્રદેશ, ચટ્ટાનો, નાની
પહાડીઓ, ગીચ જંગલો થઈને ગઢે પહોંચે છે. તમે હાડોહાડ પ્રકૃતિપ્રેમી હો ઍન્ડ પર્વતારોહણ તમારું પૅશન હોય તો-તો ખિરેશ્વરનો જ રૂટ લેજો. બીજો જાણીતો રસ્તો છે પચનઈનો. અહીંથી હરિશ્ચંદ્રગઢની દૂરી ફક્ત ૩ કિલોમીટર છે. પહાડથી દદડતાં ઝરણાંઓ અને તળાવના કિનારેથી પસાર થતી આ કેડીનું ચઢાણ મૉડરેટ છે અને કમનીય પણ છે. એ ઉપરાંત બેલપાડા ઇઝ મોર ટફેસ્ટ ટ્રેક.
ખેર, અહીં જેમ રૂટની વિવિધતા છે એમ દરેક મોસમની પણ આગવી સુંદરતા છે. સાવન કે મહિને મેં તો અહીં મૌજેમૌજ હોય છે. તો શિયાળામાં પણ અહીંની શોભા અલૌકિક રહે છે. હા, ઉનાળુ દિવસોમાં ટ્રેકિંગ ટફ બની રહે પણ જો ઓરિજિનલ કેદારનાથ પહોંચતાં કેવી કસોટી થાય, મન અને તન કેટલાં મક્કમ જોઈએ સાથે પાર્વતી પતિ પર કેટલી શ્રદ્ધા રાખવી જોઈએ એનું ટેસ્ટિંગ કરવું હોય તો કોઈ સાથીનો હાથ જાલો અને પહોંચો હરિશ્ચંદ્ર ગઢ.
પૉઇન્ટ બ્લૅન્ક
હરિશ્ચંદ્રગઢ ઉપર નથી કોઈ ભગવાન પધાર્યા કે નથી અહીં કોઈ પૌરાણિક મહત્ત્વ, તો અહીં કેમ જવું એવો પ્રશ્ન જો તમને થયો હોય તો જાણી લો કે આ ભૂમિ પર ચોક્કસ કોઈ પ્રભુએ પગલાં નથી પાડ્યાં પણ આ અવનિ પાવરફુલ તો છે જ, કારણ કે નહીં તો સંત જ્ઞાનેશ્વરના ૧૪૦૦ વર્ષની આયુ ધરાવતા શિષ્ય ચાંગદેવ અહીંની ગિરિકંદરાઓમાં ધ્યાન, તપ, જપ ન કરતા હોત. કહેવાય છે કે ચાંગદેવ મહારાજે ભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિ અને યોગિક શક્તિથી તેમણે યમરાજને ૪૨ વખત પરત મોકલ્યા હતા, જેથી તેમનું આયુષ્ય ૧૪૦૦ વર્ષનું હતું. હજાર શિષ્યોનો પરિવાર ધરાવતા ચાંગદેવે ૨૧ વર્ષના યુવાન બાળક જ્ઞાનેશ્વરને ગુરુ બનાવી યુવા ગુરુનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.