મસ્તક પર રહેલું ત્રિશૂળ-તિલક કહે છે કે તમે કયા કુળ સાથે જોડાયેલા છો. તમે કોનું પ્રતિનિધિત્વ કરો છો એની તમને ખબર તો હોવી જ જોઈએ. સાથોસાથ એ સતત પુરવાર કરવાની ક્ષમતા અને કૌશલ્ય પણ દરેક લીડરે કેળવવું જોઈએ જે તેની પહેલી અને પ્રાથમિક ફરજ પણ છે
ગણેશ બાપ્પા
મહાદેવના હથિયાર એવા ત્રિશૂળનું તિલક ગજાનનના મસ્તક પર શું કરે છે એ સવાલ સૌકોઈને થવો જોઈએ, પણ અત્યાર સુધીની કારકિર્દીમાં આ સવાલ કોઈએ પૂછ્યો નથી તો સાથોસાથ એવું પણ જોવા નથી મળ્યું કે કોઈ પંડિતે આ બાબતમાં સામેથી સ્પષ્ટતા પણ કરી હોય. હકીકતમાં તો એ તિલક મહાદેવજીના શિરે હોવું જોઈએ, પણ એવું નથી. મહાદેવના મસ્તક પર ત્રિપુંડ છે. તે પણ ત્રણ શૂળના બનેલા ત્રિશૂળનું તિલક નથી કરતા.
આવું શું કામ એની પાછળ બહુ રસપ્રદ કહેવાય એવી વાત છે. વાત પણ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલોસૉફી પણ છે, પણ એ ફિલોસૉફી જાણતાં પહેલાં એ જાણી લઈએ કે આ તિલક ગજાનનના ભાલમાં ક્યારે અને કેવી રીતે આવ્યું?
અલગ-અલગ ત્રણ પુરાણમાં આનો ઉલ્લેખ છે. એમાં કહેવાયું છે કે ત્રિશૂળનું આ તિલક બીજા કોઈએ નહીં પણ ખુદ મહાદેવે પોતાના સ્વહસ્તે ગજાનનના શિરે કર્યું હતું અને એ પણ ત્યારે જ્યારે ગજાનન પર ચંડકોષી રાક્ષસના વધની જવાબદારી મૂકવામાં આવી. ચંડકોષીને કારણે જ્યારે ઋષિમુનિઓ પોતાની હવનક્રિયા પૂરી નહોતા કરી શકતા ત્યારે ઋષિમુનિઓ કૈલાસધામમાં મહાદેવને ફરિયાદ કરવા ગયા અને ચંડકોષીના વધ માટે કહ્યું. એ સમયે મહાદેવ ધ્યાન માટે નીકળવાની તૈયારીમાં હતા એટલે તેમણે આ કાર્યની જવાબદારી ગજાનનને સોંપી. બાળગણપતિને જોઈને થોડી ક્ષણો માટે ઋષિમુનિઓ પણ ગભરાયા કે આ બાળક કેવી રીતે ચંડકોષી જેવા અપાર શક્તિ ધરાવતા રાક્ષસનો વધ કરી શકે? આરક્ય નામના એક ઋષિવરે મનમાં આવેલી આ શંકાને મહાદેવ પાસે વર્ણવી ત્યારે મહાદેવે જાતે જઈને ત્રિશૂળનું તિલક પોતાના હાથે ગજાનનની ભાલ પર કર્યું અને ઋષિમુનિઓને કહ્યું કે તમારી ધારણા કરતાં પણ ઓછા સમયમાં આ કાર્ય ગણેશ પૂરું કરશે.
ઋષિમુનિઓના ઝુંડે કહ્યું કે શું તે પાંચ દિવસમાં ચંડકોષીનો વધ કરી શકશે?
હકીકત એ હતી કે પાંચ દિવસ પછી પૂનમ આવતી હતી, જે દિવસે ઋષિવરોએ મહાઅગ્નિહોત્રીનું આયોજન કર્યું હતું. ઋષિઓ નહોતા ઇચ્છતા કે એ કાર્યમાં કોઈ વિઘ્ન આવે, પણ મહાદેવે કહી દીધું કે આ કાર્ય ગણેશ ત્રણ દિવસમાં પૂરું કરશે.
ચંડકોષીની મોટામાં મોટી તાકાત જો કોઈ હોય તો એ કે તે ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈનું પણ રૂપ લઈ શકતો હતો. ગણેશ સાથેના ભીષણ યુદ્ધમાં તેણે ભાતભાતનાં રૂપ લીધાં, પણ ગણેશ ચંડકોષીના છળમાં સપડાયા નહીં અને એની પાછળનું કારણ હતું મસ્તક પર રહેલું ત્રિશૂળનું તિલક. મહાદેવે એ તિલક દ્વારા ગજાનનને વાસ્તવિકતા જોવાની અને સમજવાની શક્તિ આપી હતી.
એ યુદ્ધ ત્રણ દિવસમાં જ પૂરું થયું અને ઋષિઓનો મહાઅગ્નિહોત્રીનો સંકલ્પ પણ પૂરો થયો. બસ, એ દિવસથી ગજાનના શિરે ત્રિશૂળનું તિલક શોભે છે.
ADVERTISEMENT
કપાળે ત્રિશૂળ, એક સિમ્બૉલ
ત્રિશૂળ સમજાવે છે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ જોવાની ક્ષમતા દરેક લીડરમાં હોવી જોઈએ. જો એ ક્ષમતા તેનામાં ન હોય તો તે આવી રહેલા સંકટમાંથી પોતાની ટીમને ઉગારી શકે નહીં. ત્રિશૂળનું તિલક એ પણ સૂચવે છે કે તમારે ક્યારેય ભૂલવું ન જોઈએ કે તમે કોનું ઉત્તરદાયિત્વ નિભાવો છો અને કોનું પ્રતિનિધિત્વ તમને સોંપવામાં આવ્યું છે. રાજાનું પ્રતિનિધિત્વ કરતા લીડર નાના માણસના ઘરે જાય તો પણ તેણે રાજાને છાજે એ મુજબનો જ વ્યવહાર કરવો જોઈએ, કારણ કે તે રાજવી ઘરનું પ્રતિનિધિત્વ કરે છે. મોટી કંપનીના મોટા પદ પર પહોંચેલા દરેક લીડરે પણ એ સમજવું રહ્યું કે તેનો જે ટીમ સાથે વ્યવહાર છે એ વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક એ કંપનીના માલિકોનું પ્રતિબિંધ પડી રહ્યું છે. એટલે વ્યવહારમાં એ પ્રકારની સૌજન્યશીલતાની સાથોસાથ એ પ્રકારનાં જ વાણી, વર્તન અને વ્યવહાર હોવાં જોઈએ.ગણપતિના ભાલ પર દેખાતું ત્રિશૂળ મહાદેવનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. રાક્ષસ ચંડકોષીના વધ સમયે ગણપતિએ પુરવાર કરી દેખાડ્યું કે જે વંશમાંથી તેઓ આવે છે એ વંશને દીપાવવાની તેઓ ક્ષમતા ધરાવે છે. લીડરે પણ એક વખત જાતમાં ડોકિયું કરવું જોઈએ કે તે એ ક્ષમતા ધરાવે છે કે નહીં? જવાબ જો નકારમાં હોય તો એ મુજબની સક્ષમતા તેણે પહેલાં હાંસલ કરવી જોઈએ અને પછી આગેવાનીનો આગ્રહ રાખવો જોઈએ.