ઇન્ડો-જપાન કલ્ચરલ એક્સચેન્જમાં જબરું કામ કરી રહેલાં મહેશભાઈ અને તેમની દીકરીએ અઢળક કૉર્પોરેટ કંપનીઓથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઇન્ટરપ્રિટર તરીકે કામ કર્યું છે. જેટલો જોરદાર તેમનો વર્તમાન છે એટલો જ ભવ્ય તેમનો ભૂતકાળ હતો
આ તસવીરમાં જપાનની ટેનરી યુનિવર્સિટીમાંથી મળેલા મેડલ અને જૅપનીઝ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળેલા મોટર મેકૅનિકલ લાઇસન્સ સાથે ડાબેથી મહેશ જોશી, તેમની મોટી દીકરી એમી અને નાની દીકરી રુમી સાથે.
વાતની શરૂઆત કરીએ ૧૯૭૯થી. એ જમાનામાં મોબાઇલ કે પેજર નહોતાં એટલે ઇમર્જન્સી કમ્યુનિકેશન માટે ટેલિગ્રામ એટલે કે તારનો ઉપયોગ થતો. તારમાં નામમાં થયેલો એક ગોટાળો એક વ્યક્તિ અને એ વ્યક્તિ થકી આખા પરિવારની દિશા અને દશા કેવી ૩૬૦ ડિગ્રી ફેરવી શકે છે એના બહેતરીન ઉદાહરણ વિશે આપણે વાત કરવાના છીએ. ગોંડલમાં જન્મેલા અને અત્યારે ૭૦ વર્ષની ઉંમરે પણ ભારત અને જપાન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનનાં કાર્યોમાં દીકરી સાથે સતત સક્રિય રહેલા મહેશ જોશી એક જમાનામાં સાબરમતીમાં રેલવેમાં નોકરી કરતા. રેલવેના બુકિંગ-ક્લર્કમાંથી જૅપનીઝ કંપનીમાં ઇન્ટરપ્રિટરની ભૂમિકામાં કેવી રીતે આવ્યા એની દાસ્તાન રસપ્રદ છે.