સાધનથી પ્રભુપ્રાપ્તિ કરવાનો સમય રહ્યો નથી, દેશ કાળ દ્રવ્યમાં મંત્ર વગેરે બધું ફરી ગયું છે,
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
જેને માથે પ્રભુ બિરાજે છે તેને કઈ વાતનું દુઃખ હોય? તેને કઈ વાતની કમી હોય? તેને કઈ બાબતની ચિંતા હોય? તેના હૃદયમાં કઈ બાબતનો કલેશ હોય? જો ઉપર જણાવેલી બાબતો ભક્તને સતાવતી હોય તો જાણવું કે ભક્ત ભગવાનનાં સ્વરૂપ, સામર્થ્ય, પ્રભાવ અને રહસ્ય સમજ્યો જ નથી અને પ્રભુનો અનન્ય ભક્ત બન્યો જ નથી. જ્યાં અગ્નિ હોય ત્યાં ઠંડી રહી શકે ખરી? જ્યાં સૂર્યનો પ્રકાશ ઝળહળતો હોય ત્યાં અંધકાર રહી શકે ખરો? એવી જ રીતે જ્યાં આનંદકંદ પ્રભુ બિરાજતા હોય ત્યાં દુઃખ, દારિદ્ર, ખિન્નતા ત્યજતો નથી દરેક હાલતમાં તે પ્રસન્ન રહે છે.
જો સાધનનું બળ રાખી પ્રભુને મેળવવાની ઇચ્છા હોય તો પુષ્ટિમાર્ગનો સ્પર્શ ન કરશો. આ માર્ગ તો જેણે સાધનના બળમાંથી મમતા છોડી દીધી હોય, જે તદ્દન હીન બની કેવળ પ્રભુની કૃપા ઉપર અવલંબન રાખી પોતે કાંઈ પણ કરી શકવા અશક્તિમાન હોય અને પોતાના બળથી કોઈ પણ ક્રિયા સિદ્ધ થતી નથી એવો જેનો પાકો નિર્ણય થયો હોય તે જ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ પામી શકે.
ADVERTISEMENT
સાધનથી પ્રભુપ્રાપ્તિ કરવાનો સમય રહ્યો નથી, દેશ કાળ દ્રવ્યમાં મંત્ર વગેરે બધું ફરી ગયું છે, માત્ર પ્રભુની કૃપા અને આશ્રય એ જ ભક્તનું સાચું બળ છે, એટલે જ કહ્યું છે કે ‘નિર્બલ કે બલ શ્યામ.’ જે નિર્બલ છે તેના શ્રીશ્યામ-પ્રભુ છે. દેવી જીવે પ્રભુનો વિશ્વાસ રાખવો.
પુષ્ટિમાર્ગ એટલે વિરહનો અનુભવ કરવાનો માર્ગ. શેનો વિરહ? ભગવાનનો વિરહ. આમ તો સ્ત્રીપુત્રાદિકનો વિરહ આપણે અનુભવીએ છીએ, એ વિરહને દૂર કરવા સંયોગ કઈ રીતે થાય એને માટે પ્રયાસો પણ કરીએ છીએ; પણ જીવનો વિયોગ થયો છે, કેટલાય જન્મોથી એ વિખૂટો પડ્યો છે. એનું વિયોગદુઃખ થાય છે ખરું? જેમ સ્વજનને મળવા મન તલપાપડ થાય છે તેમ પ્રભુને મળ્યા સિવાય ક્યાંય ચેન નથી એવું લાગે છે ખરું? પ્રભુને મળવાની તાલાવેલી લાગે છે ખરી? પ્રથમ તો ‘હું પ્રભુથી વિખૂટો પડ્યો છું’ એનું દુઃખ અનુભવવાની જરૂર છે. આ દુઃખ આગળ દુનિયાના કોઈ પણ પદાર્થ પર પ્રીતિ ઊપજે નહીં. કોઈમાં સુખબુદ્ધિ લાગે નહીં. ‘હું કેમ કરીને પ્રભુને મળું’ એ જ ભાવ પ્રધાનરૂપે રહે ત્યારે જ વિરહનો અનુભવ આવે.
સહેજ પણ મનમાં આ ગર્વ થયો અથવા ‘પ્રભુની મેં તનમનથી માનસી સેવા આટલા પ્રમાણમાં કરી’ એવું સહેજ પણ અભિમાન થયું તો જાણવું કે પ્રભુ રાજી નહીં થાય.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી
(લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે)