હકીકતમાં આજે સમસ્ત સંસારમાં જેટલા પણ ધર્મ બન્યા છે એ માનવસમુદાયનું સામાજિક અને સાંસ્કૃતિક વિભાજન છે
પ્રતીકાત્મક તસવીર
વિશ્વની દરેક જડ વસ્તુ તેમ જ ચેતન સત્તાનો પોતપોતાનો મૂળભૂત સ્વભાવ અથવા ગુણ હોય છે જેને આપણે સાધારણ ભાષામાં એનો ધર્મ કહીએ છીએ અને જેના આધારે એ વસ્તુ અથવા વ્યક્તિનું અસ્તિત્વ નિર્ભર કરે છે. દાખલા તરીકે અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, જળનો ગુણ શીતળતા છે અને માટીનો ગુણ પોષક તત્ત્વો પૂરાં પાડવાનો છે. આ ધર્મ તેમના અસ્તિત્વ માટેનો મજબૂત આધાર છે. હવે આમાંથી જો કોઈ પણ પોતાના મૂળ ગુણને જ છોડી દે તો તેમનું અસ્તિત્વ જ નહીં રહે. આ હકીકત જેટલી જડ વસ્તુને લાગુ પડે છે એટલી જ તે ચેતન વ્યક્તિઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ચેતન મનુષ્ય માટે તેના આધ્યાત્મિક અને સામાજિક ગુણો એ જીવનની મૂળભૂત ઓળખ છે. કારણ કે જડ વસ્તુઓની જેમ જ મનુષ્યપ્રાણીના પણ પોતાના ગુણ, ધર્મ, સ્વભાવ અને સંસ્કાર છે, જેને કારણે તેને ‘મનુષ્ય’ની સંજ્ઞા આપવામાં આવે છે. જો માણસ પોતાના ગુણોને જ ખોઈ બેસે તો અથવા બીજા શબ્દોમાં કહીએ તો જો તે પોતાનું ‘મનુષ્યત્વ’ જ ખોઈ બેસે તો તેને મનુષ્ય કહી ન શકાય.
આપણા પૌરાણિક શાસ્ત્રમાં વર્ણવેલા જ્ઞાનના આધારે એ સ્પષ્ટ થાય છે કે ‘આત્મા’ અને ‘શરીર’ના સમન્વયનું નામ જ ‘મનુષ્ય’ છે. આ સમન્વય આપણને શારીરિક અને આધ્યાત્મિક બન્ને ગુણો પ્રદાન કરે છે. અતઃ મનુષ્યના અમુક ધર્મ આત્મા સાથે સંબંધિત છે અને અમુક શરીર સાથે. શરીરનો ધર્મ છે શુદ્ધ અન્ન, જળ અને વાયુ ગ્રહણ કરીને એમાંથી શારીરિક શક્તિ અર્જિત કરીને શારીરિક શુદ્ધતા જાળવી રાખીને આત્માના નિર્દેશોનું યોગ્ય રીતે પાલન કરીને કર્મ કરવાં. આત્માનો મૂળ ધર્મ છે ‘જ્ઞાન’ અર્થાત્ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન અથવા સૃષ્ટિના રચયિતા સર્વશક્તિમાન પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. આત્મા પોતાના જ્ઞાનની અભિવ્યક્તિ પ્રેમ-આનંદને શાંતિના ગુણો દ્વારા કરે છે. અતઃ આ ગુણોમાં સદૈવ સ્થિર રહીને શરીર દ્વારા કર્મ કરાવવાં એ જ દરેક મનુષ્યઆત્માનો સાચો ધર્મ છે, જેને ‘માનવધર્મ’ કહેવાય છે.
ADVERTISEMENT
હકીકતમાં આજે સમસ્ત સંસારમાં જેટલા પણ ધર્મ બન્યા છે એ માનવસમુદાયનું સામાજિક અને સાંસ્કૃતિક વિભાજન છે. ધર્મની આ વિભાજનાત્મક વ્યાખ્યાઓ ખોટી છે, કારણ કે એ માણસના મૂળ ગુણોથી વિમુખ છે અને આ વિભાજનનો ખરેખર આપણા મૂળ ગુણો સાથે કોઈ સંબંધ જ નથી. માટે આવા વિભાજનથી દૂર રહીને ધર્મનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવન માટે અત્યંત આવશ્યક છે.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

