માનવજીવનનું પરમ લક્ષ્ય મોક્ષ અને મોક્ષમાર્ગમાં સૌથી મોટો અવરોધ સ્ત્રીનો છે.મુક્તિરૂપી શ્રીનગરના પ્રથમ દરવાજાના બે અવરોધકો, સ્ત્રી અને ધન. જે સ્ત્રી અને ધનરૂપી અવધરોધોને દૂર કરી શકે તે જ પેલા મુક્તિના દરવાજામાં પ્રવેશ પામી શકે.
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
સ્ત્રી ધગધગતો અગ્નિ અને પુરુષ થિજાવેલું ઘી છે. ઘીને અગ્નિ પાસે લઈ જાઓ તો તે પીગળ્યા વિના રહે જ નહીં એવી સૌની સામાન્ય માન્યતા છે. એ સાચી છે છતાં એનો એકમાત્ર ઉપાય અસંપર્ક કે દૂર ભાગતા ફરવું એ નથી. દૂર ભાગતા ફરનારાઓ બહુ જલદી પીગળી જતા હોય છે. અરે, માનસિક રીતે પીગળેલા ને પીગળેલા જ રહે છે.
કામવાસના એક પ્રચંડ અગ્નિ છે. જો એને અનિચ્છાએ, અકુદરતી નિયમોથી ગૂંગળાવવામાં આવે તો એ ગૂંગળાવનારને જ બાળીને ખાખ કરી નાખે છે. દબાયેલી કામવાસના આડો માર્ગ લેતી હોય છે અને દબાવનારને ધોબીના કૂતરાની માફક નહીં ઘરનો કે ઘાટનો બનાવી મૂકે છે. પરાણે બ્રહ્મચર્યનું પાલન કરનારાઓ મોટા ભાગે ફિક્કા, નિસ્તેજ, માંદા અને બેડોળ થયેલા દેખાશે. તેમની કુદરતી આગ અકુદરતી માર્ગે ફંટાઈને તેમને ભરખી રહે છે. ધર્મ તથા અધ્યાત્મે આ ક્ષેત્રમાં એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે કોઈ કહી નથી શકતું અને અનર્થોની પરંપરામાં થોડા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના તણાયા કરે છે, રિબાયા કરે છે. ગૃહસ્થોના મનમાં કામવાસના પ્રત્યે ઘૃણા અને પાપવૃત્તિ સ્થાપિત કરી દેવાઈ છે એટલે તેઓ જાણે કોઈ મહાપાપ કરીને જીવન જીવતા હોય છે એવી લઘુતાગ્રંથિથી દુખી થાય છે.
ADVERTISEMENT
એમાંથી છૂટવું એ જ કલ્યાણનો માર્ગ એવી આશાએ એમાંથી છૂટેલા માણસોના પગમાં તેઓ પડે છે. તેમને કોણ સમજાવે કે તમે જેમના પગમાં પડો છો તેમની આંતરભૂમિકા તમારા કરતાં ઉત્તમ નથી. તમે જે જુઓ છો એ તો બાહ્ય રૂપ છે. ભલા થાઓ અને કુદરતી માર્ગને પાપ ન માનો, અકુદરતી માર્ગને પુણ્ય ન માનો. પાછા વળો. તમે જ્યાં છો ત્યાં જ બરાબર છો. તમે માર્ગ ભૂલેલા નથી, પણ માર્ગ ભૂલેલાઓના ચક્કરમાં આવી ગયા છો. આ ચક્કર ત્યારથી શરૂ થયું છે જ્યારથી માણસે પરલોકના નામે કુદરતી પ્રક્રિયાને મોક્ષ અવરોધક માની છે.
માનવજીવનનું પરમ લક્ષ્ય મોક્ષ અને મોક્ષમાર્ગમાં સૌથી મોટો અવરોધ સ્ત્રીનો છે.
મુક્તિરૂપી શ્રીનગરના પ્રથમ દરવાજાના બે અવરોધકો, સ્ત્રી અને ધન. જે સ્ત્રી અને ધનરૂપી અવધરોધોને દૂર કરી શકે તે જ પેલા મુક્તિના દરવાજામાં પ્રવેશ પામી શકે.
આવાં અસંખ્ય કથનો સંસ્કૃત તથા દેશી ભાષાના વાઙ્મયમાં ભર્યાં છે અને બાવાઓ એવું બોલી-બોલીને સંસારીઓનાં જીવન બગાડવાનું કામ કરે છે. આવાં કથનોની કથાઓ કરવાથી તથા સાંભળવાથી સ્ત્રી અને ધન પ્રત્યે એક ક્ષણિક વૈરાગ્યનો ઊભરો ઉત્પન્ન થાય છે, પણ એ ક્ષણભંગુર હોય છે.