થૉમસ આલ્વા એડિસને વિદ્યુત બલ્બની શોધ માટે અત્યંત પરિશ્રમ કર્યો હતો. એ સમયે તેની ટીમના સૌ સભ્યો ૨૪ કલાક સખત ઉદ્યમ કરે ત્યારે માત્ર એક જ બલ્બ બનતો
સત્સંગ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થૉમસ આલ્વા એડિસને વિદ્યુત બલ્બની શોધ માટે અત્યંત પરિશ્રમ કર્યો હતો. એ સમયે તેની ટીમના સૌ સભ્યો ૨૪ કલાક સખત ઉદ્યમ કરે ત્યારે માત્ર એક જ બલ્બ બનતો. એક રાત્રે એડિસને બલ્બ પૂર્ણ કરી તેની સાથેના મદદનીશ છોકરાને આ બલ્બ ઉપરના મજલા પર મૂકી આવવા જણાવ્યું, પરંતુ દાદર ચડતાં તે છોકરાના હાથમાંથી બલ્બ છટક્યો અને આખા દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું.
સહાયકોને તો આ ઘટના ખૂબ ત્રાસદાયક લાગી, પરંતુ એ સમયે એડિસન સ્થિર હતો. તેણે પુનઃ આખી ટીમને ૨૪ કલાક માટે કામે લગાવી દીધી. બીજો બલ્બ બનાવી તે જ બાળકને બલ્બ લઈને ઉપર મોકલ્યો. ખરેખર, સાચી ક્ષમાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ADVERTISEMENT
ડૉ. અબ્દુલ કલામસાહેબ જેનો પૂર્ણ આદર કરતા એવા દક્ષિણ ભારતના મહાન સંત શ્રી તિરુવલ્લુવર જણાવે છે કે ‘વેર લીધાનો આનંદ એક દિવસ ટકશે પણ ક્ષમા આપ્યાનું, ક્ષમા કર્યાનું ગૌરવ જીવન પર્યંત ટકે છે. ક્ષમાનો ગુણ સજ્જનોનો શણગાર અને સંતોનો શિરમોર સમાન છે.’
રામચંદ્ર ભગવાનના જીવનનો અભ્યાસ કરતાં સ્પષ્ટ જણાય છે કે તેમના વનવાસમાં કૈકેયી કારણભૂત હતાં. ભગવાન રામ વનવાસની પૂર્ણતા અને લંકાવિજય કરી અયોધ્યા પાછા પધારે છે ત્યારે તેમના સ્વાગત માટે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ઉપસ્થિત હતાં. એ સમયે રામચંદ્રજી વારંવાર કૈકેયીને મળે છે, તેમને ભાવપૂર્વક પગે લાગે છે અને તેમનાં બન્ને ચરણની રજ સુધ્ધાં લે છે. આ જોઈને કૈકેયી જરા ક્ષોભ પામી જાય છે. તેમનો ક્ષોભ જોઈને શ્રીરામ કહે છે, માતા ક્ષોભ ન પામો. મને વનવાસ આપવામાં આપ તો કેવળ નિમિત્ત હતા. વાસ્તવમાં તો તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. વનવાસમાં મને જીવનમાં કેટકેટલું જાણવાનું મળ્યું. ભગવાને એ સમયે ક્ષમારૂપી હથિયારથી પ્રત્યેક લોકોનાં હૃદય જીતી લીધાં.
ખરેખર, ક્ષમા તો મોટાઓની મોટાઈ છે. પથ્થર મારનારને આંબાનું વૃક્ષ પ્રત્યુત્તરમાં કેરીનું મધુર ફળ આપે છે. પોતાને સળગાવનાર અગરબત્તી અન્યને સર્વદા સુવાસ અર્પે છે. ચંદનના વૃક્ષને કુહાડી મારતાં ઊલટું એ કુહાડીમાં સુગંધ ભરી દે છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ ક્ષમારૂપી સૌરભથી અન્યના જીવનને મહેકાવી દે એ સહજ છે અને ક્ષમાશીલતા જ સાચા જ્ઞાની પુરુષની ઓળખ છે એ શત પ્રતિશત સત્ય છે માટે ક્ષમા કરવાની તક જ્યારે પણ સાંપડે ત્યારે એ તકને ઈશ્વરના મિલનની તક માનીને તરત એનો સ્વીકાર કરવો અને ક્ષમા સાથે આગળ વધવું.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા