હાલ શિયાળામાં ઠેર-ઠેર રમતગમતની ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રમતવીરો માટે હર્ડલ્સ રેસ (વિઘ્નદોડ) પણ હોય છે.
શુભ મેળો-કુંભ મેળો
કુંભ મેળો
ગઈ કાલે આપણે જોયું કે પૃથ્વી પરના સર્વશ્રેષ્ઠ જ્ઞાન અર્થાત્ વેદનો અભ્યાસ અખાડાના સાધુ-સંતો કરતા હોય છે. આ જ્ઞાન અસાધારણ તો છે જ, કારણ કે એ કોઈ એક લેખક દ્વારા લખાયેલું નથી પરંતુ સૃષ્ટિની શરૂઆતમાં ધ્યાનમગ્ન ઋષિઓના સાંભળવામાં આવેલું ઈશ્વરીય આકાશવાણીરૂપે ઊતરી આવેલું જ્ઞાન છે. આપણે કોઈ ચીજવસ્તુના ઉત્પાદક કે ઉદ્યોગપતિનો ઇન્ટરવ્યુ લઈએ અને પછી છાપીએ એમ પૃથ્વી પરના પવિત્ર મુનિઓ (જીવાત્મા) અને પૂરી સૃષ્ટિના સર્જક (પરમાત્મા) વચ્ચે અનેક તપશ્ચર્યા બાદ બ્રહ્મનાદ (વાણી) દ્વારા મળેલું જ્ઞાન છે. એટલે જ સાંભળીને મેળવેલા આ જ્ઞાન (વેદ)ને શ્રુતિ પણ કહેવાય છે.
આવું જ્ઞાન આજે ગ્રંથો કે ગુરુઓ પાસેથી મેળવીને પણ સાધુ-સંતોનું કાર્ય પૂરું નથી થતું પણ શરૂ થાય છે. જ્ઞાન મેળવવા મહેનત તો ઘણી કરવી પડે છે, પણ માત્ર જ્ઞાનથી તો પોથી પંડિત જ બની શકાય. એનાથી પણ અતિ મુશ્કેલ કાર્ય તો મેળવેલા આ જ્ઞાનને આચરણમાં મૂકવાનું છે, અમલમાં મૂકવાનું છે. ઈશ્વર અર્થાત્ ઇષ્ટની પ્રાપ્તિ માટે જ્ઞાનપ્રાપ્તિની સાથે ઊંડી ધ્યાનસાધના પણ કરવી પડે છે. આ ધ્યાન ઈશ્વરમાં ત્યારે જ ચોંટે જ્યારે પવનથી પણ વધુ ઝડપી અને ચંચળ મન સ્થિર અને શુદ્ધ બને. હવે ભગવાને તો માનવને કહી દીધું કે મારી પાસે આવ, પણ વચ્ચે-વચ્ચે આપણી પાંચ ઇન્દ્રિયોને લલચાવે એવા અસંખ્ય પદાર્થો પણ મૂક્યા છે. આવાં અનેક તત્ત્વોમાંથી એકાદમાં પણ આપણી ઇન્દ્રિય ફસાય એટલે આપણે હતા ત્યાંના ત્યાં. ઇન્દ્રિયોની પાછળ મન પણ લલચાઈને અસ્થિર બને છે. સત્યરૂપી ઈશ્વરના માર્ગમાં આવાં લાલચરૂપી વિઘ્નો નડ્યા કરે છે.
ADVERTISEMENT
હાલ શિયાળામાં ઠેર-ઠેર રમતગમતની ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. રમતવીરો માટે હર્ડલ્સ રેસ (વિઘ્નદોડ) પણ હોય છે. આ રમતમાં જે લક્ષ્યાંક પાર કરવામાં ધ્યાન કેન્દ્રિત છે તે મુશ્કેલીઓમાં લાલચ કે ભય પામીને ફસાતો નથી, વિઘ્નોને મક્કમતાથી પાર કરી લે છે અને ગોલ્ડ મેડલનો અધિકારી બને છે. વિચાર કરો કે કોઈ એક નાના ગામની નાનકડી રમતમાં સુવર્ણચંદ્રક મેળવવા પણ રમતવીરે કેટલી મહેનત કરવી પડે છે, અથાગ પ્રૅક્ટિસ કરવી પડે છે, કંઈકેટલીયે મોજશોખવાળી પ્રવૃત્તિઓ છોડી દઈને પણ લક્ષ્યાંકને જ ધ્યાનમાં રાખવો પડે છે, એકાગ્રતા કેળવવી પડે છે, ફિટ ઍન્ડ ફાઇન રહેવા ખાવા-પીવા પર પણ સંયમ રાખવો પડે છે, વજન કન્ટ્રોલમાં રાખવું પડે છે. તો પછી સમગ્ર વિશ્વને ધારણ કરનાર જગતકર્તાને મળવું હોય તો કેટલી બધી સાધના કરવી પડે, કેટલા યમ-નિયમ પાળવા પડે, પ્રાણાયમ અને યોગ દ્વારા તન-મનને કેળવવાં પડે, વ્રતો અને તપશ્ચર્યા કરવી પડે, ઇન્દ્રિયો પર સંયમ રાખવો પડે, આત્મવિશ્વાસ રાખીને કઠોર પરિશ્રમ કરવો પડે.
હરિનો મારગ છે શૂરાનો
નહીં કાયરનું કામ જો...
આ રસ્તે જનારા મોહમાયા છોડી દેનારા સાધુ-સંતો પણ એક જનમમાં પોતાનો હેતુ સાધી નથી શકતા તો સામાન્ય સંસારી મનુષ્યની તો વાત જ શું કરવી?
ઈશ્વરના માર્ગે જનાર વ્યક્તિને સિદ્ધિ મળી શકે છે, વિદ્યાર્થીને વિદ્યા મળી શકે છે, પુત્રની ઇચ્છાવાળાને પુત્ર મળી શકે છે, ધનની અપેક્ષાવાળાને ધન મળી શકે છે. આ બધું એક જનમમાં મળી શકે છે. જોકે પ્રભુપ્રાપ્તિની આકાંક્ષાવાળાને એક જ જનમમાં ભગવાન મળી શકતા નથી. તેમની પ્રાપ્તિ થતાં એક કરતાં વધુ જનમ પણ લાગી શકે છે. હા, પણ એ તરફની ગતિ બની રહે છે કે સ્પીડમાં વધારો જરૂર થાય છે.
કેટલાક લોકોની ધીરજ ખૂટી જાય છે તો તેઓ સબૂરી અને શ્રદ્ધા બન્ને ગુમાવી બેસે છે, નાસ્તિક બની જાય છે, સાધુબાવાની મશ્કરી કરતા થઈ જાય છે. તેમને એ ખબર નથી કે પૈસા, પુત્ર, જ્ઞાન, કીર્તિ, જમીન, માલ-મિલકત કરતાં પરમેશ્વર અનેકગણો તાકાતવર છે. આવો શક્તિશાળી આત્મા જલદી હાથમાં ન આવે એટલે ‘તે નથી’ એમ કઈ રીતે કહી શકાય? હવા દેખાતી નથી એટલે એમ કઈ રીતે કહી શકાય કે હવા નથી. દ્રાક્ષ તો વૃક્ષ પર લટકે જ છે, પરંતુ હાથમાં ન આવે તો ખાટી બની જાય છે. પરમાત્માના પુરાવા ન મળે તો એ નથી એવો ગોકીરો અર્ધજ્ઞાની જ કરે. અધૂરો ઘડો છલકાય ઘણો. જે લોકો પૂર્ણ જ્ઞાની છે તેઓ પરમ શ્રદ્ધાળુ હોય છે. તેઓ ઈશ્વર તરફની યાત્રા સતત પ્રેમ અને ધીરજપૂર્વક ચાલુ રાખે છે. આવી યાત્રા કરતા સાધુ-સંતોનો તમને કદાચ કુંભમેળામાં ભેટો થઈ જાય તો તેમનાં વાઇબ્રેશન્સ તમને પણ મળે એટલે કુંભમેળામાં જાઓ તો પૂર્ણ શ્રદ્ધાથી જજો.
કેટલીક વાર આવા મેળામાં કપરા અનુભવ થાય પણ ખરા, પરંતુ સારા-નરસા અનુભવ તો દરેક ક્ષેત્રમાં થતા હોય છે.
(ક્રમશઃ)